કોંગ્રેસનો આક્ષેપ:વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં AMCમાં ભાજપના સત્તાધિશોએ બજેટ રિવ્યુ બેઠક કરી, કરોડોના પ્રોજેક્ટના હજુ ઠેકાણાં નથી

અમદાવાદ2 મહિનો પહેલા
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • ભાજપે પોતાની નિષ્ફળતા છુપાવવા બજેટ રીવ્યુ કમિટીની બેઠક બોલાવીઃ વિપક્ષના નેતા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટના કામોને લઈ આજે ભાજપના શાસકો અને અધિકારીઓ વચ્ચે રિવ્યુ બેઠક છે. રિવ્યુ બેઠકને લઇ વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે આક્ષેપો કરતા જણાવ્યું હતું કે ભાજપ બજેટમાં મોટા મોટા વાયદા કરે છે. વિધાનસભાની ચૂંટણી આવતા ભાજપને રિવ્યુ બેઠક કરવાની ફરજ પડી છે. ચાલુ વર્ષ 2022-23ના બજેટમાં સત્તાધારી ભાજપ દ્વારા ખોટા વાયદાઓ આપેલ તે પૈકી મોટા ભાગના વાયદાઓ પૂર્ણ કરી શકી નથી. શહેરમાં 24 કલાક પાણી, 100 ટકા ડ્રેનેજ, ડસ્ટ ફ્રી સીટી, પીરાણા ડમ્પ સાઇટ દૂર કરવી, ક્લીન સીટી વગેરેના વાયદા કર્યા હતા પરંતુ તે હજી સુધી પુરા કરી શક્યા નથી.

મ્યુનિ. કોર્પોની તિજોરીનું તળિયું દેખાઇ રહ્યું છે
તેમણે આક્ષેપ કર્યા હતા કે ગત વર્ષમાં વુમન હોસ્પીટલ, એનીમલ હોસ્ટેલ, વાઇ ફાઇ સિટી, પીરાણા ડમ્પ સાઇટનો નિકાલ, ચંડોળા તળાવનું ડેવલપમેન્ટ તથા એ.એમ.ટી.એસ.ના વહીવટમાં સુધારો જેવા અનેક ખાલી ભ્રામક વચનો આપી પ્રજાને ભરમાવી હતી. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં દર વર્ષે શાસકપક્ષ બજેટ રજુ કરીને મોટા-મોટા આંકડા મુકે છે પણ ખરેખર તે વાસ્તવિક છે ખરાં ? ખોટા ફુલગુલાબી આંકડાઓનો ખેલ કરવામાં શાસકો પ્રજાને પાછળ મુકી દીધી છે. સાબરમતી રીવર ફુટ ઓવરબ્રિજ તથા સ્પોર્ટસ કોમ્પલેક્ષ પરંતુ તેનું લોકાર્પણ સમયસર નહી થવાના કારણે તેના કારણે આવા આયોજનો ધુળ ખાઇ રહ્યાં છે. પાણીની સમસ્યા વકરી છે મ્યુનિ. કોર્પોની તિજોરીનું તળિયું દેખાઇ રહયું છે. જેને લઇને કોંગ્રેસ પક્ષ દ્વારા શ્વેતપત્રની માંગ પણ કરવામાં આવી હતી.

પ્રેશરથી નિયમિત મળતું નથી જે શરમજનક બાબત છે
આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી હોવાથી સત્તાધારી ભાજપ પોતાની નિષ્ફળતા છુપાવવા બજેટ રીવ્યુ કમિટીની બેઠક બોલાવી છે. જે પ્રજા માટે લોલીપોપ સમાન છે. શાસકો દ્વારા બજેટ રજુ કરવામાં આવે છે તે પૈકીના 30 ટકા રકમ તે ખર્ચ કરી શકાતી નથી.વધુમાં તેમણે આક્ષેપ કર્યા હતા કે શહેરમાં 100 ટકા પાણી અને ડ્રેનેજની સુવિધા આપવાની બાહેંધરી આપી હતી તેમ છતાં હાલ પણ 20 ટકા વિસ્તારમાં પાણીનું નેટવર્ક જ નથી અને શહેરમાં 22 હજારથી વધુ ખાળકૂવા છે જે કડવી વાસ્તવિકતા છે. છેલ્લા 10 વર્ષથી ભાજપના સત્તાધીશો 24 કલાક શુધ્ધ પીવાના પાણીનો પુરવઠો, “નલ સે જલ” શહેરના નગરજનોને આપવાનો સતત રાગ આલાપ્યાં કરે છે તેમ છતાં એક કલાક પણ પીવાનું પાણી પુરતા પ્રેશરથી નિયમિત મળતું નથી જે શરમજનક બાબત છે.

રોડ રિસરફેસના કામમાં કોન્ટ્રાક્ટરો બેખૌફ બની ગયા
અમદાવાદ શહેરમાં મહિલાઓ માટે જાહેર શૈાચાલયની સુવિધા તથા મહિલા સશક્તિકરણ નીતિ અંતર્ગત મહિલાઓ માટે એક પણ પિન્ક ટોઇલેટ બનાવી શક્યા નથી પરંતુ તે બાબતે કોઇ કામગીરી પણ શરૂ કરી નથી. વિદ્યાર્થીઓ માટે સ્માર્ટ ફોનની મોટા ઉપાડે જાહેરાત કરવામાં આવી પરંતુ હજુ સુધી એક પણ વિદ્યાર્થીને ફોન આપી શક્યા નથી. દર વર્ષે કરોડો રૂા. તળાવોના વિકાસ માટે ફાળવાતા હોય છે પરંતુ કાંકરીયા બાદ એક પણ તળાવનો વિકાસ થવા પામેલ નથી જે નગ્ન સત્ય છે. રોડ ધોવાણની અને રોડ તુટી જવાની ફરિયાદો વારંવાર સામે આવે છે. જેની પાછળનું કારણ એ છે કે, રોડ રિસરફેસના કામમાં કોન્ટ્રાક્ટરો બેખૌફ બની ગયા છે. ઊંચા ભાવે ટેન્ડર મેળવ્યા બાદ પણ મજબુત રોડ બનતા નથી બજેટની ફાળવણી માત્ર તેઓના માનીતા કોન્ટ્રાકટરોને લાભ કરાવી ચૂંટણીલક્ષી ધનસંચય કરવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...