ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી (AAP) જોરશોરથી પોતાનું કદ વધારવા તરફ આગળ વધારી રહી છે, એની સાથે રાજકીય યુદ્ધ પણ શરૂ થઈ ચૂક્યું છે. હવે આ જંગ લોહિયાળ બનવા લાગ્યો છે. સુરતમાં મંગળવારે રાત્રે AAP દ્વારા યોજવામાં આવેલા ગણેશોત્સવમાં ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી, જેમાં AAPના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાનું માથું ફૂટતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ હુમલા અંગે AAPના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ભાજપ દ્વારા મનોજ સોરઠિયાની હત્યાનો પ્લાન કરવામાં આવ્યો હતો. અમારા પ્રદેશ ગોપાલ ઇટાલિયા અને મારા સહિતના નેતાઓની પણ હત્યા કરાવવાનો પ્લાન હોઈ શકે છે.
મનોજ સોરઠિયા પરના હુમલાને અરવિંદ કેજરીવાલે વખોડ્યો
આ હુમલાને લઈ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું છે કે આ રીતે વિપક્ષ પર હુમલો કરવો યોગ્ય નથી. ચૂંટણીમાં હાર-જીત તો થયા કરે છે, પરંતુ વિપક્ષને હિંસાથી કચડવો, આ ગુજરાતની સંસ્કૃતિ વિરુદ્ધ છે અને જનતા એને પસંદ કરતી નથી. હું ગુજરાતના મુખ્યમંત્રીને અપીલ કરું છું કે દોષિતોને કડકમાં કડક સજા અપાવે અને સૌની રક્ષા કરે.
‘ભાજપના ગુંડાઓએ હુમલો કર્યો’
ઇસુદાન ગઢવીએ વધુમાં આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે સુરતમાં પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા આપ કા રાજા નામના અમારા પંડાલ પર ગયા ત્યારે ભાજપના ગુંડાઓએ હુમલો કર્યો. મનોજભાઈ સમજે એ પહેલાં જ માથામાં પાઇપ મારી છે. અત્યારસુધીમાં ભાજપના ગુંડાઓએ 8 નેતા પર હુમલા કર્યા છે. ભાજપ લુખ્ખા, લફંગા અને ગુંડાઓની પાર્ટી છે. ભાજપનો બે-ચાર હત્યા કરાવવાનો પ્લાન છે.
‘ગૃહમંત્રી હર્ષ સંઘવી કાયદો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ’
ગૃહમંત્રી હર્ષ સંઘવી કાયદો વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગયા છે. ગૃહમંત્રી અને મુખ્યમંત્રી રાજીનામું આપે. ગુજરાતની સંસ્કૃતિને ક્યાં પહોંચાડી છે. ભાજપની આ હિન્દુવિરોધી નીતિ છે. ચૂંટણી લોહિયાળ બને તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ડીજીપી અને સુરત પોલીસ કમિશનર પણ નિષ્ફળ ગયા છે. તમારે પણ તપાસ કરવી જોઈએ, નહીં તો રાજીનામું આપી દેવું જોઈએ. મનોજ સોરઠિયા પર નહિ, પણ ગુજરાતની જનતા અને શાંતિ પર હુમલો કર્યો છે.
‘નરેન્દ્ર મોદી પણ ટ્વીટ કરે કે ગુજરાતમાં કાયદો વ્યવસ્થા કથળી છે’
ભાજપની નીતિને વખોડવા અપીલ કરીએ છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરીએ છીએ કે તેઓ પણ ટ્વીટ કરે કે ગુજરાતમાં કાયદો વ્યવસ્થા કથળી ગઈ છે. AAPથી ભાજપ ડરી ગયો છે. અમારા પર 7 વખત હુમલા થયા છે તેના ફોટો સહિતના પુરાવા આપ્યા છે છતાં પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી. પોલીસ હવે પપેટ બની ગઈ છે. કાયદો વ્યવસ્થા કથળી ગઈ છે. ગુજરાતમાં રાષ્ટ્રપતિશાસન લગાવવામાં આવે એવી અમારી માગ છે અને બહારના રાજ્યની પોલીસને ચૂંટણીમાં બંદોબસ્તમાં બોલાવવામાં આવે એવી માગ છે.
આપના રાજ્યસભા સાંસદ સુરત પહોંચ્યા
આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા ઉપર થયેલા હુમલાબાદ હવે આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ ઉપર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે. મનોજ સોરઠીયાને માથાના ભાગે ઇજા થતાં તેઓ હાલ મેમર હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે. આપના કેન્દ્રીય નેતા સુરત તેમની મુલાકાત લેવા માટે પહોંચ્યા છે. આમ આદમી પાર્ટી રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા અને સંદીપ પાઠક સુરત એરપોર્ટથી સીધા સ્મિમેર હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે મનોજ સોરઠીયાના ખબર અંતર પૂછ્યા હતા.
આપની વધતી લોકપ્રિયતાથી ડર
રાઘવ ચઢ્ઢાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી એ ગુંડાઓને આગળ કરી રહી છે. આપની ગુજરાતમાં વધતી લોકપ્રિયતાથી ભાજપ ડરી ગઈ છે અને તેના કારણે અમારા નેતાઓ ઉપર હુમલા કરીને ડરાવવા ધમકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આગામી ચૂંટણી આપ અને ભાજપ વચ્ચે થનાર છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી પોતાના ગુંડાનો ઉપયોગ કરી રહી છે.
ગુજરાતની ધરતી ઉપર વિજય અહિંસાનો થશે
રાઘવ ચઢ્ઢાએ વધુમાં જણાવ્યું હતું કે ભાજપના નેતાઓ જે રીતે આમ આદમી પાર્ટી ઉપર હુમલો કરી રહ્યા છે તેના પરથી એક વાત તો સ્પષ્ટ છે કે તેઓ આમ આદમી પાર્ટીને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમે ગાંધીની વિચારધારામાં મારનારા લોકો છે. અમે સ્પષ્ટ માનીએ છીએ કે ગુજરાતની ભૂમિ ઉપર અહિંસાનો અને સત્યનો વિજય થશે. આ હિંસા કરનારી પાર્ટીને આગામી વિધાનસભામાં હાર મળવાનું નિશ્ચિત છે. કોંગ્રેસ ક્યાંય લડાઈમાં નથી કારણ કે તમે જોઈ શકો છો તે રીતે અત્યાર સુધી ભાજપના કોઈ ગુંડા દ્વારા કોંગ્રેસના નેતા ઉપર હુમલો કરવામાં આવ્યો નથી. જે સ્પષ્ટ કહે છે કે લડાઈ માત્ર આપ અને ભાજપ વચ્ચે છે.
ગત રાત્રે બામ્બુ અને લોખંડની પાઇપથી હુમલો કર્યો
આમ આદમી પાર્ટી દ્વારા સુરતની સીમાડા ચોકડી ખાતે દર વર્ષે ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે. એ મુજબ આ વખતે પણ મંડપનું આયોજન થઈ રહ્યું હતું, જેને જોવા માટે પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા પહોંચ્યા હતાં. આ દરમિયાન જ કેટલીક વ્યક્તિઓ દ્વારા એકાએક મંડપ પાસે પડેલા બામ્બુ અને લોખંડની પાઇપ વડે હુમલો કરવાનું શરૂ કર્યું હતું, જેમાં મનોજ સોરઠિયાનું માથું ફૂટી ગયું હતું.
ગણપતિની શુભેચ્છા આપતાં બેનરો આપે ફાડ્યા: કુમાર કાનાણી
વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી જણાવ્યું હતું કે અમારે સીમાડા નાકા પર ગણપતિ ઉત્સવના શુભેચ્છાનાં બેનર લગાડવામાં આવ્યાં હતાં, ત્યાં જ અન્ય કોંગ્રેસ પાર્ટીના પણ બેનર લગાડવામાં આવ્યાં છે, એ પણ એસએમસીની ગ્રિલ ઉપર લગાડવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ત્યાં આવીને એકાએક જ અમારા શુભેચ્છાનાં બેનરો ફાડવાના શરૂ કરી દીધું હતું અને હુમલો કરી દીધો હતો. મંડપ પાસે જે પાઇપ પડેલી હતી એનાથી જ અમારા કાર્યકર્તા પર પણ હુમલો કરી દીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.