AMCના ભાજપના શાસકો સદંતર નિષ્ફળ:કોન્ટ્રાકટરોના બાકી નાણાં ચૂકવવા બાબતે ભાજપ નિષ્ફળ, કોન્ટ્રાકટરો દ્વારા કામ બંધ કરવાની ચીમકી

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના શાસકો દ્વારા પ્રાથમિક સુવિધાના કામો કરવા માટે જરૂરી નાણાંકીય જોગવાઇ કરવા બાબતે સદંતર નિષ્ફળ ગયા છે. છેલ્લા કેટલાય સમયથી કોન્ટ્રાકટરોના 700 કરોડ જેટલી માતબર રકમ ચૂકવવાની બાકી છે. તે રકમ સમયસર ચૂકવવા બાબતે મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર નિષ્ફળ ગયું છે જેને કારણે મોટાભાગના કોન્ટ્રાકટરોને હાલ ગંભીર નાણાંકીય મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે. GSTમાં કરાયેલા વધારાના કારણે કોન્ટ્રાકટરો ઉપર નાણાંકીય ભારણ વધી ગયું છે જેને લઇને પ્રાથમિક સુવિધાના કામો કરતાં તમામ કોન્ટ્રાકટરો દ્વારા 21 નવેમ્બર સોમવારથી પ્રાથમિક સુવિધાના તથા વિવિધ પ્રોજેકટના કામો બંધ કરી દેવાની ચેતવણી આપવામાં આવી છે. જેથી સ્પષ્ટ પુરવાર થાય છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનની તિજોરીનું તળિયું દેખાઇ રહ્યું છે. એક સમયે ક્રીસીલનું ત્રીપલ “એ” રેંટીગ ધરાવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આવી હાલત કેમ થઇ? તે વિચારણા માંગી લે તેવી બાબત છે. જેથી અગાઉ પણ અમોએ મ્યુનિસિપલ કોર્પોરેશનની આર્થિક પરિસ્થિતિ અંગે શ્વેતપત્ર બહાર પાડવા માંગણી કરી હતી.

ટેક્ષની વધુ આવક થવા બાબતે મોટા ઉપાડે જાહેરાતો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રાથમિક સુવિધાના કામો કરવા જરૂરી નાણાંકીય આવક ઉભી કરવા માટે દર વર્ષે બજેટમાં જોગવાઇ કરવામાં આવે છે. પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાસ્તવિક આવક જોતાં પ્રોર્પટી ટેક્ષ, રાજ્ય સરકાર દ્વારા ઓકટ્રોયની અવેજીમાં મળતી ગ્રાન્ટ, પ્રોફેશનલ ટેક્ષ, નોન ટેક્ષ રેવન્યુ, રેવન્યુ ગ્રાન્ટ અને સબસીડીની મોટી રકમની ધટ રેવન્યુ આવકમાં પડે છે. જેથી તેની સીધી અસર વિકાસ કાર્યો પર પડે છે અને ઘણા વિકાસ કાર્યો થઇ પણ શક્યાં નથી. તેનું મુળ કારણ રાજ્ય સરકારે ઓકટ્રોયના વિકલ્પ પેટે અપાતી ઓછી અને અપુરતી ગ્રાન્ટ તેમજ વારંવાર યોજાતા ઉત્સવો અને મેળાઓ તથા પાછળ થતાં ખર્ચ પણ કારણભુત છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો દ્વારા ચાલુ વર્ષે ટેક્ષની વધુ આવક થવા બાબતે મોટા ઉપાડે જાહેરાતો કરવામાં આવતી હતી. ત્યારે પ્રશ્ન એ ઉભો થાય છે કે, વધુ આવક આવતી હતી તો આવી નોબત કેમ આવી?

કોન્ટ્રાકટરોના 170 કરોડથી વધુના બીલ ચૂકવવાના બાકી
ચૂંટણી જાહેર થવાના કલાકો અગાઉ ખારીકટ કેનાલના ડેવલપમેન્ટ કામો મંજુર કર્યા તે બાબતે જરૂરી નાણાંકીય જોગવાઇ કરવા રાજ્ય સરકાર પાસેથી 1200 કરોડ મેળવવાનું તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના માથે હાલ પ્રાથમિક સુવિધાના કામો માટે લીધેલી 350 કરોડની લોનનું નાણાંકીય ભારણ તથા કોન્ટ્રાકટરોના 170 કરોડથી વધુના બીલ ચૂકવવાના બાકી છે. રાજ્ય સરકારને રો-વોટર અને અન્ય ખર્ચના 350 કરોડ ચૂકવવાના બાકી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટો વેચીને 400 કરોડ એકત્ર કરવાનું આયોજન કરવાની તેમજ 200 કરોડના ટેક્ષેબલ ગ્રીન બોન્ડ બહાર પાડવાની જોગવાઇ કરવાની ફરજ પડી છે.

કોર્પોરેશનની તિજોરીનું તળિયું દેખાયું
મ્યુનિસિપલ કોર્પોરેશનને વિવિધ રકમનું વ્યાજ પણ ભરવાનું થાય છે તે લટકામાં! જેને કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનની આર્થિક હાલત ભયંકરે હદે વકરી ગઇ છે. બીન જરૂરી અને ઉડાઉ ખર્ચાને કારણે કોર્પોરેશનની તિજોરીનું તળિયું દેખાઇ રહયું છે. જેનું કારણ એક પણ ખાતુ ખાયકી વગરનું નથી. સેવાના નામે શૂન્ય અને વહીવટ ભ્રષ્ટાચારથી ખદબદે છે. શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના સપના બનાવટી પુરવાર થયા છે. કરકસરની વાતો પોકળ નીવડી છે. કોન્ફરન્સો, મીટીંગો અને ચર્ચાઓ બહોળા પ્રમાણમાં કરવા છતા પરિણામ શુન્ય નજરે ચડે છે. જેને કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન તોતિંગ દેવાના બોજ તળે આવી ગઇ હોવાથી નિ.કોર્પોની નાણાંકીય પરિસ્થિતિ ખાડે જવા પામી છે. જે સત્તાધારી ભાજપની વહીવટી અણઆવડતતા અને અણધડ ઉડાઉ વહીવટનો સ્પષ્ટ પુરાવો છે.

રાજ્ય સરકાર દ્વારા યોગ્ય કાર્યવાહી માંગણી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રાથમિક સુવિધાના તથા પ્રોજેકટના કામો સમયસર પુરા પણ કરી શકાય તેમજ પ્રાથમિક સુવિધાઓ મળવા બાબતે પ્રજાને કોઇ મુશ્કેલી ના પડે તે માટે પ્રજાહિતમાં કોન્ટ્રાકટરોના નાણા ચુકવી આપવા તેમજ GST બાબતે તાકીદે ઉકેલ લાવવા તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ઓકટ્રોય વિકલ્પ રૂપે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટનો ગ્રોથ રેટ માટે આપેલ ખાત્રી મુજબ 15% કરીને ગ્રાન્ટ આપે તેમજ અગાઉની બાકી રકમ તાકીદે ચુકવે તે માટે રાજ્ય સરકારને ફરજ પાડવા યોગ્ય કાર્યવાહી તાકીદે થવા અમારી માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...