મૂંઝવણ:50 સીટ પર ભાજપની ફસામણી, ટિકિટોના ‘રાજસ્થાન મોડલ’થી કોંગ્રેસ ડામાડોળ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • CMના ચહેરાથી ‘આપ’ની મૂંઝવણ

કદાચ આ ગુજરાતની સૌથી અનોખી ચૂંટણી છે. ના કોઈ રંગત દેખાય છે કે ના રાજકીય નિવેદનોનો ઘોંઘાટ સંભળાય છે. પહેલાં તબક્કાના વોટિંગ માટે માંડ 15 દિવસ બચ્યા છે. અત્યાર સુધી શું થયું અને કોણે શું મેળવ્યું કે કોણે શું ગુમાવ્યું? વાંચો પરિસ્થિતિનું વાસ્તવિક વિશ્લેષણ...

ભાજપ ‘આપ’ નહીં પણ આપણાથી જ પરેશાન!
શ રૂઆત ભાજપથી કરીએ. તુલસીદાસની એક ચોપાઈ છે, ‘સમરથ કો નહીં દોષ ગુંસાઈ... ભાજપમાં અત્યારે આવી જ સ્થિતિ છે. ટિકિટ કપાવાથી પેદા થયેલો રોષ હવે ઉત્પાતનું સ્વરૂપ લઈ કમલમના દરવાજે આવીને ઊભો છે. મોટાઓ લાચાર છે. નારાજગી એ હદે વધી છે કે, નારાજ નેતાઓ સી.આર. પાટીલ કે ભૂપેન્દ્ર પટેલની વાત સાંભળવા પણ તૈયાર નથી. દરેક વાતમાં મોદી-શાહે સીધો હસ્તક્ષેપ કરવો પડે છે. પહેલીવાર એવું બન્યું છે કે, કાર્યકરથી માંડી સિનિયર નેતા સુધીના નારાજ દેખાય છે.

કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને શિરપાવ આપવાની નીતિથી ભાજપના પાયાના કાર્યકરોમાં ભારોભાર નારાજગી છે. અગાઉની સરકારના મંત્રીઓ અને ધારાસભ્યો પોતાની જાતને ‘દૂધમાં પડેલી માખી’ જેવા સમજે છે. ઉત્તરથી દક્ષિણ અને કચ્છથી માંડી દાહોદ સુધી નારાજગીના સૂર સંભળાઈ રહ્યા છે. ભાજપને મોરબીકાંડનું નુકસાન સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. નારાજ નેતાઓના જૂથનું વાતચીતમાં કહેવું છે કે, ‘અત્યારે એમને રમી લેવા દો, પછી અમારો વારો છે.’ નુકસાન કેટલું થશે એ તો પરિણામ જ બતાવશે. પરંતુ જે વરતારા મળી રહ્યા છે તે ચોક્કસપણે ચોંકાવનારા છે. સૌરાષ્ટ્રની 13, કચ્છની 3, મધ્ય ગુજરાતની 7, ઉત્તર ગુજરાતની 10 અને દક્ષિણ ગુજરાતની 6 સીટ પર ભાજપની લડાઈ ભાજપ સામે જ છે. ટૂંકમાં 50 સીટ એવી છે જ્યાં ભાજપના પોતાના જ તેનો ખેલ પાડી દેવાની રાહ જોઈને બેઠાં છે.

અમદાવાદમાં ભાજપે 10 ટિકિટ કાપી. પણ તેનો બહુ મોટો ફાયદો દેખાતો નથી. ભાજપ આ સીટો પર જીતશે તો પણ કદાચ માર્જિન ઓછું હશે. ગત ચૂંટણીમાં કોંગ્રેસને 4 સીટ મળી હતી. આ વખતે માત્ર 2 મળી શકે છે. સુરતમાં હર્ષ સંઘવી, પૂર્ણેશ મોદી અત્યારે તો ખુશ થઈ શકે છે. રૂપાણીની રાજકોટ પશ્ચિમ સીટ પર હાલ તો દર્શિતા સુરક્ષિત લાગે છે.

પરંતુ દક્ષિણ ગુજરાતની ચોર્યાસી સીટ પર ઝંખના પટેલની ટિકિટ કાપવાનું ભાજપને મોંઘું પડી શકે છે. ભાજપે સમગ્ર ગુજરાતમાં પટેલોને ભરપૂર ટિકિટો આપી છે, આમ છતાં પટેલોની નવી પેઢી હજુ પણ ભાજપ સાથે ખભેખભો મિલાવી ઊભી હોય તેવું દેખાતું નથી. હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર જેવા ચહેરા ભાજપે મેદાનમાં ઉતાર્યા છે, પરંતુ અંદરખાને ભાજપના જ લોકો આ બંનેને ઘરે બેસાડવાનો પ્લાન બનાવી ચૂક્યા છે. ભાવનગરમાં જીતુ વાઘાણી, વિસનગરમાં ઋષિકેશ પટેલની મુશ્કેલીઓ વધી શકે છે. જામનગરમાં રિવાબા સુરક્ષિત લાગે છે, પરંતુ મોરબીમાં અમૃતિયા સામે મેરજા જૂથ સક્રિય છે.
કોંગ્રેસ માટે ભાજપ અને ‘આપ’ની નિષ્ફળતા એકમાત્ર આધાર જણાય છે
હ વે વાત કરીએ કોંગ્રેસની. કોંગ્રેસ પાસે ગુમાવવા જેવું કશું છે જ નહીં, પણ મેળવવા માટે આખો દરિયો છે. ચૂંટણી ગુજરાતમાં છે પરંતુ ટિકિટોની વહેંચણીમાં રઘુ શર્મા અને ગેહલોતની જોડીની રાજસ્થાન છાપ સ્પષ્ટ દેખાય છે. અમદાવાદમાં કોંગ્રેસ ખાડિયા સીટ પર ડગુમગુ થઈ રહી છે. દરિયાપુરમાં જીતી શકે છે. પણ ઘાટલોડિયા, એલિસબ્રિજ, મણિનગર જેવી સીટો પર તો કોંગ્રેસ જીતવાનું સપનું પણ જોઈ શકે તેમ નથી. અલબત્ત વટવામાં કોંગ્રેસ થોડું જોર કરતી દેખાઈ રહી છે.

છોટા ઉદેપુર સીટ પર કોંગ્રેસ સામે પહેલીવાર પડકાર ઊભો થયો હોય એમ લાગે છે. અત્યાર સુધી આદિવાસી બેલ્ટ કોંગ્રેસનો ગઢ ગણાતો હતો, પરંતુ આ વખતે ભાજપ અને ‘આપ’એ ભાગ પડાવ્યો છે. કોંગ્રેસ સૌરાષ્ટ્રમાં 8-10 સીટ પર જ્યારે ઉત્તર ગુજરાતમાં 5-6 સીટ પર મજબૂત દેખાઈ રહી છે. દક્ષિણ ગુજરાતમાં તેને બહુ આશા નથી. કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો પણ મહિલાઓ અને યુવાપેઢીને આકર્ષી શક્યો નથી. કોંગ્રેસ માટે એક જ ફેક્ટર કામ કરી શકે છે અને તે છે ભાજપ સામે નારાજગી અને ‘આપ’ પર અવિશ્વાસ.
...ચાર ડગલાં આગળ ભર્યા પછી ‘આપ’ બે ડગલાં પાછળ ખસી રહ્યો છે
હ વે ત્રીજા પક્ષ આમ આદમી પાર્ટીની વાત કરીએ. આ ચૂંટણીમાં કોઈ ચોંકાવશે તો તે ચોક્કસપણે ‘આમ આદમી પાર્ટી’ છે. પછી તે જીતીને ચોંકાવે કે હારીને ચોંકાવે તે જુદી વાત છે. ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલાં ‘આપ’ને 25થી 30 સીટ મળશે એવું લાગી રહ્યું હતું. પરંતુ આજની તારીખમાં તે 10થી 15 સીટ પર કાઠું કાઢી શકશે. તેમ લાગે છે. સુરતમાં વરાછા, કતારગામ અને કામરેજમાં આપ કોંગ્રેસની વોટ બેન્ક તોડી રહી હોય એમ લાગે છે. જ્યારે સૌરાષ્ટ્રમાં તે ભાજપની નક્કર વોટબેન્ક ભેદી રહી છે.

ઈસુદાન ગઢવીને મુખ્યમંત્રીનો ચહેરો બનાવી ‘આપ’એ સૌરાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં ખળભળાટ મચાવ્યો છે પરંતુ પાટીદારોના મહિલા અને વૃદ્ધ વોટર્સને ગુમાવ્યા છે. જામખંભાળિયામાં વિક્રમ માડમ સામે ઈસુદાન માટે કપરા ચઢાણ છે. બેની લડાઈમાં અહીં કદાચ ભાજપ ફાવી જાય. મુખ્યમંત્રીનો ચહેરો નક્કી કરતાં કેજરીવાલના સરવેને લોકો દેખાડો કહે છે. મોટાભાગના લોકોનું માનવું છે કે, સરવે પ્લાન્ટેડ હતો, ઈસુદાનનું નામતો પહેલેથી નક્કી હતું. આ તથ્ય ‘આપ’ના અગ્રણી નેતાઓ પણ સ્વીકારે છે.

ગોપાલ ઈટાલિયાને કાબૂમાં રાખવા અને રાજ્યમાં પક્ષનું સંતુલન જાળવવા ઈસુદાનનું નામ આગળ કરાયું છે. કેજરીવાલે દાવો કર્યો હતો કે, સરવેમાં ગોપાલ ઈટાલિયાને 27 ટકા મત મળ્યા હતા. પરંતુ કતારગામમાં આજે ઈટાલિયા મંત્રી વિનુ મોરડિયા સામે મોટો પડકાર ઊભી કરી રહ્યા છે. જે પટેલ વોટર્સ ‘આપ’ની તરફેણમાં દેખાઈ રહ્યા હતા તે હવે સરકી રહ્યા છે. જો કે, મફતની રેવડીનો કેજરીવાલનો દાવ સૌરાષ્ટ્રની 5, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠાની 3-4 સીટ અને મધ્ય ગુજરાતની 3-4 સીટ પર કારગત પુરવાર થઈ રહ્યો છે.

હવે પછીના 15 દિવસ નિર્ણાયક હશે. ત્રણેય પક્ષ પાસે સ્ટાર પ્રચારકોની ફોજ છે. જોવાનું એ છે કે, મતદારોને કોણ કેટલું આકર્ષી શકે છે. જે પક્ષ લોકોના દિલમાં ઉતરવામાં સફળ થશે તેની સીટો વધશે તે નક્કી છે. વોટિંગ પહેલાં વધુ અેક એનાલિસિસમાં તમને વાસ્તવિક સ્થિતિથી અવગત કરાવીશું. ત્યાં સુધી... ચૂંટણીની મજા માણો.

અન્ય સમાચારો પણ છે...