સ્ટેન્ડિંગ કમિટિમાં નિર્ણય:અમદાવાદમાં મેટ્રો ટ્રેનના પિલરો પર ઠેર ઠેર દોરેલા ભાજપ-કોંગ્રેસ અને આપના ચિહ્નો દૂર કરી ચિત્રો દોરવામાં આવશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મેટ્રો પિલર પર દોરેલા રાજકીય પાર્ટીના ચિહ્નોની તસવીર - Divya Bhaskar
મેટ્રો પિલર પર દોરેલા રાજકીય પાર્ટીના ચિહ્નોની તસવીર

અમદાવાદ શહેરમાં આવેલા મેટ્રો ટ્રેનના પિલર પર રાજકીય પાર્ટીઓ દ્વારા તેમના પક્ષના ચિહ્નો દોરવામાં આવ્યા છે. દરેક પક્ષ દ્વારા પોતાના ચિહ્નો મેટ્રો પિલર ઉપર ચિતરી દેવામાં આવતા દીવાલો ખરાબ થઈ છે. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં મેટ્રો રેલના પિલર ઉપર સારું પેઇન્ટિંગ અને મહાનુભાવોના ચિત્રો દોરવામાં આવે તેવું સૂચન કરવામાં આવ્યું હતું.

AMC પિલર પરથી રાજકીય ચિહ્નો દૂર કરવા મેટ્રોને સૂચન કરશે
મેટ્રો રેલ કોર્પોરેશનને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ રીતે મેટ્રો પિલર ઉપર કલર કરી ચિત્ર દોરવા માટેનું સૂચન કરવામાં આવશે. જેનાથી નાગરિકો જોઈ શકે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, સ્ટેન્ડિંગ કમિટીમાં મેટ્રો પિલર ઉપર લોકોને ગમે તેવા ચિત્રો અને કલર કરવા માટે મેટ્રોને સૂચન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

કોર્પોરેશનમાં નોંધાતી ફરિયાદોનો ઝડપથી નિકાલ કરવા સૂચના
ઉપરાંત આજે મળેલી કમિટીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે, તેમાં રોજની 1000 થી 1200 જેટલી ફરિયાદો નોંધાતી હોવાનું બહાર આવ્યું છે. જેથી આવી ફરિયાદોને ઝડપથી અને યોગ્ય નિકાલ કરવામાં આવે તેના માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

નાગરિકો સાથે યોગ્ય વ્યવહાર કરવા કર્મચારીઓને સૂચન
હાલ વરસાદની સિઝન અત્યારે ચાલી રહી છે. જેથી વરસાદમાં લોકોને તકલીફ ન પડે તેના માટે રોડ ઉપર રહેલી માટી, પથ્થર તેમજ ગટરના ઢાંકણા વગેરેને ત્યાંથી દૂર કરી અને રોડ ખુલ્લા કરવા માટે પણ સુચના આપવામાં આવી છે. અમદાવાદ વિવિધ સેન્ટરો પર નાગરિકોને કોઈ તકલીફ ન પડે તેના માટે કોન્ટ્રાક્ટ ઉપર જે પણ વ્યક્તિઓને રાખવામાં આવ્યા છે. તેમને નાગરિકો સાથે વ્યવહાર રીતે કરવા માટે જણાવવામાં આવ્યું છે.

AMCની તમામ બિલ્ડિંગોમાં પરકોલેટીંગ વેલ બનાવાશે
​​​​​​​
આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટી ચોમાસાની સિઝન દરમિયાન ભૂગર્ભ જળ માટે પરકોલેટીંગ વેલ હવેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ બિલ્ડિંગોમાં બનાવવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં આવેલી તમામ મ્યુનિસિપલ સ્કૂલો, સિવિક સેન્ટરો, ઝોનલ ઓફિસો, વોર્ડ ઓફિસો વગેરે જગ્યાઓ પરકોલેટિગ વેલ બનાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...