વિવાદ:જિલ્લા પંચાયત માં 10 લાખની ગ્રાન્ટ 25 લાખ કરવા ભાજપના સભ્યોનો હોબાળો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ પાર્ટી હાઇકમાન્ડે ખખડાવતાં મુદ્દો પડતો મૂક્યો હતો

અમદાવાદ જિલ્લા પંચાયતમાં ભાજપના સદસ્યોએ પોતાને મળતી વાર્ષિક 10 લાખની ગ્રાન્ટ 25 લાખ કરવા ફરી ઉપાડ લીધો છે. અગાઉ પાર્ટી હાઇકમાન્ડે ખખડાવતા ભાજપના સદસ્યોએ આ મુદ્દો પડતો મુક્યો હતો. આ ઉપરાંત સામાજિક ન્યાય, બાંધકામ અને સિંચાઇ સમિતીની ગ્રાન્ટ ફાળવણીની ફરિયાદ પાર્ટીના અગ્રણીઓ સમક્ષ કરી છે. આંતરિક વિવાદના લીધે ભાજપના સદસ્યોમાં બે ફાંટા પડી ગયા છે. ભાજપના કેટલાક સભ્યોએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે, ગ્રાન્ટના કામોમાં 60 ટકા જ ગ્રાન્ટનો ઉપયોગ થાય છે. બાકીની રકમનો ઉપયોગ થતો નહીં હોવાથી આ અંગે તપાસ કરવા ઉચ્ચઅધિકારીઓ સમક્ષ રજૂઆત પણ કરાઇ છે.

જિલ્લા પંચાયતમાં તત્કાલિન ડીડીઓ અરૂણ મહેશ બાબુના કાર્યકાળમાં નવનિયુક્ત ભાજપના સદસ્યોએ નિયમ મુજબ મળતી વાર્ષિક 10 લાખની ગ્રાન્ટ 30 લાખ કરવા ભારે હોબાળો મચાવ્યો હતો. જેથી ડીડીઓના કહેવાથી જિલ્લા ભાજપના અગ્રણીઓએ રજૂઆત કરતા હાઇકમાન્ડે આ મુદ્દો પડતો મુકવા દબાણ કર્યું હતું. આ પછી ભાજપના સદસ્યોએ માંગ પડતી મુકી હતી. હવે ડીડીઓ અનિલ ધામેલિયાની અધ્યક્ષતામાં મળેલી પ્રથમ સામાન્ય સભામાં ફરી સદસ્યોએ પોતાની ગ્રાન્ટ 10 લાખથી વધારી 25 લાખ કરવા માંગ કરી હતી. ડીડીઓએ કોઇ ખાતરી આપી નથી.

બીજીતરફ સામાજિક ન્યાય, બાંધકામ અને સિંચાઇ સમિતીએ પ્રથમ બેઠકમાં કરેલી ગ્રાન્ટ ફાળ‌વણીથી ભાજપના સદસ્યોને અન્યાય થયો છે. સામાન્ય સભામાં સભ્યોએ ભારે રોષ ઠાળવ્યો છે. સમિતીના ચેરમેન અન્ય સભ્યોએ મોટાભાગની ગ્રાન્ટ પોતાની પાસે રાખી લીધી હોવાનો આક્ષેપ કર્યો હતો. ભાજપના દિગપાલસિંહ ચુડાસમાએ પણ ગ્રાન્ટ ફાળવણી મુદ્દે વિવાદ હોવાની વાત જાહેરમાં કરી છે. ભાજપના નિરીક્ષકો સમક્ષ પણ રોષ ઠાલવ્યો છે. આમ છતાં કોઇ પગલાં નહીં ભરાતા હવે ભાજપ હાઇકમાન્ડ સમક્ષ રજૂઆત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...