પાટીલને ગોપાલ ઈટાલિયાનો જવાબ:ગુજરાતમાં ભાજપને AAPનો ડર લાગ્યો છે, કેજરીવાલને મહાઠગ કહેવાવાળા ઠગે સુરતમાં 58 કરોડનું બૂચ માર્યું

અમદાવાદ9 દિવસ પહેલા
ગોપાલ ઈટાલિયા
  • ભાજપના લોકો આમ આદમી પાર્ટીની વોલ પેઈન્ટિંગ ભુસે છે અને એલીડી વાનોમાં તોડફોડ કરે છે

સુરતમાં કડોદરા ખાતે વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પાટીલે નામ લીધા વિના કેજરીવાલ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના લોકોને મફતની વસ્તુ ખપતી નથી, મહાઠગ આવે છે, લોકો સાવધાન રહે. મફતની વસ્તુ આપવાથી તમને કોઈ મત આપવાના નથી. તેમના આ નિવેદન બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ પણ વળતો જવાબ આપીને આકરા પ્રહારો કર્યા હતાં.

ભાજપના નેતાઓ બોખલાઈ ગયાં છે
ભાજપને ડર લાગ્યો છે અને તેના નેતાઓ બોખલાઈ ગયાં છે. મારામારી કરવી, આમ આદમી પાર્ટીને ખરાબ ચિતરવી અને કાર્યકર્તાઓને મારવા પર ઉતરી આવી છે.અમારા કાર્યકર્તાઓ દરેક વિધાનસભાઓ પર પોતાની મહેનત પર અને સ્વખર્ચે વોલ પેઇન્ટિગ કરે છે. ભાજપ દ્વારા સરકારી દીવાલો અને ઇમારતો પર પેઇન્ટિગ કર્યું છે અમે ખાનગી માલિકી અને દીવાલો પર સ્વખર્ચે આમ આદમી અને અરવિંદ કેજરીવાલના વિચારો દર્શાવવામાં આવે છે. પરંતુ ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીની વોલ પેઇન્ટિગને ભૂસવાનું શરૂ કર્યું નથી.

પાટીલને ગુજરાત વિશે બોલવાનો અધિકાર જ નથી
ગોપાલ ઇટાલિયાએ પાટીલના નિવેદનનો વળતો જવાબ આપતા કહ્યું હતું કે ડાયમંડ જ્યુબીલી બેંકમાં 58 કરોડ રૂપિયાનું બુચ મારનાર સી. આર. પાટીલ પોતે બીજાને ઠગ કહે છે ? ઓફિશિયલ FIR નોંધાઇ છે અને ચૂંટણીની એફિડેવિટમાં પોતે લખ્યું છે કે સુરતની જનતાનું ડાયમંડ જ્યુબિલી બેંકનું રૂ. 58 કરોડનું બુચ માર્યું છે. પાટીલમાં હિંમત હોય તો અરવિંદ કેજરીવાલનું નામ લઈને બતાવે. સી.આર પાટીલને ગુજરાત વિશે બોલવાનો અધિકાર જ નથી.

ભાજપને અમારો ડર લાગ્યો છે
ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ભાજપ અમારાથી ડરી ગઈ છે.આમ આદમી પાર્ટીએ જે રીતે વોલ પેઇન્ટિગ કર્યું છે તેને ભાજપ દ્વારા ભૂંસી નાખવામાં આવે છે. આ ઉપરાંત અમારા કાર્યકર્તાઓ સ્વખર્ચે એક LED વાનથી અરવિંદ કેજરીવાલના વિચારો પહોંચાડે છે. તે સરકારની મંજૂરી લઈ ચાલે છે. તેને ભાજપના લોકો દ્વારા તોડી નાંખવામાં આવી છે. વાન પર પથ્થરમારો કરી કાચો તોડી નાખવામાં આવ્યા છે. એક વાનને ઊંધી પાડી દેવામાં આવી છે. એક બાજુ ભાજપ કહે છે બંગાળમાં લોકશાહી ખતમ થઈ રહી છે તો શું ગુજરાતમાં લોકશાહીનું હનન નથી થતું? લોકો ભાજપની આ ગુંડાગીરીને જુએ અને વિધાનસભામાં ઝાડુ ફેરવી અને આવા ભાજપના લોકોને હટાવે.

અન્ય સમાચારો પણ છે...