ભારત સરકાર દ્વારા આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે અલગ અલગ કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા હતા. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત નાગરિકો રાષ્ટ્રગીતનું ગાન કરે અને તેમનામાં દેશભક્તિની ભાવના વધુ ખીલે તે માટે રાષ્ટ્રગીતના ગાનની પ્રસ્તુતિ દર્શાવતો વ્યક્તિગત કે સામુહિક વીડિયો બનાવી ભારત સરકારની જણાવેલી વેબસાઈટ પર અપલોડ કરવાનો હોય છે. જે અંગે એક સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે. ભારત સરકારે નાગરિકો આ કરે અને દેશભકિત વધુ મજબૂત બને તેના માટે વીડિયો અપલોડ કરવા અપીલ કરી હતી, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના જ કાઉન્સિલરોએ આ રાષ્ટ્રગાન અપલોડ નથી કર્યું અને કેટલાક કાઉન્સિલરોને તો આ અંગે ખબર જ ન હતી. જો પ્રજાના પ્રતિનિધિઓ જ સરકારની અપીલને અમલ નથી કરતા તો નાગરિકોને કઈ રીતે આ માટે અપીલ કે યોગદાન અપાવશે?
AMCના કોર્પોરેટરો પર સૂચનાના પાલન સામે સવાલ
Divya Bhaskarએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચૂંટાયેલા 20 જેટલા કાઉન્સિલરોને શનિવારે રાતે 10 વાગ્યા સુધીમાં પૂછ્યું હતું કે, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત નાગરિકો રાષ્ટ્રગીતનું ગાન કરે અને તેમનામાં દેશભક્તિની ભાવના વધુ ખીલે તે માટે રાષ્ટ્રગીતના ગાનની પ્રસ્તુતિ દર્શાવતો વ્યક્તિગત કે સામુહિક વીડિયો બનાવી ભારત સરકારની આપેલી વેબસાઈટ પર અપલોડ કરવાનો હોય છે જે આપે રેકોર્ડ કરી અપલોડ કર્યા બાદ સર્ટિફિકેટ મેળવ્યું છે? જેમાં નારણપુરાના મહિલા કાઉન્સિલર બ્રિન્દાબેન સુરતી, થલતેજના મહિલા કાઉન્સિલર ઋષિના પટેલ અને વાસણાના કાઉન્સિલર હિમાશું વાળાએ જ રેકોર્ડ કરી અપલોડ કર્યા બાદ સર્ટિફિકેટ મેળવ્યા છે. જ્યારે બાકીના કાઉન્સિલરોએ પોતે કરવાના બાકી છે, આજે કરી દઈશ, રહી ગયું છે જેવા જવાબો આપ્યા હતા. જ્યારે રામોલના મહિલા કાઉન્સિલર સુનિતા ચૌહાણ, નવાવાડજના કાઉન્સિલર યોગેશ પટેલ અને વસ્ત્રાલના અનિરુદ્ધસિંહ ઝાલાને તો આ બાબતે ખબર જ ન હતી અને લિંકની જાણકારી માગી હતી.
બે દિવસ પહેલા જ કાઉન્સિલરોને સૂચના અપાઈ હતી
આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના પક્ષના નેતા ભાસ્કર ભટ્ટે Divya Bhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભાજપના તમામ કાઉન્સિલરોને બે દિવસ પહેલા જ સુચના આપી દીધી છે અને તેઓએ અપલોડ કરી દીધા છે. મેં પણ અપલોડ કરી સર્ટિફિકેટ મેળવી લીધું છે. જો કે Divya Bhaskarની તપાસમાં પક્ષના કેટલાક કાઉન્સિલરોએ વીડિયો અપલોડ કર્યા નથી અને તેમને ખબર પણ નથી. જેથી ખરેખર કાઉન્સિલરો આ સુચનાઓનો અમલ કરે છે કે કેમ તેના પર સવાલ ઉભા થયા છે.
કેવી રીતે વીડિયો રેકોર્ડ કરવાનો?
આ વીડિયો ભારત સરકારની https://rashtragaan.in વેબસાઈટ પર જઈ ક્લિક કરવાનો હોય છે. ક્લિક કરી પહેલા પોતાનું નામ લખવાનું બાદમાં stend એન્ડ record કરવાનું રહેશે. જે થયા બાદ વિડીયો અપલોડ કરવાનો રહેશે. વીડિયો અપલોડ થયા બાદ સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાનું રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ પર ટિકર રૂપે Contribute your rendering of the National Anthem of India at https://rashtragaan.in લિંક પણ મુકાઈ છે. જેથી લોકો વધુમાં વધુ આ બાબતે જાણકારી મેળવી વીડિયો અપલોડ કરે. પરંતુ ખુદ ભાજપના જ કાઉન્સિલરોએ જ વીડિયો અપલોડ નથી કર્યો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.