ભાસ્કર ઇનડેપ્થકોણ છે ફેઝ-1ના સૌથી ધનવાન ઉમેદવારો?:એક રંગીલું શહેર એવું, જેના 2 ઉમેદવાર સંપત્તિમાં ટોપેટોપ, ટીલાળા બની શકે છે 'RICHEST' ઉમેદવાર, આ પણ નથી પાછળ!

અમદાવાદ3 મહિનો પહેલા

રાજકોટ (દક્ષિણ) બેઠક પરથી ભાજપના ઉમેદવાર રમેશ ટીલાળા આ વખતે ગુજરાતના પહેલા તબક્કાની ચૂંટણીના સૌથી ધનિક ઉમેદવાર હશે. ટીલાળાએ પોતાના સોગંદનામામાં રૂ. 171 કરોડની કુલ મિલકત જાહેર કરી છે. તો બીજી તરફ, રાજકોટ (પૂર્વ)ના જ ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરુએ 163 કરોડની મિલકતનું એફિડેવિટ ફાઈલ કર્યું છે. આમ, ટોપ-2 ધનિક ઉમેદવારો એક જ સિટીના છે. જોકે આ વખતના ઉમેદવારોના સોગંદનામામાં 2017ની તુલનામાં સૌથી ઊડીને આંખે વળગે એ રીતે કોઈની મિલકત વધી હોય તો એ છે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી. એડીઆરના આંકડા મુજબ, હર્ષ સંઘવીએ 2017ની ચૂંટણીમાં રૂ. 2.17 કરોડની સંપત્તિ જાહેર કરી હતી. આ આંક આ વખતે 723% વધીને રુ. 17.43 કરોડ થઈ ગયો છે. તેમનાં પત્ની પાસે ગત ચૂંટણી વખતે એકેય રૂપિયાના શેર નહોતા, જ્યારે હાલ તેમની પાસે રૂ. 10.52 કરોડના મૂલ્યના તો લિસ્ટેડ કંપનીઓના શેર જ છે.

રમેશ ટીલાળાના નામે 56 કરોડ, પત્ની પાસે 115 કરોડ
પોતાના એફિડેવિટમાં 57 વર્ષીય ટીલાળાએ તેમના નામની રૂ. 56.7 કરોડ અને પત્ની હંસાબેનના નામે રૂ. 114.87 કરોડની મિલકતો જાહેર કરી છે. જાણીતા ઉદ્યોગપતિ અને વેપારી ટીલાળા પાસે રૂ. 9.51 કરોડની જંગમ મિલકત અને રૂ. 47.18 કરોડની સ્થાવર મિલકત છે, જ્યારે તેમનાં પત્નીના નામે રૂ. 8.63 કરોડની જંગમ અને રૂ. 106.24 કરોડની સ્થાવર મિલકત છે. ઉલ્લેખનીય છે કે ટીલાળા 171 કરોડની સંપત્તિના માલિક છે, પરંતુ તેમણે સ્કૂલનું શિક્ષણ પણ પૂર્ણ કર્યું નથી. તેઓ અત્યારે શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રિયલ એસોસિયેશનના પ્રમુખ છે. આ ઉપરાંત તેઓ લેઉઆ પટેલ સમુદાયના ધર્મસ્થાન શ્રી ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી પણ છે.

ટીલાળા પાસે 1.28 લાખની કેશ, 3.89 લાખની FD
ટીલાળાની જંગમ મિલકતમાં રૂ. 1.28 લાખની રોકડ, રૂ 3.89 લાખની પાંચ બેંકોમાંની ડિપોઝિટ, આઠ પેઢીમાં રૂ. 2.53 કરોડના મૂલ્યના રોકાણ, રૂ. 10 લાખની જીવન વીમા પોલિસી, રૂ. 6.16 કરોડનો આઠ પેઢીને આપેલો લોન ઉપાડ તથા રૂ. 33 લાખનો એડવાન્સ ટેક્સ પેમેન્ટ સામેલ છે. જ્યારે તેમનાં પત્નીની જંગમ મિલકતોમાં 166 ગ્રામ સોનું, જેનું મૂલ્ય રૂ. 6.20 લાખ, રૂ. 90 હજાર રોકડ, રૂ. 10 લાખની વીમા પોલિસી ઉપરાંત શેર્સ અને લોન ઉપાડ સામેલ છે. અલબત્ત, રમેશ ટીલાળા કે તેમના પત્નીમાંથી કોઈના પણ નામે કોઈ વાહન નથી.

રાજકોટ અને સુરતમાં ટીલાળા પરિવારની ખેતીની જમીન
જ્યારે ટીલાળાની અસ્ક્યામતોમાં રાજકોટ તથા સુરત જિલ્લામાં રૂ. 26.20 કરોડની ખેતીલાયક જમીન, રૂ. 16.31 કરોડની રાજકોટની બિન-ખેતી જમીન તથા રાજકોટના નાના મવા વિસ્તારમાં આવેલા રૂ. 4.48 કરોડના મકાનના મૂલ્યનો સમાવેશ થાય છે. તેમનાં પત્નીની સ્થાવર મિલ્કતમાં રાજકોટ જિલ્લામાં વિભાજિત ખેતીલાયક જમીનના 10 પટ્ટા સામેલ છે, જેનું મૂલ્ય રુ. 67.78 કરોડ થાય છે. આ ઉપરાંત તેમના નામે રાજકોટ શહેરના જ મવડી વિસ્તારમાં આવેલા રૂ. 50 લાખના મૂલ્યના મકાન તથા રૂ. 38 કરોડના મૂલ્યની બિન-ખેતી જમીનના 11 પ્લોટ છે. આમ, હંસાબેનની માલિકીની રૂ. 106 કરોડ કરતાં વધુના મૂલ્યની જમીન છે.

ઈન્દ્રનીલના 2017માં 141 કરોડ, 2022માં 163 કરોડ
અગાઉ 2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસના રાજકોટ (પશ્ચિમ) બેઠકના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરુએ રુ. 141 કરોડની મિલકતો તેમના એફિડેવિટમાં જાહેર કરી હતી. જ્યારે આ વખતે તેમણે રૂ. 163 કરોડની મિલકતો જાહેર કરી છે. 2022ની ચૂંટણીમાં તેઓ રાજકોટ પૂર્વ બેઠક પરથી ઊભા છે. ઈન્દ્રનીલ પાસે પોતાના નામે રૂ. 49.82 કરોડની જંગમ અને રુ. 91.99 કરોડની સ્થાવર મિલકત છે, જ્યારે તેમના પરિવારના નામે રૂ. 17.03 કરોડની જંગમ અને રૂ. 4.08 કરોડની સ્થાવર મિલકત છે. આ વખતે પણ ઈન્દ્રનીલ કદાચ રાજ્યભરમાં સંપત્તિની દૃષ્ટિએ બીજા સૌથી ધનિક ઉમેદવાર હશે.

રાપરના કોંગ્રેસી ઉમેદવાર બચુભાઈની મિલકત 97 કરોડ
કચ્છના રાપરની બેઠક પરથી ઝુકાવી રહેલા કોંગ્રેસી ઉમેદવાર બચુભાઈ અરેઠિયા પણ 100 કરોડની ક્લબમાં સામેલ થતાં સહેજ માટે રહી ગયા છે. બચુભાઈએ તેમના સોગંદનામામાં રૂ. 97 કરોડની મિલકત જાહેર કરી છે. આમાં તેમના નામે રૂ. 54.55 કરોડની જંગમ અને રૂ. 18.30 કરોડની સ્થાવર મિલકત સામેલ છે, જ્યારે તેમનાં પત્ની તથા પરિવારના અન્ય સભ્યોનાં નામે રૂ. 20.63 કરોડની જંગમ અને રૂ. 4 કરોડની સ્થાવર મિલકત નોંધાયેલી છે.

મહુવાના કોંગ્રેસના હેમાંગિની પાસે 31 કરોડની સંપત્તિ
આ ચૂંટણીમાં અત્યારસુધીમાં કરોડોના મૂલ્યની મિલકતો જાહેર કરનારા અન્ય નેતાઓમાં સુરત જિલ્લાની મહુવા બેઠકના કોંગ્રેસી ઉમેદવાર હેમાંગિની ગરાસિયા પણ સામેલ છે. હેમાંગિનીબેને તેમના સોગંદનામામાં રૂ. 14.07 કરોડની જંગમ અને રૂ. 7.30 કરોડની સ્થાવર મિલકત જાહેર કરી છે, જ્યારે તેમના પતિના નામે રૂ. 1.20 કરોડની જંગમ અને રૂ. 8.10 કરોડની સ્થાવર મિલકતો​​ છે. બીજી તરફ, આમ આદમી પાર્ટીના માંડવી (કચ્છ)ના ઉમેદવાર કૈલાસભાઈ ગઢવીએ કુલ રૂ. 10.08 કરોડની મિલકત જાહેર કરી છે. આમાં તેમના નામે રૂ. 3.20 કરોડની જંગમ અને રૂ. 2.85 કરોડની સ્થાવર મિલકતો અને તેમનાં પત્નીના નામે રૂ. 1.07 કરોડની જંગમ અને રૂ. 2.96 કરોડની સ્થાવર મિલકતો સામેલ છે.

ગત ચૂંટણીનો 200 કરોડનો રેકોર્ડ કદાચ નહીં તૂટે
તેઓ દસક્રોઈના ગત વખતના કોંગ્રેસના ઉમેદવાર પંકજ પટેલ પછી મિલકતના મામલે બીજા ક્રમના ઉમેદવાર હતા. પંકજ પટેલે 2017ની વિધાનસભા ચૂંટણી વખતે રૂ. 213 કરોડની સંપત્તિ જાહેર કરી હતી. ત્યાર બાદ બોટાદના ભાજપના ઉમેદવાર સૌરભ પટેલ હતા, જેમણે રૂ. 123 કરોડના મૂલ્યની મિલકતો ઘોષિત કરી હતી. ચોથા ક્રમે ભાજપના વઢવાણના ઉમેદવાર ધનજી પટેલ (મેક્સન) હતા, જેમણે રૂ. 113 કરોડની તથા ચાણસ્માના કોંગ્રેસના રઘુ દેસાઈ રૂ. 108 કરોડની મિલકત જાહેર કરીને પાંચમા સૌથી ધનિક ઉમેદવાર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...