નમસ્કાર,
આજે બુધવાર છે, તારીખ 11 ઓગસ્ટ, શ્રાવણ સુદ ત્રીજ.
આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) રાજ્ય મંત્રીમંડળની બેઠક મળશે, વરસાદની ઘટને પગલે ઊભી થનારી સ્થિતિ અંગે ચર્ચા કરશે.
2) શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના પ્રાથમિક શિક્ષકોની શિક્ષક સજ્જતા કસોટી લેવામાં આવશે.
હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) મહીસાગર જિલ્લા ભાજપના કારોબારી સભ્ય અને તેમનાં પત્નીની હત્યા પૈસાની લેતીદેતીમાં ખાસ મિત્રએ જ કરી હોવાનો ઘટસ્ફોટ
મહીસાગર જિલ્લા ભાજપના કારોબારી સભ્ય અને તેમની પત્નીના હત્યાકેસમાં ત્રિભોવનદાસ પંચાલના ખાસ મિત્રએ જ હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. રૂપિયાની લેતીદેતીમાં હત્યા થઇ હોવાનું બહાર આવ્યું છે. મહીસાગર પોલીસે આરોપી ભીખાભાઇ પટેલની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વાંચો સમાચાર વિગતવાર
2) શેરી શિક્ષણમાં અભ્યાસ કરવા જઈ રહેલાં ભાઈ-બહેનને કારે અડફેટે લીધાં, બંનેનાં ઘટનાસ્થળે જ મોત, પોરબંદરના દેગામની ઘટના
રાજ્યભરમાં અકસ્માતની ઘટનાઓમાં વધારો થયો છે. હજુ 9 ઓગસ્ટે જ અમરેલીના બાઢડા પાસે ગમખ્વાર અકસ્માતમાં ટ્રકડ્રાઇવરની એક ભૂલને કારણે આઠ લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે વધુ એક ગોઝારી ઘટના પોરબંદર નજીકના દેગામ ગામ પાસે બની હતી, જેમાં દેગામ નજીક ચામુંડા માતાના મંદિર પાસે એક કિશોરી પોતાના પિતરાઈ ભાઈને લઈને શેરી શિક્ષણમાં અભ્યાસ કરવા જઈ રહી હતી ત્યારે ઇનોવા કારે ટક્કર મારી બન્નેના જીવ લીધા હતા.
વાંચો સમાચાર વિગતવાર
3) ગુજરાતની સરકારી શાળાના 1 લાખ વિદ્યાર્થીને દર વર્ષે સ્કૂલ ઓફ એક્સેલન્સમાં વિનામૂલ્યે શ્રેષ્ઠ શિક્ષણ અપાશે
ગુજરાતની સરકારી સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાયુકત શાળાકીય શિક્ષણ આપવાના ઉદ્દેશથી શિક્ષણ વિભાગે મિશન સ્કૂલ ઓફ એકસેલન્સની શરૂઆત કરી છે. આ પ્રોજેકટમાં ખાનગી સંસ્થા કે વ્યકિત સરકારી સ્કૂલોના તેજસ્વી વિદ્યાર્થીઓને કારકિર્દીના ઘડતરમાં મદદરૂપે તમામ પ્રકારની સુવિધા વિનામૂલ્યે પૂરી પાડશે. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે આ પ્રોજેકટ હેઠળ એક લાખ વિદ્યાર્થી તૈયાર કરાશે.
વાંચો સમાચાર વિગતવાર
4) ગુજરાતમાં પાણીની તંગી, ડેમો-જળાશયોમાંથી સિંચાઈ માટે તાત્કાલિક પાણી છોડવા રાજ્ય સરકારનો આદેશ
રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાયો છે. રાજ્યમાં 10 ઓગસ્ટ સુધીમાં સરેરાશ માત્ર 7 એમ.એમ વરસાદ નોંધાયો છે. વરસાદ ન પડવાને કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. પાણી વિના પાક સુકાઈ જવાની ભીતિ છે એવામાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર ડેમ-જળાશયોમાંથી સિંચાઈ માટે પાણી છોડવાનો નિર્ણય કર્યો છે, જેનાથી રાજ્યમાં પાંચ લાખ હેક્ટર જમીનને તેનો લાભ મળશે.
વાંચો સમાચાર વિગતવાર
5) લોકસભામાં OBC અમેન્ડમેન્ટ બિલ પાસ, તરફેણમાં 385 વોટ પડ્યા, વિપક્ષમાં એક પણ મત નહીં
રાજ્યોને OBCની લિસ્ટિંગ કરવાનો અધિકાર આપનાર બિલ લોકસભામાં પાસ થઈ ગયું છે. મંગળવારે આ બિલ પર વોટિંગ કરવામાં આવ્યું, જેમાં બિલની તરફેણમાં 385 વોટ પડ્યા. જ્યારે તેી વિરુદ્ધમાં એકપણ મત ન પડ્યો. સામાજિક ન્યાય અને આધિકારિતમંત્રી ડૉ. વીરેન્દ્ર કુમારે સોમવારે આ બિલ રજૂ કર્યું હતું, જેનું નામ સંવિધાન (127મું સંશોધન) ખરડો-2021 છે. બિલ પાસ થતાં જ લોકસભાની કાર્યવાહી સ્થગિત કરી દેવાઈ હતી.
વાંચો સમાચાર વિગતવાર
6) ગુનાહિત રેકોર્ડ ધરાવતા નેતાઓ પર સુપ્રીમ કોર્ટ કડક, કહ્યું-રાજકીય પક્ષોએ ઉમેદવાર પસંદગીના 48 કલાકમાં જ તેનો ક્રિમિનલ રેકોર્ડ જણાવવો પડશે
રાજકારણમાં અપરાધીઓના હિસ્સાને ઓછો કરવાની દિશામાં સુપ્રીમ કોર્ટે મંગળવારે એક મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું હતું કે તમામ રાજકીય દળોએ પસંદગીના 48 કલાકની અંદર તેમનો ક્રિમિનલ રેકોર્ડ પબ્લિશ કરવો પડશે. સુપ્રીમ કોર્ટના નવા આદેશ મુજબ, તમામ પાર્ટીઓએ પોતાના તમામ ઉમેદવારોની માહિતી પોતાની વેબસાઈટ પર મૂકવાની રહેશે અને બે ન્યૂઝપેપરમાં પણ પ્રસિદ્ધ કરવાની રહેશે. ઉમેદવારોના પસંદગીના 72 કલાકની અંદર આ આદેશના પાલનનો રિપોર્ટ ઈલેક્શન કમિશનને સોંપવો જરૂરી છે.
વાંચો સમાચાર વિગતવાર
7) અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ખૌફ, ભારત સરકારે કહ્યું, ભારતીય નાગરિક જેમ બને તેમ ઝડપથી નીકળે
તાલિબાનની વધતી તાકાતથી અફઘાનિસ્તાનમાં સ્થિતિ બદથી બદતર બની રહી છે. અહીંના ચોથા સૌથી મોટા શહેર મઝાર-એ-શરીફના મોટા ભાગના વિસ્તારમાં તાલિબાનીઓના કબજા બાદ ભારત સરકારે પોતાના નાગરિકોને શહેર છોડવાનું કહ્યું છે. મઝાર-એ-શરીફમાં આવેલી ભારતીય એમ્બેસીએ સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે મંગળવારે સાંજે મઝાર-એ-શરીફથી એક સ્પેશિયલ ફ્લાઈટ દિલ્હી માટે ઉડાન ભરવાની છે. જે પણ ભારતીયો શહેરમાં છે તેઓ ભારત પરત ફરવા આ ફ્લાઈટમાં સવાર થઈ શકે છે.
વાંચો સમાચાર વિગતવાર
8) ઉજ્જવલા 2.0 યોજના લોન્ચ, PM મોદીએ કહ્યું- કનેક્શન માટે હવે એડ્રેસ પ્રૂફ જરૂરી નહીં, સેલ્ફ ડિક્લેરેશન જ પૂરતું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો-કોન્ફરન્સિંગ દ્વારા ઉજ્જવલા 2.0 યોજનાની શરૂઆત કરી છે. યોજનાની શરૂઆત ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લામાં 1 હજાર મહિલાઓને નવા LPG કેન્ક્શન આપીને કરવામાં આવી છે. આ વીડિયો-કોન્ફરન્સિંગમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ઉપ મુખ્યમંત્રી કેશવ મોર્ય અને દિનેશ શર્મા હાજર રહ્યા હતા. આ વખતે આ યોજનામાં સરકાર ફ્રી LPG કનેક્શનની સાથે ભરેલો સિલિન્ડર પણ ફ્રીમાં આપવાની છે.
વાંચો સમાચાર વિગતવાર
મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) ગુજરાતના બાળકો હવે ચાઈનીઝ નહીં દેશી રમકડાં રમશે, રાજ્યમાં 2500 કરોડનો ઈન્ટરનેશનલ ટોય પાર્ક બનશે
2) રાજકોટમાં પરિણીતાના આપઘાતના બે મહિના બાદ કોલ રેકોર્ડિંગમાં ઘટસ્ફોટ, પ્રેમીએ જ 11 કરોડનો ખેલ પાડી દેવાના બોજ હેઠળ ફસાવી હતી
3) અમેરિકા રહેતા ગુજરાતી પટેલે અંબાજી મંદિરને એક કિલો સોનાના બિસ્કિટનું દાન આપ્યું.
4) પાકિસ્તાનમાં સમારકામ કરી ગણેશ મંદિરને પાંચ જ દિવસમાં હિંદુઓને સોંપી દેવાયું, બુધવારે તોડફોડ થઈ હતી
5) શ્રીનગરમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસ ભવનનું ઉદ્ઘાટન કર્યાના બે કલાકમાં જ આતંકી હુમલો, ભવનથી 500 મીટરના અંતરે ગ્રેનેડ ફેંકાયો
આજનો ઈતિહાસ
વર્ષ 1908માં આજના દિવસે ખુદીરામ બોઝને ફાંસી આપવામાં આવી હતી. 18 વર્ષ 8 મહિનાની ઉંમરે ખુદીરામ બોઝ હાથમાં ગીતા લઈ હસતાં-હસતાં ફાંસી પર ચડ્યાં હતા.
અને આજનો સુવિચાર
પ્રભુએ જેનો સ્વીકાર કર્યો છે તે અવંદનીય પણ વંદનીય થઈ જાય છે.
તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું..
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.