• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • BJP Leaders Should Not Be Present With Naresh Patel !; Will Aam Aadmi Party And Congress Come Together Like This? No Official Announcement In This Regard

રજની રિપોર્ટર:નરેશ પટેલ સાથે BJPના નેતાઓએે હાજર ના રહેવું!; આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ભેગાં થશે? આ અંગે કોઇ સત્તાવાર જાહેરાત નહીં

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

હજુ નરેશ પટેલ ક્યાં જોડાશે તે જાહેર થયું નથી અને ભાજપના નેતાઓ કહે છે કે તેઓ ભાજપમાં જ જોડાઇ જવાના છે. પરંતુ જો નરેશ પટેલ ભાજપમાં જોડાઈ જવાના હોય તો પાર્ટીના નેતાઓને તેમની આસપાસ જવા કેમ દેવાતા નથી. ભાજપના એક ધારાસભ્ય જણાવે છે કે અમને કહેવાયું છે કે જે જગ્યાએ નરેશ પટેલ આવવાના હોય ત્યાં તમારે ન જવું. હવે જાહેર સામાજિક કાર્યક્રમોમાં તો ના નથી પાડવામાં આવી પણ જ્યાં પાટીદાર સમાજની બેઠકો થતી હોય ત્યાં ખાસ જવું નહીં. આ ધારાસભ્ય કહે છે કે આવું કહેવાયા બાદ મને ડર પેંઠો કે માત્ર મને જ આવો આદેશ છે કે બીજા લોકોને પણ આમ કહેવાયું છે, તે પછી મેં જેટલા લોકોનો સંપર્ક કર્યો અને પૂછ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે આવું બીજાને પણ કહેવાયું છે. હવે અમારી એટલી તો હિંમત નથી કે, અમે પૂછીએ કે કેમ અમારે નરેશ પટેલ હોય ત્યાં ન જવું, પણ આ એક લીટીના આદેશને સમજી લેવાનો છે કે નથી જવાનું એટલે નથી જવાનું, પણ હજું ય હું ઇચ્છું છું કે નરેશ પટેલ ભાજપમાં આવી જાય તો સારું.

ગુજરાતની વિધાનસભા ચૂંટણીનો જંગ આ વખતે ખૂબ રસપ્રદ થવાનો છે. અત્યાર સુધી લડાઇ માત્ર બે પક્ષ વચ્ચેની હતી પરંતુ હવે આ જંગ ત્રિપાંખીયો થવા જઇ રહ્યો છે. આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી એક નવો આયામ ગુજરાતની રાજકારણમાં ઉમેરાયો છે, પરંતુ અંદરખાનેની જાણવા મળેલી બાબત મુજબ ગુજરાતમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે હાથ મિલાવી શકે છે. હજુ આ અંગે કોઇ સત્તાવાર જાહેરાત થઇ નથી, પરંતુ આ બન્ને પક્ષો વચ્ચેના રાજકીય પ્રવાહો જે દિશામાં વહી રહ્યા છે તે જોતાં આ બન્ને પક્ષો એકબીજાના સાથી પક્ષો બની શકે છે. કોંગ્રેસ હાઇ કમાન્ડ આ મુદ્દાને લઇને થોડો અવઢવમાં છે. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર આ મુદ્દે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી વચ્ચે જ એકમત નથી. ભાજપ હાલ ગુજરાતમાં રેકોર્ડ બ્રેક બેઠકો જીતવાના લક્ષ્ય સાથે મથામણ કરી રહી છે, તેવામાં કોંગ્રેસ અને આપનું જો ગઠબંધન થાય તો સમીકરણોમાં બદલાવ આવી શકે છે. જો કે ભાજપના સૂત્રો કહે છે કે અમે તો ઇચ્છીએ છીએ કે કોંગ્રેસ અને આપ ભેગા થઇ જાય, જેનાથી ગુજરાતના મતદારોને ખ્યાલ આવી જશે કે આ બન્ને પક્ષો એક જ છે અને તેમનો મુખ્ય મુદ્દો ભાજપને સત્તાસ્થાનેથી દૂર કરવાનો છે.

ભાજપ કાર્યકરોએ નેતાઓને કહ્યું, નરેશભાઇ બીજે જશે તો અમે પણ તેમની સાથે જ જઇશું
ગુજરાત ભાજપે થોડા દિવસ પહેલાં સક્રિય કાર્યકર્તાઓને સંબોધન કર્યું. જેમાં પાટીલે તેમના કાર્યકર્તાઓને ઠરાવી ઠરાવીને કહ્યું કે ભાજપનો કાર્યકર્તા હંમેશા મુશ્કેલીનો સામનો કરવા તત્પર રહે છે, પણ કાર્યકર્તાઓ તો કંઇક જૂદી જ મુંઝવણમાં છે. સૌરાષ્ટ્રમાં ભાજપના કાર્યકર્તાઓ હવે તેમના સંબંધિત નેતાઓને કઇ રહ્યા છે, કે જુઓ અત્યારે તો અમે તમારી સાથે ભાજપમાં છીએ, પણ કાલે નરેશ પટેલ કાંઇક નવાજૂની કરે અને બીજે જોડાય, તો અમે તેમની સાથે જતા રહીશું. એ પછી તમે અમારી આશા ન રાખશો. આ વાત પરથી ખબર પડી જાય કે ભાજપના મોટા નેતાઓ કેમ એવું કહ્યાં કરે છે કે નરેશ પટેલ ભાજપમાં જોડાઈ જશે. હજુ નરેશ પટેલે પોતાના પાના ખોલ્યા નથી, પણ થોડાં સમયમાં જ તેઓ સત્તાવાર રીતે ખૂલીને મેદાનમાં આવી જશે, પછી ખ્યાલ આવશે કે આ કાર્યકર્તાઓ કઇ બાજુ સક્રિય થાય છે.

જીતુ વાઘાણીના શબ્દો હવે તેમને જ ભારે પડશે
જીતુ વાઘાણીએ જાહેરમાં પ્રવચન કરતાં કહ્યું કે, જેમને ગુજરાતનું શિક્ષણ સારું ન લાગતું હોય તે ગુજરાત બહાર કોઇપણ રાજ્યમાં જતા રહે અને તે પછી તેઓ આ જ બાબતમાં ખુલાસા કરી રહ્યા છે. અધુરામાં પૂરું તેમનું કોણ યુવરાજ જેવા નિવેદનથી યુવાનોમાં જોરદાર રોષ ફાટી નીકળ્યો છે. હવે આ બધી બાબતને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ ખૂબ નારાજ છે તેવું જાણવા મળ્યું છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ યુવાનોનું આંદોલન સક્રિય થઈ જશે તેવી ભીતિ હાલ છે અને યુવરાજને જેલમાં પૂર્યા બાદ તે દેખાઈ પણ રહ્યું છે. આ મુદ્દે હવે ગુજરાત સરકાર બરાબરની ભીંસાઇ છે તેમાં જીતુ વાઘાણી માટે એવું કહેવાઈ રહ્યું છે કે, આગામી સમયમાં વિધાનસભા ચૂંટણી પહેલા તેમના માટે કોઇ વ્યવસ્થા થઈ રહી છે. હવે આ વ્યવસ્થા કયા પ્રકારની છે તે વાતનો ફોડ પાડવામાં ક્યારેય ભાજપના નેતાઓ માનતા નથી. એ લોકો કાંઇક કહે એટલે સામેવાળી વ્યક્તિએ સમજી લેવાનું તેવો તેમનો અભિગમ છે. હવે આ વ્યવસ્થા અંગે જીતુ વાઘાણી પોતે જ વિચારે કે તે શું હશે.

યુવરાજસિંહના માર્ગદર્શક કોણ, ભાજપમાં ચર્ચાનો વિષય
યુવરાજસિંહ આપ સાથે જોડાયા હતા પણ તે આપના બીજા નેતાઓની જેમ પાર્ટીના જાહેર મંચ પર ક્યારેય દેખાયા નથી. એટલું તો ઠીક પણ કેજરીવાલ અને ભગવંત માન ગુજરાતમાં આંટો મારવા આવ્યા ત્યારે પણ યુવરાજ ત્યાં હતો નહીં. હવે ભાજપના લોકોને તાલાવેલી ઊપડી છે કે ગમે તેમ કરીને યુવરાજને આમ આદમી પાર્ટીનો એજન્ટ બનાવી દઇએ એટલે વાત પતે, પણ એવું ય થઇ રહ્યું નથી. કેટલાંક ભાજપના નેતાઓ વિચાર એ વાતનો કરી રહ્યા છે કે આ યુવરાજની પાછળ છે કોણ? જેમ એક સમયે હાર્દિક પટેલના આંદોલન વખતે તેની રાજકીય લિંક અંગેની તપાસ ચાલતી હતી તે જ રીતે યુવરાજ માટે પણ તપાસ ચાલી રહી છે. સમય જતાં હાર્દિકે કોંગ્રેસ જોઇન કરી લીધું પણ આંદોલન સમયે હાર્દિકે ભાજપના ય કેટલાંક મોટા નેતાઓની ે મુલાકાત કરી હતી. હવે ભાજપના જ નેતાઓને પોતાની પાર્ટીના કેટલાંક નેતાઓ પર શંકા છે કે યુવરાજના કિસ્સામાં પણ પાછલા દરવાજે અમારા જ કેટલાંક નેતાઓ તેને દિશાનિર્દેશ કરી રહ્યા છે. હવે ભાજપના નેતાઓને એવો તે શું સ્વાર્થ હોય કે તે પોતાના જ પક્ષની સરકાર માટે પડકારો ઊભાં કરે તેવી વ્યક્તિને સાથ આપે.

આગામી સમયમાં મુખ્ય સચિવ પંકજ કુમારને પણ એક્સટેન્શન મળી શકે છે
હજુ થોડા સમય પહેલાં જ ગુજરાતના પોલિસ વડા આશિષ ભાટિયાને એક્સટેન્શન મળશે તેવી ચર્ચા ચાલી હતી ત્યાં ગયા મંગળવારે મળેલી કેબિનેટ બેઠક બાદની કમિટી ઓફ સેક્રેટરીઝની મીટિંગ પછી ચર્ચા ચાલી છે કે આગામી સમયમાં મુખ્ય સચીવ પંકજ કુમારને પણ એક્સટેન્શન મળી શકે છે. રાજ્ય સરકારના એક સિનિયર અધિકારી કહે છે કે આમ તો ગૃહ સચીવ રાજકુમાર દિલ્હીથી ખાસ મોકલાયા છે જ મુખ્ય સચિવ બનવા માટે, પણ હાલના સંજોગોમાં સરકાર પંકજ કુમારને ત્રણ મહિનાનું એક્સટેન્શન આપી શકે છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી,કોરોના સંક્રમણથી માંડીને અનેક મુદ્દાઓ આ માટે કારણ સ્વરૂપે આગળ ધરવામાં આવશે અને કુમારને એક્સટેન્શન મળી જશે. હાલ પંકજ કુમાર મુખ્યમંત્રીની ખૂબ નજીક હોવાનું જાણકારો કહે છે.

આપને છૂપી મદદ કરતા સરકારી અધિકારીઓ પર ભાજપની નજર
ગુજરાતમાં આમ આદમી પાર્ટી સરકારના શિક્ષણ અને આરોગ્ય સેવાના મોડેલ પર પ્રહારો કરી રહી છે. એટલું જ નહીં ગુજરાત સરકારના ગવર્નન્સને મુદ્દો બનાવીને આમ આદમી પાર્ટી ભાજપને હંફાવવા માગે છે. પણ આ તરફ કમલમમાં આશ્ચર્ય એ વાતનું છે કે, આમ આદમી પાર્ટી ગુજરાત સરકારની જે બાબતોને મુદ્દા બનાવે છે તે તેમને આપે છે કોણ. હવે આ શંકાની સોય સીધી સચિવાલય બાજુ તકાઇ રહી છે. પાર્ટીના કેટલાંક નેતાઓને સંશય જ નહીં, વિશ્વાસ છે કે આ માટે ગુજરાત સરકારના જ કેટલાંક બાબુઓ આમ આદમી પાર્ટીને કોઇ છૂપી રીતે મદદ કરી રહ્યા છે. હવે આ માટે સરકારમાંથી જ એક મિકેનિઝમ બનાવવામાં આવ્યું છે, જે અધિકારીઓ પર બાજનજર રાખીને બેઠું છે.

પૂર્વમંત્રી પર ખનીજ ચોરી મામલે પગલાં લેવાયા, હજુ કડક કાર્યવાહી થશે
ગુજરાત સરકારના ભૂતપૂર્વ મંત્રી સત્તા પર હતા ત્યારે ખનીજોના ઉત્ખનનમાં સારી એવી કમાણી કરી હતી. મંત્રી પદે હોવાથી તેમને કોઇ રોકી શકે તેમ હતું નહીં અને નવા કોન્ટ્રાક્ટ પણ કોઇ જાતના અંતરાય વિના મળતા હતા. પરંતુ હવે તેઓ મંત્રી નથી એટલે થોડા સમય પહેલા જ તેમના કામના સ્થળોએ સરકારી સર્વેયરો પહોંચી ગયા અને તેમની ખનીજ ચોરી પકડાઈ ગઈ છે. આ મામલે આ ભૂતપૂર્વ મંત્રીની સંસ્થા સામે કાયદેસરની કાર્યવાહી પણ થઇ છે અને મોટી માત્રામાં દંડ ફટકારાયો હતો. સૂત્રો કહે છે કે હજુ આ કિસ્સામાં વધુ તપાસ થાય તેવી વકી છે. પોતાની જ્ઞાતિ કે સમર્થકોના જોરે શક્તિશાળી બનેલા આ નેતા આમ તો ઓછાબોલા સ્વભાવના છે, પણ ભાજપના જ સૂત્રો જણાવે છે કે, આ શાંત પાણી ઊંડા બહુ હોય અને તેમની ઊંડાઇ હાલની સરકારે માપી લીધી છે.

અન્ય સમાચારો પણ છે...