ગુજરાત વિધાનસભાની ચૂંટણી ગમેત્યારે યોજાય, પરંતુ પ્રચાર-પ્રસાર માટે ભાજપની સોશિયલ મીડિયા રણનીતિ ફુલ એક્શન મોડમાં છે. ચૂંટણીપ્રચારમાં ભરપૂર ઉપયોગ કરવા ભાજપે ગુજરાતમાં 2000થી વધુ 'ડિજિટલ વોરિયર્સ' તૈયાર કર્યા છે. ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પેજથી તરત જ જોડી શકાય એવા NFC (Near Field Communication - નિયર ફિલ્ડ કોમ્યુનિકેશન) કાર્ડ ભાજપના સોશ્યિલ મીડિયાના આ વોરિયર્સને આપવામાં આવ્યા છે. જેવું NFC કાર્ડને મોબાઇલ સાથે ટચ કરો કે તરત નરેન્દ્ર મોદી સહિતના ટોચના નેતાઓના સોશિયલ મીડિયાની સંપૂર્ણ પ્રોફાઈલ આવશે. આ કાર્ડને ગામેગામના ડિજિટલ વોરિયર્સ સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે, કેમ કે NFC કાર્ડ મલ્ટીપલ યુઝ ધરાવતા હોવાથી અનેકવાર એનો ઉપયોગ પણ થઈ શકે છે.
ભાજપના નેતાઓને સોશિયલ મીડિયા ફોલોઅર્સ વધારવા ટાસ્ક
ગુજરાતમાં આમ આદમી પાર્ટીના (AAP) આગમનને પગલે પ્રચારનું યુદ્ધ ટેકનોલોજીમય બન્યું છે. આ કારણે ભાજપે પણ પ્રચાર માટેની ટેકનોલોજીમાં ઘણા ફેરફાર કર્યા છે. ખાસ કરીને AAP અને તેના વડા અરવિંદ કેજરીવાલ સોશિયલ મીડિયા પર ખૂબ એગ્રેસિવ છે. આ જોતાં તેઓ સોશિયલ મીડિયા વોરમાં ટૂંક સમયમાં જ મેદાન મારી જશે, એવું ભાજપની સોશિયલ મીડિયા ટીમને લાગી રહ્યું છે. આ કારણથી ભાજપના નેતાઓને સોશિયલ મીડિયામાં તેમની હાજરી વધારવા અને વધુ ફોલોઅર્સ તથા લાઈક માટે કમર કસવાની સૂચના આપી દેવાઈ છે.
કાર્યકરોની ડિજિટલ-ફિઝિકલ હાજરી પર ખાસ ફોકસ
ભાજપે તમામ કાર્યકરો આગેવાનોને ચૂંટણી સુધી ફુલ એક્ટિવ મોડમાં રાખવા અલગ વ્યૂહરચના કરી છે. આ માટે કાર્યકરોની ડિજિટલ હાજરી અને ફિઝિકલ હાજરી બંને પર ખાસ ફોકસ રખાયું છે. ભાજપ પાસે આજે કાર્યકરોની ખૂબ મોટી ફોજ છે, એટલે જ ફિઝિકલ તેમજ ડિજિટલ માધ્યમ થકી સરકારની બધી જ યોજનાઓના લાભો લાભાર્થીઓ સુઘી સરળતાથી પહોંચવાનો વ્યૂહ છે. આ પ્રમાણેનું નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે. ભાજપના સોશિયલ મીડિયાના ઉપયોગ થકી ટૂંકી અને સાચી માહિતી સોશિયલ મીડિયામાં મૂકશે. તદુપરાંત રાજ્ય અને કેન્દ્ર સરકારની પ્રજાલક્ષી યોજનાઓના લાભો પ્રજા સુધી પહોંચાડવાનો ટાસ્ક અપાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.