'આપ'નો આક્ષેપ:'ભાજપ દરેક ચૂંટણીમાં રૉ-રૉ ફેરી અને સી-પ્લેનનું ઉદ્ઘાટન કરે છે, પરંતુ જનતા આ સુવિધાનો લાભ લઈ શકતી નથી'

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
આપની પ્રેસ કોન્ફરન્સની તસવીર - Divya Bhaskar
આપની પ્રેસ કોન્ફરન્સની તસવીર
  • સરકારે ખેડૂતોની આવક બમણી કરવાનું વચન આપ્યું, પરંતુ આજે આવક કરતાં ખર્ચ વધી ગયો: ઇસુદાન ગઢવી
  • ઉટેલિયા સ્ટેટના રાજવી યુવરાજ સિંહ તથા કોંગ્રેસના લતાબેન ભાટિયા AAPમાં જોડાયા

રાજ્યમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. તેવામાં ચૂંટણી પૂર્વે વિવિધ રાજકીય પક્ષો એક-બીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ આજે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધી ભાજપ પર સી પ્લેન, નલ સે જળ સહિતની કેટલીક યોજનાઓ પર આક્ષેપો મૂક્યા હતા.

આપ નેતા ઇસુદાન ગઢવીએ કહ્યું કે, ભાજપના લોકો દરેક ચૂંટણીમાં નવી નવી યોજનાઓ લાવે છે, અને હવે હું ભાજપના પ્રદેશ અને ભાજપના દિલ્હીના નેતાઓને મીડિયા દ્વારા કહેવા માંગુ છું કે તમે લોકો તમારી ડબલ અને ટ્રિપલ યોજના બંધ કરો. સાડા ​​ચાર વર્ષથી કોઈ કામ થતું નથી અને ચૂંટણીને 6 મહિના બાકી છે ત્યારે મુહૂર્ત કરીને જૂની યોજનાઓ લોકો સામે લાવવામાં આવે છે.

તેમણે કહ્યું, 9 જૂને ફરી એકવાર ‘નલ સે જલ’ યોજના શરૂ કરવામાં આવી, જ્યારે આ યોજના 2018માં જ શરૂ કરવામાં આવી હતી. દરેક ચૂંટણીમાં આ લોકો રૉ-રૉ ફેરી શરૂ કરે છે અને તે અટકી જાય છે. આ સિવાય દરેક ચૂંટણીમાં રિવરફ્રન્ટ પર સી પ્લેનની ચર્ચા થાય છે. ફરીથી પ્લેનનું ઉદ્ઘાટન થાય છે, નરેન્દ્ર મોદીજી તેમાં મુસાફરી કરે છે પરંતુ પછી તે સી પ્લેન ગાયબ થઈ જાય છે. આજે લોકો શોધી રહ્યા છે કે સી પ્લેન ક્યાં છે પરંતુ કોઈને કંઈ ખબર નથી.

જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે ભાજપના લોકોને મેટ્રો યાદ આવે છે. 2012માં પણ તેમને મેટ્રો યાદ આવી, 2017માં પણ તેમને મેટ્રો યાદ આવી, 2022માં પણ ભાજપના લોકોને મેટ્રો યાદ આવી પણ મેટ્રો હજુ ચાલુ નથી થઈ. વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ કે મેટ્રોનું બસ કામ ચાલી રહ્યું છે. 500-1000 કરોડનો ભ્રષ્ટાચાર થયો, તેની યોગ્ય તપાસ પણ નથી થઈ અને એક અધિકારી સિવાય કોઈની સામે મોટી કાર્યવાહી થઈ નથી. મારે પૂછવું છે કે શું આમાં ભાજપના કોઈ નેતા સામેલ હતા? આ સિવાય બુલેટ ટ્રેનનું સપનું પણ લોકોને લાંબા સમયથી દેખાડવામાં આવી રહ્યું છે, પરંતુ બુલેટ ટ્રેનનો કોઈ પતો નથી.

2017માં બીજેપી સરકારે કહ્યું હતું કે, અમે ખેડૂતો માટે એવી સ્કીમ લાવીશું, જે 2022 સુધીમાં આવક બમણી કરશે. ગુજરાતના ખેડૂતો પૂછી રહ્યા છે કે જૂન મહિનો પૂરો થવા આવ્યો છે, ને ધીમે-ધીમે 2022 પણ પૂરું થઇ જશે, તો આવક ક્યારે બમણી થશે. આજે આવક ડબલ થવાને બદલે ખર્ચ વધી ગયો છે. ગુજરાતમાં બુટલેગર પણ બેકાબૂ બની ગયા છે. યુરિયા ખાતરનું કાળા બજારમાં વેચાણ થઈ રહ્યું છે.

ધોળકાના ઉટેલિયા સ્ટેટના યુવરાજ સિંહ વાઘેલા તથા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહિલા વિભાગના મંત્રી લતાબેન ભાટિયા આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા. ઉપરાંત શિક્ષણ વિદ અને લોહાણા મહાજન સેવા સમાજના અગ્રણી અને ભુતપૂર્વ પ્રમુખ હિમાંશુ ઠક્કર આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તમામનું ગોપાલ ઈટાલીયા અને ઇસુદાન ગઢવી ખેસ અને ટોપી પહેરાવી આમ આદમી પાર્ટીમાં સ્વાગત કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...