ચુંટણીલક્ષી માહોલ:ભાજપના સદસ્યો માત્ર ગ્રાન્ટ માટે આવે છે, સમિતિની બેઠક સિવાય કોઇ બેસતું નથી

અમદાવાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપના કેટલાક હોદ્દેદારો ચેરમેનો સામે બળાપો કાઢીને આ રટણ કરે છે

અમદાવાદ જિલ્લા પંચાયત સત્તાપક્ષ ભાજપના વિખવાદની અસર ગ્રામ પંચાયતોની ચુંટણીમાં જોવા મળશે. તેવું ભાજપના જ કેટલાક હોદ્દેદારો જાહેરમાં ચેરમેનો વિરૂધ્ધ બળાપો કાઢીને રટણ કરે છેકે, ભાજપના સદસ્યો માત્ર ગ્રાન્ટ માટે જ જિલ્લા પંચાયત આવે છે. જિલ્લાના ગામડાંમાંથી આવતાં લોકોને કોઇ સદસ્ય જોવા મળતા નથી. અધિકારીઓ જવાબ પૂરતો જવાબ આપતા નથી.

ગ્રામપંચાયતોની ચુંટણીઓ જાહેર થઇ હોવા છતાં અમદાવાદ જિલ્લામાં ચુંટણીલક્ષી માહોલ જોવા મળતો નથી. અમદાવાદ જિલ્લા પંચાયતમાં સત્તાપક્ષ ભાજપની 30 બેઠકો છે અને કોંગ્રેસની 4 બેઠકો છે. જિલ્લા પંચાયતની વિવિધ સમિતીઓના ભાજપના ચેરમેનો સામે ભાજપના જ સભ્યોને નારાજગી છે.

ભાજપના કેટલાક સભ્યોએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે, સમિતીઓના ચેરમેનો અને ભાજપના સદસ્યો વચ્ચે ગ્રાન્ટ વહેંચણી મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. સમિતીઓના ચેરમેનો મોટાભાગની ગ્રાન્ટ વિકાસના નામે પોતાના અને રાજકીય આગેવાનોના વિસ્તારમાં વાપરતા હોવાનો દાવો કરે છે. પરંતુ હકિકતમાં સ્થળ પર પૂરેપૂરી ગ્રાન્ટ વપરાતી નથી. જિલ્લા પંચાયત ભાજપના સભ્યોથી ઘણાં સરપંચો પણ નારાજ છે. સરપંચોની રજૂઆતોને ધ્યાનમાં લેવાતી નથી.

ભાજપના કેટલાક સભ્યો પણ પોતાની ગ્રાન્ટ બારોબાર વેચી દેતા હોવાનો કોંગ્રેસના સભ્યો આક્ષેપ કરે છે. ભાજપના અગ્રણી કાર્યકરોએ આક્ષેપ કર્યો છેકે, ભાજપના પૂર્વ સદસ્યોને તો કોઇ સાંભળતું નથી. જિલ્લાની 30 બેઠકો પર ચુંટાયેલા જિલ્લા પંચાયતના સદસ્યોને પોતાની ગ્રાન્ટમાં જ રસ છે.

ભાજપ હાઇકમાન્ડ સમક્ષ વારંવાર રજૂઆતો છતાં સામાજિક ન્યાય ચેરમેન અને સિંચાઇ ચેરમેનેનો ખુલાસો પણ માંગ્યો નથી. આ બંને ચેરમેનોની ચેમ્બરોમાં પણ કોન્ટ્રાક્ટરો કામો નક્કી કરીને ગ્રાન્ટ ફાળવણી કરતા હોવાનું ભાજપના કેટલાક સભ્યોએ કહ્યું કે, કોન્ટ્રાક્ટરોનો રોલ પ્રથમવાર જોવા મળી રહ્યો છે.

આ કોન્ટ્રાકટરો અધિકારીઓને ગ્રાન્ટ ફાળવણીના આદેશ કરે છે અને ચેરમેનોના નામ કેવી રીતે લખવા તેની લોકોને સલાહ પણ આપીને ચેરમેનોની ખુશામત કરી રહ્યા છે. કોન્ટ્રાક્ટરોની આવી હરકતો સામે ડીડીઓ પણ ચૂપકિદી સેવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...