એક્સક્લૂઝિવ:ગુજરાતમાં 'મિશન-150’! ભાજપે કેન્દ્ર-રાજ્યની વિકાસ યોજનાઓનો ઘરે-ઘરે જઈ લાભ અપાવવાનો રોડમેપ તૈયાર કર્યો

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: ટીકેન્દ્ર રાવલ
  • પ્રદેશ સંગઠનના હોદ્દેદારો ઉપરાંત MP-MLA સહિત 500 આગેવાનની ટીમને ગામે-ગામ ફરવાનો ટાસ્ક
  • બાકી રહી ગયેલા લોકોનો સર્વે કરી વહેલી તકે યોજનાના લાભાર્થીઓ બનાવવા ચાલી રહેલી કવાયત

ગુજરાતમાં હવે ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે અને ગમેત્યારે ચૂંટણીની જાહેરાત થાય એવો માહોલ જામ્યો છે. આ સ્થિતિમાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના 'મિશન-150'ને પાર પાડવા ભાજપે અનોખો રોડમેપ પણ તૈયાર કરી દીધો છે. વિકાસના એજન્ડા પર જ ભાજપ આગામી ચૂંટણી લડવાનો છે એ નક્કી છે. આ માટે ભાજપે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રજાલક્ષી યોજનાઓના લાભાર્થીઓ સુધી પહોંચવાનો વ્યૂહ ઘડ્યો છે. વિવિધ યોજનાઓના લાભાર્થીઓને ટાર્ગેટ કરીને જ વિધાનસભામાં 150 બેઠકની અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરવાનો ભાજપનો લક્ષ્યાંક છે.

ગુજરાત પેટર્નઃ યુપીમાં સફળ પ્રયોગ બાદ ગુજરાતમાં પુનરાગમન
તાજેતરમાં જ સંપન્ન થયેલી ઉત્તરપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે સળંગ બીજી વખત બે-તૃતીયાંશ બહુમતીથી વિજયપતાકા લહેરાવ્યો છે. એ ચૂંટણીમાં પણ ભાજપે ત્યાંની યોગી આદિત્યનાથ સરકારે પ્રજા માટેની વિવિધ યોજનાના લોકોને મળેલા લાભનો ભરપૂર પ્રચાર કર્યો હતો. આ માટે ગુજરાત પેટર્નથી પ્રચાર યુપીમાં કરાયો હતો. ત્યાં સફળતા બાદ હવે આ પેટર્ન ગુજરાતમાં પરત આવી છે. અહીં પણ ભાજપના પ્રદેશ સંગઠન અને સત્તા પાંખ બંનેને આ રાહે ગામે-ગામ લોકો સુધી પહોંચવાનો ટાર્ગેટ અપાયો છે.

કેન્દ્ર-રાજ્યની યોજનાઓના લાભાર્થીનો આ છે રોડમેપ
ગુજરાત ભાજપ દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ યોજનાઓની કામગીરીની યાદી તૈયાર કરાઈ છે. આ યાદી મુજબ દર મહિને અલગ-અલગ કાર્યક્રમો યોજવામાં આવશે. આ કાર્યક્રમો અંતર્ગત કેન્દ્ર સરકારમાં ગુજરાતના સાંસદ હોય તેવા મંત્રીઓ, રાજ્ય સરકારના મંત્રીઓ, સંસદસભ્યો, ધારાસભ્યોને ગુજરાતના ખૂણે-ખૂણે પ્રવાસ કરીને યોજનાઓનો લાભ વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવાનો ટાસ્ક અપાયો છે. આ કામગીરીની સાથે તેનો પ્રચાર-પ્રસાર કરવા માટેનો એક રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...