વિવાદ:જિલ્લા પંચાયતમાં ભાજપ દંડકે નાયબ ઇજનેરની ચેમ્બર પચાવી પાડી, ચૂંટાયેલા સભ્યોમાં આંતરિક વિખવાદની ચર્ચા

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપના કેટલાક સભ્યોએ નારાજગી દર્શાવી

અમદાવાદ જિલ્લા પંચાયતમાં સાંસદ, ધારાસભ્ય માટે બનેલી વીઆઈપી ચેમ્બર પર જિલ્લા પંચાયત ભાજપના શાસકપક્ષના નેતાએ કબજો કરી લીધા બાદ ભાજપના ચૂંટાયેલા સભ્યો વચ્ચે આંતરિક વિખવાદ વકરતો હોવાની ચર્ચા છે. શાસક પક્ષના નેતાએ વીઆઈપી ચેમ્બરમાં બેઠક શરૂ કરી દીધા બાદ ભાજપના દંડકે નાયબ ઇજનેરની ચેમ્બર પચાવી પાડી તેને રિનોવેટ પણ કરાવી દીધી છે. નાયબ ઇજનેરને તેમની બાજુની ચેમ્બરમાં સહ કર્મચારીઓ સાથે પાર્ટિશન કરીને બેસવા મજબૂર કરી દીધા છે તેવું જણાવતા ભાજપના કેટલાક સભ્યોએ નામ ન આપવાની શરતે કટાક્ષ કરતા કહ્યું કે, દંડક દિગ્પાલસિંહ ચુડાસમાએ કકળાટ કરીને વીઆઈપી ચેમ્બર મેળવી છે.

ચૂંટણી પૂરી થઈ ગયા પછી પણ ભાજપના ચૂંટાયેલા 30 સભ્યોમાંથી ગણતરીના સભ્યો જિલ્લા પંચાયતમાં આવે છે. ભાજપના ઉપપ્રમુખ એક જ બેઠકમાં વિકાસનાં કામો પાછળ તેમની પૂરેપૂરી ગ્રાન્ટનો ઉપયોગ કરી દીધા પછી જિલ્લા પંચાયતમાં નિયમિત આવતા ન હોવાનો સંગઠનના હોદ્દેદારોએ રોષ ઠાલવતા કહ્યું કે, પંચાયતની ચૂંટણી પૂરી થઈ ગઈ હોવા છતાં હજી પણ કેટલાક ચેરમેનોની અનઉપસ્થિતિ રહે છે.

દિગ્પાલસિંહ ચુડાસમાએ કકળાટ કરતા ડીડીઓ અનિલ ધામેલિયાના આદેશથી માર્ગ અને પંચાયત વિભાગના નાયબ ઇજનેર ડી. ટી. ઠક્કરની ચેમ્બર રિનોવેટ કરી દંડકને સોંપી દેવાઈ છે. ચેમ્બરો પાછળ અંદાજે ત્રણ લાખ જેટલો ખર્ચ થશે. સરકાર કરકસરની વાતો કરે છે અને ભાજપના સભ્યો સ્વભંડોળની રકમ ચેમ્બરોના રિનોવેશન પાછળ વાપરી રહ્યા હોવાનો કોંગ્રેસના સભ્યોએ આક્ષેપ કર્યો છે.

ચેમ્બર તમામ સભ્યોના ઉપયોગ માટે છે
નવી ચેમ્બરનો ભાજપના અન્ય સભ્યો પણ ઉપયોગ કરે છે. ચેમ્બર બધાના ઉપયોગ માટે છે. હું જિલ્લા પંચાયતમાં નિયમિત આવું છું. મારી ચેમ્બરને લઇને ખોટો વિવાદ ઊભો કરાયો છે. મને કોઈ વિવાદમાં રસ નથી. - દિગ્પાલસિંહ ચુડાસમા, ધોલેરા, જિલ્લા પંચાયત સદસ્ય

અન્ય સમાચારો પણ છે...