તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સામાન્ય સભા:સત્તાપક્ષ ભાજપ હાઇકમાન્ડે નક્કી કરેલા નામોને સભાગૃહમાં ભાજપના સભ્યો સર્વાનુમતે સ્વિકારશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ જિલ્લા પંચાયતમાં આજે ચેરમેનની વરણી માટે સામાન્ય સભા યોજાશે

અમદાવાદ જિલ્લા પંચાયતની વિવિધ સમિતીઓમાં ચેરમેનો અને સભ્યોની વરણી માટે તા.14મી જૂન, સોમવારે લાલદરવાજા ખાતે સામાન્ય સભા મળશે. જેમાં સત્તાપક્ષ ભાજપ હાઇકમાન્ડે નક્કી કરેલા નામોને સભાગૃહમાં ભાજપના સભ્યો દ્વારા સર્વાનુમતે સ્વિકારી લેવાશે. સભાગૃહમાં માંડલ અને દસક્રોઇ તાલુકાના ડેપ્યુટી એકાઉન્ટન્ટ રાજેશ રામીની ગેરરિતીના પ્રકરણ મુદ્દે અને જિલ્લા પંચાયત ભાજપના ઉપપ્રમુખ રમેશ મકાવાણાએ બાવળાની ખાનગી રાધે હોસ્પિટલને વાર્ષિક 10 લાખની ગ્રાન્ટ ફાળવી દીધાના મુદ્દે કોંગ્રેસ આક્રમક બને તેવી શક્યતા છે.

જિલ્લા પંચાયતની 34 બેઠકોમાંથી 30 બેઠક ભાજપ અને 4 બેઠક કોંગ્રેસ પાસે છે. જેથી વિવિધ સમિતીઓમાં ભાજપના ચેરમેન અને સભ્યો જ રહેશે. કારોબારી સમિતીના અધ્યક્ષની નિમણૂંક થઇ ગઇ છે. પરંતુ સામાન્ય સભામાં સમિતીઓની રચના થઇ નહીં હોવાથી અધ્યક્ષ વિનોદ પટેલ સત્તાવાર રીતે ચેમ્બરમાં બેસી શકતા નહતાં. હવે સોમવારે નિમણૂંક પછી બેસી શકશે. બીજીતરફ જિલ્લા પંચાયતની કારોબારી, સામાજિક ન્યાય, શિક્ષણ, આરોગ્ય, સિંચાઇ, બાંધકામ, મહિલા બાળ અને ન્યાય સમિતીઓના ચેરમેન સહિત વિવિધ પદો પર નિમણૂંક માટે છેલ્લા 15 દિવસથી જિલ્લા પંચાયત ભાજપના સદસ્યો તેમના માનીતા ધારાસભ્યોના ઘરના આંટાફેરા મારતા હતાં. હવે ચેરમેન પદ કોને મળે છે અને કોને નહીં ?તે સોમવારે જાહેર થઇ જશે. બીજીતરફ ભાજપના અસંતોષ સભ્યો બળવો કરે નહીં તે માટે જિલ્લા ભાજપના કેટલાક આગેવાનોને જવાબદારી સોંપાઇ છે. વિવિધ સમિતીઓમાં મોટાભાગના સભ્યોને આવરી લેવાશે. જ્યારે બાકીના સભ્યોને બીજી ટર્મમાં જવાબદારી સોંપાશે. ગત ટર્મમાં ગેરરિતીના આક્ષેપને લીધે દિગપાલસિંહ ચુડાસમાને ચાલુ ટર્મમાં દંડકની જવાબદારી સોંપાઇ છે. જેથી હવે તેઓને અન્ય કોઇ સમિતીમાં સ્થાન મળી શકશે નહીં.

સોમવારે સામાન્ય સભામાં વરણી થયા બાદ વિવિધ સમિતીઓના ચેરમેનો પોતાની ચેમ્બરોમાં બેસશે. અત્યાર સુધી જિલ્લા પંચાયતમાં અધિકારીઓનું રાજ હતું. અધિકારીઓ પદાધિકારીઓને સાંભળતા નહતાં. હવે સોમવારથી પદાધિકારીઓનું રાજ થશે. જેના લીધે આડેધડ નિર્ણય કરનાર અધિકારીઓ પર લગામ ખેંચાશે. ખાસ કરીને બાંધકામ વિભાગમાં વધુ ગેરરિતીના આક્ષેપ હોવાથી બાંધકામ સમિતીના ચેરમેન કોને બનાવશે ? તેના પર સૌની નજર છે.

અન્ય સમાચારો પણ છે...