ભાજપના નેતાનો શિક્ષણમંત્રીને ઇ-મેલ:શિક્ષકદિન નિમિત્તે કરી રજૂઆત, 2017 બાદ ટેટ-2 પરીક્ષા યોજાઈ જ નથી, હવે આયોજન કરો, લાખો ઉમેદવારો છે રાહમાં

અમદાવાદએક મહિનો પહેલા
શિક્ષણમંંત્રીને રજૂઆત કરનારા હિરેન કોટક.

શિક્ષકોની ભરતી કરતાં પહેલાં લેવાતી ટેટ-2ની પરીક્ષા લેવા માટે ભાજપના જ નેતાએ શિક્ષણમંત્રી વાઘાણીને ઇ-મેલ દ્વારા રજૂઆત કરી છે. BJP સ્ટેટ મીડિયા ટીમના મેમ્બર હિરેન કોટકે આ અંગે ટ્વીટ કર્યું કે આજે શિક્ષક દિવસ નિમિત્તે ટેટ-2 પરીક્ષાનું આયોજન કરવા માટે શિક્ષણમંત્રીને વધુ એક વખત ઇ-મેલ દ્વારા લેખિતમાં રજૂઆત કરી છે.

શિક્ષણમંત્રી વાઘાણીને કરેલા આ ઇ-મેલમાં લખ્યું છે કે 2017 બાદ ટેટ પરીક્ષા યોજાઈ જ ન હોવાથી શિક્ષક બનવાની દિશામાં ઉચ્ચ અભ્યાસ કરવા ટેટની પરીક્ષાની રાહ જોઇ રહેલા ઉમેદવારોમાં આપના હકારાત્મક અભિગમને ધ્યાનમાં લઈ આશાઓ છે, ત્યારે આપ આ અંગે યોગ્ય કરશો એવી ઉમેદવારોને આશા છે. નિયમો અને જોગવાઈ અને વહીવટી સુગમતા ધ્યાનમાં લઈ ઘટતું કરવા વિનમ્ર પ્રાર્થના છે.

શિક્ષણમંત્રીને કરેલો ઇ-મેલ.
શિક્ષણમંત્રીને કરેલો ઇ-મેલ.

પ્રાથમિક સ્કૂલોમાં અંદાજે 18 હજાર જગ્યા ખાલી
રાજ્યની પ્રાથમિક સ્કૂલો ધો.1થી 5ના શિક્ષક માટે પીટીસીની લાયકાત, ધો.6થી 8 માટે બી.એડ. અને માધ્યમિક સ્કૂલો માટે બી.એડ. ઉપરાંત એમ.એ.ની લાયકાત જરૂરી છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતીપ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. હવે પ્રાથમિક સ્કૂલના શિક્ષકની ભરતી હાથ ધરવામાં આવનાર હોવાની ચર્ચા છેલ્લા કેટલાક સમયથી ચાલે છે. પ્રાથમિક શાળાઓમાં અંદાજે 18 હજાર શિક્ષકોની જગ્યા ખાલી હોવાની વિગતો સૂત્રો પાસેથી પ્રાપ્ત થવા પામી છે. ધો. 6થી 8ના શિક્ષક માટેની યોગ્યતા કસોટી છેલ્લે માર્ચ -2017માં લેવાઇ હતી. બી.એડ્.નો અભ્યાસ પૂર્ણ કરી બેઠેલા આ ઉમેદવારોની ટેટ લેવાયા વિના જો શિક્ષકની ભરતી હાથ ધરાય તો આ ઉમેદવારો ભરતી પ્રક્રિયામાં ભાગ લઇ શકશે નહીં. જેના કારણે ઉમેદવારોમાં શિક્ષકની ભરતી પ્રક્રિયા પહેલાં ટેટની પરીક્ષા લેવામાં આવે તેવી માંગ ઊઠી છે.

કયા ધોરણ માટે કઈ પરીક્ષા લેવાય છે
રાજ્યની પ્રાથમિક શાળાઓ મતલબ કે ધો.1થી 5ના શિક્ષકો માટે TET -1, અને ધો.6થી 8ના શિક્ષકો માટે TET -2, ધો. 9થી 12ના શિક્ષકો માટે TAT 1 અને TAT-2ની પરીક્ષા લેવામાં આવે છે, જ્યારે આચાર્યો માટે HMATની પરીક્ષા લેવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...