હાઇકમાન્ડને રજૂઆત:જિલ્લા પંચાયતના ભાજપના સદસ્યોમાં આંતરિક વિવાદથી સમિતિઓની બેઠક મળતી નથી

અમદવાદાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપ હાઇકમાન્ડ સમક્ષ પણ રજૂઆતો કરવામાં આવી
  • ગ્રાન્ટ ફાળવણીના વિવાદના લીધે ભાજપના કેટલાક ચેરમેનો ઓફિસમાં બેસતા નથી
  • ઉપપ્રમુખ સહિત હોદ્દેદારો પણ ઓફિસમાં આવતા નથી

અમદાવાદ જિલ્લા પંચાયતમાં ભાજપના સદસ્યોમાં આંતરિક વિવાદના પગલે સમિતીઓની બેઠક જ મળતી નથી. ગ્રાન્ટ ફાળવણીના વિવાદના લીધે ભાજપના કેટલાક ચેરમેનો ઓફીસમાં બેસતા નથી. છેલ્લા કેટલાક સમયથી ભાજપના ઉપપ્રમુખ રમેશ મકવાણા સહિતના હોદ્દેદારો જિલ્લા પંચાયતમાં આવતા જ નથી. સોમવાર અને ગુરૂવારે પદાધિકારીઓ હાજર હોવાની આશા સાથે આવતા ગામડાંના અરજદારોને ધરમ ધક્કો પડે છે.

જિલ્લા પંચાયતમાં સત્તાપક્ષ ભાજપના સભ્યોની સંખ્યા પાંખી હોય છે. આંતરિક વિવાદના લીધે સદસ્યોની બેઠક જ મળતી નથી. સમિતીઓની બેઠક માટે સચિવ તારીખ કાઢે તો સભ્યો તારીખ બદલવા દબાણ કરે છે. ભાજપના સદસ્યોના વિવાદને લીધે તમામ સચિવો પણ કંટાળી ગયા છે. જિલ્લા પંચાયતમાં સત્તાપક્ષ ભાજપના 30 સભ્યો છે. જેમાં આઠ ચેરમેનમાંથી બેથી ત્રણ ચેરમેન જ પોતાની ચેમ્બરમાં બેઠા હોય છે. જ્યારે મોટાભાગના ચેરમેન પોતાની ચેમ્બર બંધ રાખી અન્ય કચેરીમાં બેસતા હોય છે.

સિંચાઇ ચેરમેન પોતાની કચેરી બંધ કરીને સાંસદની કચેરીમાં બેસી જાય છે. આ ચેરમેનથી પણ ભાજપના ઘણાં સભ્યો નારાજ છે. જ્યારે આરોગ્ય ચેરમેન ફરતા રહે છે. બાળ અને મહિલા ચેરમેન હાજર જ રહેતા નથી. ઉપપ્રમુખ તો મહિને એક જ વખત આવે છે. જિલ્લા પંચાયત કોંગ્રેસ પ્રમુખ પણ સમયતાંરે આવે છે. જિલ્લા પંચાયતના વહીવટમાં માત્ર ગ્રાન્ટના કામકાજ માટે જ કામગીરી ચાલતી હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

ભાજપના સદસ્યોમાં વિકાસની વાતો ઓછી અને ગ્રાન્ટ ચર્ચા વધુ કરે છે. ભાજપના ઉપપ્રમુખ રમેશ મકાવાણાં અને કારોબારી ચેરમેન વિનોદ પટેલ વિકાસના નામે પ્રત્યેક વિભાગમાંથી ગ્રાન્ટ એકત્રિત કરી રહ્યા છે. આ અંગે ભાજપ હાઇકમાન્ડ સમક્ષ પણ રજૂઆતો થઇ છે. ભાજપના કેટલાક સદસ્યો પોતાની ગ્રાન્ટ વેચી મારતા હોવાનું પણ ધ્યાનમાં આવ્યું છે. ગત ટર્મમાં પણ આજ મુદ્દે ભાજપના સદસ્યોને હાઇકમાન્ડે ખખડાવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...