તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

DB એક્સક્લૂઝિવ:ભાજપના હાઇકમાન્ડે નારાજ મંત્રીઓને મનાવવા માટેની જવાબદારી વિજય રૂપાણીને જ સોંપી, બેઠકોનો દોર શરૂ

અમદાવાદ2 દિવસ પહેલા
  • ગુજરાતમાં નવી સરકારની રચના પહેલાંના ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
  • રૂપાણી વજુભાઈના શિષ્ય છે, પાર્ટીનો આદેશ આંખ-માથે જ ચઢાવે છે
  • પરિસ્થિતિને ઠારવા પૂર્વ મુખ્યમંત્રીને જ ડેમેજ કંટ્રોલર બનાવી દીધા

ગુજરાતમાં નવા મંત્રીમંડળની રચનાને લઈને ભાજપમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે, એ સંજોગોમાં નારાજ મંત્રીઓને મનાવવાની જવાબદારી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપવામાં આવી છે. રૂપાણીના બંગલે નારાજ મંત્રીઓની રજૂઆતો સાંભળવામાં આવી રહી છે. આમ, ભાજપે રૂપાણીને જ ડેમેજ કંટ્રોલની કામગીરી સોંપી ઘીના ઠામમાં ઘી કરવાની વ્યૂહરચના ગોઠવી છે.

રૂપાણીનું નિવાસસ્થાન બન્યું નારાજ મંત્રીની રજૂઆતનું સરનામું
ગુજરાતમાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની રચનાની ગતિવિધિઓ શરૂ થઈ હતી, જેમાં પણ એકપણ પૂર્વ મંત્રીને રિપીટ નહીં કરવાની ફોર્મ્યુલા મુજબ કામગીરી ચાલી રહી હતી. એ સમયે જ કેટલાક સિનિયર મંત્રીઓ, જેમનું અલગ-અલગ જ્ઞાતિઓ પર પણ પ્રભુત્વ છે, એવા મંત્રીઓ પોતાની નારાજગી ભાજપ અલગ-અલગ નેતાઓ સુધી રજૂઆત કરવા દોડધામ કરી રહ્યા હતા. આ સંજોગોમાં અલગ-અલગ નેતાઓને બદલે ભાજપના હાઇકમાન્ડે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ કામ સોંપી દીધું છે, જેથી નારાજ મંત્રીની રજૂઆતનું સરનામું રૂપાણીનું નિવાસસ્થાન રાખવામાં આવ્યું છે.

નીતિન પટેલ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની ફાઈલ તસવીર.
નીતિન પટેલ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની ફાઈલ તસવીર.

નારાજ મંત્રીઓને મનાવવા ભાજપનો ખેલ
આજે દિવસ દરમિયાન નારાજ મંત્રીઓ અલગ-અલગ અને પછી એક જૂથમાં રૂપાણીને મળીને રજૂઆત કરી હતી, જેને રૂપાણીએ આગળ ફોરવર્ડ પણ કરી, સાથે સાથે સમજાવવાની કોશિશ પણ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. ખાસ કરીને રૂપાણીને હાલ તેમના જ મંત્રીઓને મનાવવાની કામગીરી સોંપી ભાજપે પણ એક નવો દાવ ખેલ્યો હોવાનું જાણવા મળ્યું છે.

ભૂપેન્દ્ર પટેલ, ગુજરાતના નવા મુખ્યમંત્રી.
ભૂપેન્દ્ર પટેલ, ગુજરાતના નવા મુખ્યમંત્રી.

મંત્રીઓની નારાજગીના સૂર હાઈકમાન્ડ સુધી પહોંચ્યા
ગઈકાલે મધરાતથી મંત્રીમંડળની રચના અંગે ચાલી રહેલી અટકળો બાદ આજે સવારથી નવા મંત્રીઓની રચના અંગે પ્રમુખ સીઆર પાટીલના બંગલે બેઠકોનો દોર શરૂ થઈ ગયો હતો. તો બીજી બાજુ નારાજ મંત્રીઓ અને સિનિયર ધારાસભ્યો પણ પક્ષના ઉચ્ચ આગેવાનો અને છેક દિલ્હી સુધી રજૂઆતો કરી રહ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના બંગલે પણ સિનિયર મંત્રીઓએ ભેગા થઈ નારાજગીનું સૂર હાઈકમાન્ડ સુધી પહોંચાડ્યો હોવાનું જાણવા મળ્યું છે.

રુપાણીએ હંમેશાં કહ્યું છે, 'પાર્ટી જેમ કહેશે એ જ કરીશ'
જોકે ભાજપ મોવડીમંડળે બહુ સમજી-વિચારીને રૂપાણીને જ નારાજ મંત્રીઓને સમજાવવાની જવાબદારી સોંપી હોવાનું મનાય છે. આમેય રૂપાણી અત્યારે ગુજરાત ભાજપના સૌથી સિનિયર નેતા ગણાતા વજુભાઈ વાળાના શિષ્ય છે. આ કારણથી તેઓ કદી પણ પાર્ટીની વિચારધારા વિરુદ્ધ કોઈ કામ નહીં કરે એવું તેમના નિકટનાં સૂત્રોએ વિશ્વાસપૂર્વક જણાવ્યું છે. એવું પણ મનાય છે કે કેટલાક નારાજ મંત્રીઓને રૂપાણી ત્યાં સુધી કહી ચૂક્યા છે કે મારા માટે પાર્ટી જ સર્વોચ્ચ છે અને પાર્ટી જ્યારે અને જે પણ કામ સોંપશે એ જ નિષ્ઠાપૂર્વક કરશે.

ભાજપમાં ફરી એકવાર જૂથવાદ શરૂ થયો
ગુજરાતમાં એકાએક મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજીનામું લઈ લેવામાં આવ્યા બાદ ભારે હડકંપ મચી ગયો હતો. એમાં પણ નાયબ મુખ્યમંત્રી સહિતના સિનિયર પાટીદાર ધારાસભ્યો અને મંત્રીઓને પડતા મૂકીને પહેલી ટર્મમાં જ ચૂંટાયેલા ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવી દેવાતાં પક્ષમાં કચવાટ શરૂ થઈ ગયો હતો. ખાસ કરીને નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, સૌરભ પટેલ, પ્રદીપસિંહ જાડેજા, કૌશિક પટેલ તેમજ ગણપત વસાવા જેવા સિનિયર મંત્રીઓને રાતોરાત ઘરભેગા કરવાની અટકળો શરૂ થતાં ભાજપમાં ફરી એકવાર જૂથવાદની સાથે આંતરિક મતભેદો સપાટી પર આવી જતાં મંત્રીઓની શપથવિધિ મોકૂફ રાખવી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...