તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શું નેતાઓ કોરોનાપ્રૂફ છે?:અમદાવાદમાં ભાજપના કોર્પોરેટર મહાદેવ દેસાઈએ કોરોનાના નિયમોનો ઉલાળ્યો કર્યો, માસ્ક વિના જ મતવિસ્તારમાં લોકોને મળ્યા

અમદાવાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
નેતા મતવિસ્તારમાં માસ્ક વિના પહોંચ્યા. - Divya Bhaskar
નેતા મતવિસ્તારમાં માસ્ક વિના પહોંચ્યા.
  • ભાજપના કોર્પોરેટરે માસ્ક વિના મતવિસ્તારના લોકોને મળીને તેમના જીવ જોખમમાં મૂક્યા
  • મહાદેવ દેસાઈ શહેરના સૈજપુર વોર્ડના ભાજપના કોર્પોરેટર તેમજ રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન
  • આ અગાઉ અમદાવાદના મેયર કિરીટ પરમાર પણ માસ્ક વિના ફોટો પડાવતા દેખાયા હતા

રાજ્યમાં કોરોનાની બીજી લહેર ઘાતક પુરવાર થઈ હતી. કેસોની સંખ્યામાં હવે ઘટાડો થતાં કોરોના કાબૂમાં આવ્યો છે, પરંતુ બેદરકારી ત્રીજી લહેર લાવી શકે છે. રાજ્યમાં માસ્ક ન પહેરવા પર રૂ. 1000ના દંડની જોગવાઈ છે. લોકો માસ્ક ન પહેરે અથવા માસ્ક નાકની નીચે હોય તો પોલીસ કે કોર્પોરેશન રૂ. 1000નો દંડ ફટકારે છે, પરંતુ જો નેતાએ માસ્ક ન પહેર્યું હોય તો પોલીસ કે કોર્પોરેશન આંખ આડા કાન કરી દે છે. શહેરના સૈજપુર વોર્ડના ભાજપના કોર્પોરેટર તેમજ રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈ માસ્ક વગર પોતાના મતવિસ્તારમાં ફરતા હોવાના ફોટો સામે આવ્યા છે. મતવિસ્તારમાં રાઉન્ડ લેતી વકતે તેમણે માસ્ક પહેર્યું નહોતું. તેમની સાથેના અન્ય લોકોએ પણ માસ્ક પહેર્યું નહોતું. આ મામલે પૂછવા DivyaBhaskarએ મહાદેવ દેસાઈને ફોન કર્યો હતો, પરંતુ તેમણે ફોન ઉપાડ્યો નહોતો.

પ્રજાના સેવકે જ લોકોના જીવન જોખમમાં મૂક્યા
ભાજપના કોર્પોરેટર અને રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈના પોતાના જ ફેસબુક પ્રોફાઈલ પર માસ્ક વગરના ફોટોમાં સામે આવ્યા છે. આ ફોટોમાં મહાદેવ દેસાઈ માસ્ક વગર પાંચથી છ લોકો સાથે મતવિસ્તારમાં ફરી રહ્યા છે અને લોકોને મળી રહ્યા છે. તેમની સાથેના પણ બેથી ત્રણ લોકોએ માસ્ક પહેર્યાં નથી. માસ્ક વગર ફરતા નેતાજીએ અન્ય લોકોના સ્વાસ્થ્યને પણ જોખમમાં મૂકી તેમને મળ્યા છે, ત્યારે પ્રજાના પ્રતિનિધિઓ જ બેદરકારી દાખવી રહ્યા છે.

પ્રજાના સેવક બેદરકાર બન્યા.
પ્રજાના સેવક બેદરકાર બન્યા.

શું કોર્પોરેટરને 1000નો દંડ થશે?
લોકોને દંડ કરતી પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની બેવડી નીતિ સામે આવી છે. અમદાવાદ શહેરમાં જ્યારે કોઈ વ્યક્તિ માસ્ક વગર દેખાય તો તેને રૂ. 1000નો દંડ ફટકારવામાં આવે છે. જો દંડ ભરવા અંગે આનાકાની કરે તો તેની સામે ગુનો નોંધવામાં આવે છે, પરંતુ જ્યારે કોઈ નેતા માસ્ક વગર ફરે તો પોલીસને એ દેખાતું નથી.

મેયર પણ માસ્ક વિના દેખાયા હતા
અગાઉ માસ્ક વગર અમદાવાદના પ્રથમ નાગરિક મેયર કિરીટ પરમાર માસ્ક વગર ફોટો પડાવતા હતા. પોલીસ અને તંત્ર કેમ માત્ર પ્રજા સામે જ કાર્યવાહી કરે છે ? કેમ એકપણ વાર નેતાઓ સામે નથી લેવાતાં પગલાં? કોર્પોરેશન તંત્ર મોટે પાયે લોકોને જાગ્રત કરવા જાહેરાત કરે છે, પરંતુ કોર્પોરેશનના નેતાઓ જ ખુદ અમલ કરી રહ્યા નથી. શું ચૂંટાયેલા પ્રતિનિધિઓને કોરોનાની ગાઈડલાઈન્સ લાગુ નથી પડતી?

ગાંધીનગરમાં મનપા ચૂંટણી પ્રચારમાં નેતાઓ માસ્ક વિના દેખાયા
બે મહિના પહેલા જ ગાંધીનગર મનપાની ચુંટણીનાં ઇન્ચાર્જ રજની પટેલ તથા અમિત ઠાકર, મહાનગર પ્રમુખ રુચિર ભટ્ટ. મોટાભાગના કાર્યકરોએ હાજરી આપી હતી. પરંતુ ઉલ્લેખનીય વાત એ છે કે, આ તમામ નેતાઓ ફોટા પડાવવા માટે તેમના માસ્ક ઉતાર્યા હતા. ઉપરાંત કાર્યક્રમમાં હાજર તમામ કાર્યકરો પણ માસ્ક વિના જોવા મળ્યાં હતા.

સી.આર પાટીલે પ્રેસ કોન્ફરન્સમાં માસ્ક ઉતાર્યું હતું
બીજી તરફ એક મહિના પહેલા જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ સી.આર પાટીલે પણ સુરતમાં પ્રેસ કોન્ફરન્સ માસ્ક વિના જ સંબોધી હતી. તેમણે પ્રેસ કોન્ફરન્સ શરૂ કરતા માસ્ક ઉતારી દીધું હતું. સામાન્ય લોકોને માસ્કનો રૂ.1000નો દંડ ફટકારતા તંત્રએ સી.આર.પાટીલ સામે પણ કોઈ કાર્યવાહી કરી નહોતી.

મુખ્યમંત્રીનું પણ નથી માનતા નેતાઓ
પાછલા વર્ષે ગુજરાતમાં માસ્ક વિના ફરતા અને હજારોનાં ટોળાં સાથે રેલીઓ યોજાતા હાઇકોર્ટે પણ નેતાઓ સામે લાલ આંખ કરી હતી. તેણે માસ્ક વિના ફરતા નેતાઓ પાસેથી દંડ વસૂલવા આદેશ કર્યો હતો. હાઈકોર્ટના કડક વલણ બાદ મુખ્યમંત્રી પણ સફાળા જાગ્યા હતા. હાઈકોર્ટની ટકોર બાદ મુખ્યમંત્રીએ પણ 'નેતાઓ પણ નિયમનું પાલન કરે, આ નેતાઓની જવાબદારી બને છે. ખોટો સંદેશ ન જાય એ જરૂરી છે. દરેક વ્યક્તિએ ફરજિયાત માસ્ક પહેરવું જોઈએ' તેમ જણાવ્યું હતું.

આ પહેલા માસ્ક વિના જોવા મળેલા નેતાઓ

નેતાપક્ષપદક્યાં માસ્ક વગર
સી. આર. પાટીલભાજપપ્રદેશ પ્રમુખપારડીમાં કાર્યક્રમ
અમિત ચાવડાકોંગ્રેસપ્રદેશ પ્રમુખઅમદાવાદ કાર્યક્રમ
બીજલ પટેલભાજપમેયર, AMCસામાન્ય સભા
ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાભાજપશિક્ષણમંત્રીસાબરમતી આશ્રમ
પ્રદીપસિંહ જાડેજાભાજપરાજ્ય ગૃહમંત્રીD.G-I.G. કોન્ફરન્સ
દર્શના જરદોશભાજપસાંસદ, સુરતઓલપાડમાં બેઠકો
ઈશ્વરભાઈ પરમારભાજપકેબિનેટ મંત્રીબારડોલીમાં સમારંભ
જયેશ રાદડિયાભાજપકેબિનેટ મંત્રીરાજકોટ પ્રેસ બ્રીફ
ભરત પટેલભાજપMLA, વલસાડપારડીમાં કાર્યક્રમ
કનુભાઇ દેસાઇભાજપMLA, પારડીપારડીમાં કાર્યક્રમ
વી.ડી.ઝાલાવડીયાભાજપMLA,કામરેજકામરેજમાં કાર્યક્રમો
ભૂષણ ભટ્ટભાજપપૂર્વ ધારાસભ્યઅમદાવાદ ખાડિયામાં
વાસણભાઇ આહિરભાજપરાજ્યમંત્રીપાલનપુર કાર્યક્રમમાં
હાર્દિક પટેલકોંગ્રેસકાર્યકારી અધ્યક્ષકોંગ્રેસ વડુમથક
આનંદ ચૌધરીકોંગ્રેસMLA, માંડવીસુરત વિરોધ પ્રદર્શન
મોહનસિંહ રાઠવાકોંગ્રેસMLA, છોટાઉદેપુરછોટાઉદેપુર
શિવાભાઇ ભૂરિયાકોંગ્રેસMLA, દીયોદરમતવિસ્તાર
ગેનીબેન ઠાકોરકોંગ્રસMLA, વાવગાંધીનગર ખાતે