શાયર રાવલ
2022ની વિધાનસભા ચૂંટણી ખરેખર રસપ્રદ રહી હતી અને તેમા અમદાવાદની ચાર બેઠક પૈકી બે બેઠક પર ભાજપે ચોંકવનારી લીડથી જીત હાંસલ કરી છે. આ સાથે ભાજપે શહેરની 16માંથી 14 બેઠક પર સત્તા મેળવી છે. 2017માં કોંગ્રેસે દરિયાપુર, બાપુનગર, જમાલપુર-ખાડિયા અને દાણીલીમડા બેઠક પર જીત મેળવી હતી, પણ આ ચૂંટણીમાં ભાજપે ચારમાંથી બે બેઠક પર ભગવો લહેરાવી દીધો છે. ગઈ ચૂંટણીમાં કોંગ્રેસે બાપુનગર અને દરિયાપુર બેઠક ખૂબ ઓછા માર્જિનથી હાંસલ કરી હતી.
આ બંને બેઠક પર મુસ્લિમ અને દલિત સમાજ નિર્ણાયક ગણાય છે. અત્યાર સુધી આ બંને સમૂહના મતો કોંગ્રેસને મળતા આવ્યા છે, પરંતુ આ વખતે તેમણે ભાજપ તરફી મતદાન કર્યું હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. દરિયાપુરમાં 10 વર્ષથી કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખ જીત્યા હતા જ્યારે એક ટર્મથી બાપુનગરમાં હિંમતસિંહ પટેલે જીત મેળવી હતી. આ બંને ઉમેદવારો સામે ભાજપે બાપુનગરમાં ચાલુ કોર્પોરેટર અને સમાજસેવક દિનેશ કુશવાહને ઉમેદવાર બનાવ્યા હતા જ્યારે દરિયાપુર બેઠક પર પૂર્વ કોર્પોરેટર કૌશિક જૈનને ટિકિટ મળી હતી.
2017માં કોંગ્રેસ 12017ના મતની લીડથી જીતી હતી જે ભાજપે 5242ની નજીવી સરસાઈથી આંચકી
4 બેઠક પર 30 હજારથી ઓછી સરસાઈ
વિધાનસભા | મળેલા મત | લીડ | ટકા |
ઘાટલોડિયા | 2,13,530 | 1,92,263 | 82.95 |
વેજલપુર | 1,28,049 | 59,651 | 56.18 |
વટવા | 1,51,710 | 1,00,046 | 64.09 |
એલિસબ્રિજ | 1,19,323 | 1,04,796 | 80.39 |
નારણપુર | 1,08,160 | 92,800 | 77.48 |
નિકોલ | 93,714 | 55,198 | 61.73 |
નરોડા | 1,12,767 | 83,513 | 71.49 |
ઠક્કરબાપાનગર | 89,409 | 63,799 | 65.66 |
બાપુનગર | 59,465 | 12,070 | 48.85 |
અમરાઈવાડી | 93,994 | 43,272 | 58.78 |
દરિયાપુર | 61,490 | 5,484 | 49.03 |
જમાલપુર-ખાડિયા | 58,487 | 13,658 | 35.15 |
મણિનગર | 1,13,083 | 90,728 | 73.28 |
દાણીલીમડા | 69,130 | 13,487 | 35.52 |
સાબરમતી | 1,20,202 | 98,684 | 76.75 |
અસારવા | 80,155 | 54,173 | 64.13 |
બાપુનગરમાં હિન્દુઓના એક તરફી વોટથી ભાજપ જીત્યું
બાપુનગર વિધાનસભાના સરસપુર-રખિયાલ અને બાપુનગર વોર્ડ વિસ્તારમાં કુલ 205 પોલિંગ બૂથ હતા જેમાં ખાસ કરીને લક્ષ્મી શંકર ચોલ, વાણિયા વાડ, ગાંધી પોળ, પતરાવાળી ચાલના છાપરા, મહાવીર જૈન સોસાયટી, પ્રાર્થના બંગલો, ટીમ્બાવાળો વાસ, મોહનનગર 1-2-3, ધાર્મિક ફ્લેટ, કામદાર સ્ટાફ ક્વાટર્સ, તપોવન સોસાયટીના લોકોએ ભાજપના ઉમેદવાર માટે મહત્તમ મતદાન કર્યું હોવાથી આ વિસ્તારથી ઘણી લીડ પ્રાપ્ત થઈ હતી જ્યારે કોંગ્રેસના ઉમેદવારને આ વિસ્તારમાં 10થી 15 ટકા મત મળ્યા હતા. સમાજવાદી પાર્ટીના મુસ્લિમ ઉમેદવારને શરીફ રંગવાલી ચાલી, મેદાવાલી ચાલી, ઘાંચીની ચાલી, ચંદુલાલ પટેલની ચાલી, મમદુ માસ્ટરની ચાલી, પુજારી ચાલ, જમનાદાસ પિતાંબરની ચાલી, ચતુરસિંહની ચાલી, લોખંડવાલાની ચાલી અને મ્યુનિ. સ્ટાફ ક્વાટર્સમાંથી મહત્તમ મતો મળ્યા હતા. જે અત્યાર સુધી કોંગ્રેસના પારંપરિક મતદારો રહ્યાં હતાં.
દરિયાપુરમાં ભાજપને શાહપુર અડ્ડો, કાલુપુરમાંથી પણ મત મળ્યા
દરિયાપુર વિધાનસભામાં મહેંદી કૂવા, દૂધેશ્વર, શાહપુર, દરિયાપુર, ઘી-કાંટા, કાલુપુર, શાહીબાગ અને રિલીફ રોડનો મહત્તમ વિસ્તાર આવે છે. જેમાં લુહાર નગર, પ્રતાપમલની ચાલ, ભગુભાઈની ચાલ, જગદીશ ભુવન, નકલંગપુરાની ચાલ, માસ્ટર કોલોની, કમુમિયાની ચાલ, મારવાડીનું ડહેલું, ગલાજીની ચાલ, આંગનવાડી ચાલ, ગોવિંદ કાશીરામ પોળ, સદમાતાની પોળ, મોટી પોળ, ગાંધી બિલ્ડિંગ, વડવાળુ ડહેલું, સુથારવાડો, ભંડેરી પોળ, ઘી-કાંટા રોડ, કલ્યાણ ભુવન વિસ્તારમાંથી તેમજ મુસ્લિમોના 1200થી વધુ મત ભાજપના ઉમેદવારને મહત્તમ મતો મળ્યા છે જ્યારે કોંગ્રેસના ઉમેદવારને શાહીબાગ ગવર્નમેન્ટ કોલોની, અમૃત એસ્ટેટ, મોટો કુંભાર વાડો, મહાવીર ફ્લેટ, ખ્વાજા શાહીદ દરગાહ, શંકર સોસાયટી, મહેસાણીયા વાસમાંથી મહત્તમ મત મળ્યા હતા. એઆઈએમઆઈએમના ઉમેદવારને 188 બૂથ પૈકી સૌથી વધુ ડેલ્ટા એપાર્ટમેન્ટમાંથી 57 મત મળ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.