સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદ શહેરની આગવી ઓળખ છે પરંતુ આ રિવરફ્રન્ટ પર સુરક્ષાથી લઈ અને તેની જાળવણી મામલે અનેક વખત સવાલો ઊભા થયા છે ત્યારે રિવરફ્રન્ટ પર ગેરકાયદેસર રીતે પાર્કિંગ, દબાણો અને દિવાલ તોડી અને રોડ બનાવવા જેવી ગંભીર ઘટનાઓની ફરિયાદ સામે આવી છે. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં સાબરમતી રિવરફ્રન્ટ ના પૂર્વ પટ્ટા પર ખાનપુર કામ હોટલથી લઈ અને એલિસ બ્રિજ વચ્ચે જે જગ્યા આવેલી છે ત્યાં કોઈ વ્યક્તિ દ્વારા ગેરકાયદેસર રીતે પાર્કિંગ ઊભું કરી દેવામાં આવ્યું હોવા અંગે ફરિયાદ ઉઠી હતી. કોર્પોરેશન અને રિવરફ્રન્ટ ની માલિકીની જગ્યામાં આ રીતે પાર્કિંગ ઊભું કરી દેવામાં આવતા અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું હતું અને ત્યાંથી આવા તત્વોને દૂર કરવા માટે ની સૂચના આપવામાં આવી હતી.
જગ્યા લોકોએ પચાવી પાડી છે
વધુમાં સાબરમતી રિવરફ્રન્ટ પર જમાલપુર બ્રિજ થી આંબેડકર બ્રિજ તરફ જતા સપ્ત ઋષિના આરા પાસે પણ એક જગ્યા પર દિવાલ તોડી અને ત્યાં રોડ બનાવી દેવામાં આવ્યો હોવાની પણ ફરિયાદ કરવામાં આવી હતી. રિવરફ્રન્ટ પર અનેક જગ્યાએ ગેરકાયદેસર રીતે દીવાલો તોડી અને ત્યાં જગ્યા લોકોએ પચાવી પાડી હોવાનું સામે આવ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ પર પેન્થર સિક્યુરિટી નામની કંપની ને દર વર્ષે કરોડો રૂપિયા ચૂકવવામાં આવે છે. કુલ 383 જેટલા સિક્યુરિટી ગાર્ડ સાબરમતી રિવરફ્રન્ટ ઉપર મૂકવામાં આવ્યા છે પરંતુ ક્યાંય પણ ત્યાં સુરક્ષા હોય તેવું લાગતું નથી. સિક્યુરિટી ગાર્ડ દ્વારા રિવરફ્રન્ટની યોગ્ય સુરક્ષા કે ધ્યાન આપવામાં આવતું નથી. જેના કારણે આજે આવા કેટલાક તત્વો દ્વારા રિવરફ્રન્ટ પર કબજો જમાવવી દેવામાં આવી રહ્યો છે.
383 જેટલા સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવ્યા
વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા કોર્પોરેશનની સંસ્થાઓ અને કોર્પોરેશન ઓફિસ ખાતે સિક્યુરિટી માટે વિવિધ સિક્યુરિટી એજન્સી અને બાઉન્સર એજન્સીઓને કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે. મોટા ભાગની એજન્સીઓ સત્તાધારી પક્ષ સાથે સાઠગાંઠ ધરાવતી રાજકીય દબાણ દ્વારા પ્રાઇવેટ સંસ્થાને આવા કામ આપી મ્યુ,કોર્પોને આર્થિક નુકશાન થાય તેવી પેરવી કરવામાં આવે છે. સાબરમતી રિવરફ્રન્ટ ઉપર 383 જેટલા સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવ્યા છે છતાં પણ ચોરી, લૂંટફાટ અને મહિલાઓની છેડતી જેવી ગુનાખોરીમાં સતત વધારો થઈ રહ્યો છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.