ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મધ્ય ગુજરાતમાં આગામી 5 ડિસેમ્બરના રોજ મતદાન યોજાવાનું છે. તેમજ હવે ઉમેદવારી નોંધાવવા માટે આવતીકાલ 17 નવેમ્બરનો એક જ દિવસ બાકી રહ્યા છે. ત્યારે રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારી કરી રહ્યા છે. જેમાં સિદ્ધપુર બેઠક પર ભાજપના ઉમેદવારે 372 કરોડની મિલ્કત જાહેર કરી છે. તો બીજી તરફ ડભોઇ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારે અધધ 343 કરોડની સંપત્તિ જાહેર કરી છે.
સિદ્ધપુરમાં ભાજપના ઉમેદવાર અબજોપતિ
પાટણ જિલ્લાની સિદ્ધપુર બેઠક પર ભાજપના ઉમેદવાર બલવંતસિંહ રાજપુતે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જેમાં તેમણે 372 કરોડની સંપત્તિ જાહેર કરી છે. આ સંપત્તિમાં મોટો હિસ્સો તેમની જંગમ મિલ્કત 266 કરોડનો છે. જ્યારે સ્થાવર મિલ્કત 106 કરોડની જાહેર કરી છે.
ડભોઇમાં આપના ઉમેદવાર માલેતુજાર
વડોદરા જિલ્લાની ડભોઇ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર અજીતસિંહ ઠાકોરે આજે ઉમેદવારીપત્ર ભર્યું હતું. જેમાં તેમણે રેકોર્ડ 343 કરોડની સંપત્તિ જાહેર કરી છે. આ સંપત્તિમાં મોટો હિસ્સો તેમની જમીનનો છે. ઉલ્લેખનીય છે કે ડભોઇમાં ભાજપે શૈલેષ સોટ્ટાને રિપિટ કર્યા છે.
અપક્ષ દિનુમામની સંપત્તિ 65 કરોડ
બીજી તરફ વડોદરા જિલ્લાની કરજણ બેઠક પર ભાજપના ઉમેદવાર અક્ષય પટેલે 3 કરોડ 46 લાખની સંપત્તિ દર્શાવી છે. પાદરામાં અપક્ષ દિનેશભાઇ (દિનુમામા)એ 65 કરોડ 92 લાખની સંપત્તિ જાહેર કરી છે. વડોદરાની અકોટા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર દીપક પાલકરે 23 લાખ 12 હજારની સંપત્તિ જાહેર કરી છે.
વડોદરા સિટી બેઠકના AAP ઉમેદવારની સંપત્તિ માત્ર 58 હજાર
વડોદરાની માંજલપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તસ્વીન સિંઘે 8 કરોડ 45 લાખ 42 હજાર 652ની સંપત્તિ દર્શાવી છે. માંજલપુર બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિનય ચૌહાણે 2 કરોડ 74 લાખની સંપત્તિ જાહેર કરી છે. તો આમ આદમી પાર્ટીના વડોદરા સિટી બેઠકના ઉમેદવાર જીગર સોલંકીએ માત્ર 58 હજારની સંપત્તિ જાહેર કરી છે.
રમેશ ટીલાળાના નામે 56 કરોડ, પત્ની પાસે 115 કરોડ
પોતાના એફિડેવિટમાં 57 વર્ષીય ટીલાળાએ તેમના નામની રૂ. 56.7 કરોડ અને પત્ની હંસાબેનના નામે રૂ. 114.87 કરોડની મિલકતો જાહેર કરી છે. જાણીતા ઉદ્યોગપતિ અને વેપારી ટીલાળા પાસે રૂ. 9.51 કરોડની જંગમ મિલકત અને રૂ. 47.18 કરોડની સ્થાવર મિલકત છે, જ્યારે તેમનાં પત્નીના નામે રૂ. 8.63 કરોડની જંગમ અને રૂ. 106.24 કરોડની સ્થાવર મિલકત છે. ઉલ્લેખનીય છે કે ટીલાળા 171 કરોડની સંપત્તિના માલિક છે, પરંતુ તેમણે સ્કૂલનું શિક્ષણ પણ પૂર્ણ કર્યું નથી. તેઓ અત્યારે શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રિયલ એસોસિયેશનના પ્રમુખ છે. આ ઉપરાંત તેઓ લેઉઆ પટેલ સમુદાયના ધર્મસ્થાન શ્રી ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી પણ છે.
ટીલાળા પાસે 1.28 લાખની કેશ, 3.89 લાખની FD
ટીલાળાની જંગમ મિલકતમાં રૂ. 1.28 લાખની રોકડ, રૂ 3.89 લાખની પાંચ બેંકોમાંની ડિપોઝિટ, આઠ પેઢીમાં રૂ. 2.53 કરોડના મૂલ્યના રોકાણ, રૂ. 10 લાખની જીવન વીમા પોલિસી, રૂ. 6.16 કરોડનો આઠ પેઢીને આપેલો લોન ઉપાડ તથા રૂ. 33 લાખનો એડવાન્સ ટેક્સ પેમેન્ટ સામેલ છે. જ્યારે તેમનાં પત્નીની જંગમ મિલકતોમાં 166 ગ્રામ સોનું, જેનું મૂલ્ય રૂ. 6.20 લાખ, રૂ. 90 હજાર રોકડ, રૂ. 10 લાખની વીમા પોલિસી ઉપરાંત શેર્સ અને લોન ઉપાડ સામેલ છે. અલબત્ત, રમેશ ટીલાળા કે તેમના પત્નીમાંથી કોઈના પણ નામે કોઈ વાહન નથી.
રાજકોટ અને સુરતમાં ટીલાળા પરિવારની ખેતીની જમીન
જ્યારે ટીલાળાની અસ્ક્યામતોમાં રાજકોટ તથા સુરત જિલ્લામાં રૂ. 26.20 કરોડની ખેતીલાયક જમીન, રૂ. 16.31 કરોડની રાજકોટની બિન-ખેતી જમીન તથા રાજકોટના નાના મવા વિસ્તારમાં આવેલા રૂ. 4.48 કરોડના મકાનના મૂલ્યનો સમાવેશ થાય છે. તેમનાં પત્નીની સ્થાવર મિલ્કતમાં રાજકોટ જિલ્લામાં વિભાજિત ખેતીલાયક જમીનના 10 પટ્ટા સામેલ છે, જેનું મૂલ્ય રુ. 67.78 કરોડ થાય છે. આ ઉપરાંત તેમના નામે રાજકોટ શહેરના જ મવડી વિસ્તારમાં આવેલા રૂ. 50 લાખના મૂલ્યના મકાન તથા રૂ. 38 કરોડના મૂલ્યની બિન-ખેતી જમીનના 11 પ્લોટ છે. આમ, હંસાબેનની માલિકીની રૂ. 106 કરોડ કરતાં વધુના મૂલ્યની જમીન છે.
ઈન્દ્રનીલના 2017માં 141 કરોડ, 2022માં 163 કરોડ
અગાઉ 2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસના રાજકોટ (પશ્ચિમ) બેઠકના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરુએ રુ. 141 કરોડની મિલકતો તેમના એફિડેવિટમાં જાહેર કરી હતી. જ્યારે આ વખતે તેમણે રૂ. 163 કરોડની મિલકતો જાહેર કરી છે. 2022ની ચૂંટણીમાં તેઓ રાજકોટ પૂર્વ બેઠક પરથી ઊભા છે. ઈન્દ્રનીલ પાસે પોતાના નામે રૂ. 49.82 કરોડની જંગમ અને રુ. 91.99 કરોડની સ્થાવર મિલકત છે, જ્યારે તેમના પરિવારના નામે રૂ. 17.03 કરોડની જંગમ અને રૂ. 4.08 કરોડની સ્થાવર મિલકત છે. આ વખતે પણ ઈન્દ્રનીલ કદાચ રાજ્યભરમાં સંપત્તિની દૃષ્ટિએ બીજા સૌથી ધનિક ઉમેદવાર હશે.
રાપરના કોંગ્રેસી ઉમેદવાર બચુભાઈની મિલકત 97 કરોડ
કચ્છના રાપરની બેઠક પરથી ઝુકાવી રહેલા કોંગ્રેસી ઉમેદવાર બચુભાઈ અરેઠિયા પણ 100 કરોડની ક્લબમાં સામેલ થતાં સહેજ માટે રહી ગયા છે. બચુભાઈએ તેમના સોગંદનામામાં રૂ. 97 કરોડની મિલકત જાહેર કરી છે. આમાં તેમના નામે રૂ. 54.55 કરોડની જંગમ અને રૂ. 18.30 કરોડની સ્થાવર મિલકત સામેલ છે, જ્યારે તેમનાં પત્ની તથા પરિવારના અન્ય સભ્યોનાં નામે રૂ. 20.63 કરોડની જંગમ અને રૂ. 4 કરોડની સ્થાવર મિલકત નોંધાયેલી છે.
મહુવાના કોંગ્રેસના હેમાંગિની પાસે 31 કરોડની સંપત્તિ
આ ચૂંટણીમાં અત્યારસુધીમાં કરોડોના મૂલ્યની મિલકતો જાહેર કરનારા અન્ય નેતાઓમાં સુરત જિલ્લાની મહુવા બેઠકના કોંગ્રેસી ઉમેદવાર હેમાંગિની ગરાસિયા પણ સામેલ છે. હેમાંગિનીબેને તેમના સોગંદનામામાં રૂ. 14.07 કરોડની જંગમ અને રૂ. 7.30 કરોડની સ્થાવર મિલકત જાહેર કરી છે, જ્યારે તેમના પતિના નામે રૂ. 1.20 કરોડની જંગમ અને રૂ. 8.10 કરોડની સ્થાવર મિલકતો છે. બીજી તરફ, આમ આદમી પાર્ટીના માંડવી (કચ્છ)ના ઉમેદવાર કૈલાસભાઈ ગઢવીએ કુલ રૂ. 10.08 કરોડની મિલકત જાહેર કરી છે. આમાં તેમના નામે રૂ. 3.20 કરોડની જંગમ અને રૂ. 2.85 કરોડની સ્થાવર મિલકતો અને તેમનાં પત્નીના નામે રૂ. 1.07 કરોડની જંગમ અને રૂ. 2.96 કરોડની સ્થાવર મિલકતો સામેલ છે.
ગત ચૂંટણીનો 200 કરોડનો રેકોર્ડ કદાચ નહીં તૂટે
તેઓ દસક્રોઈના ગત વખતના કોંગ્રેસના ઉમેદવાર પંકજ પટેલ પછી મિલકતના મામલે બીજા ક્રમના ઉમેદવાર હતા. પંકજ પટેલે 2017ની વિધાનસભા ચૂંટણી વખતે રૂ. 213 કરોડની સંપત્તિ જાહેર કરી હતી. ત્યાર બાદ બોટાદના ભાજપના ઉમેદવાર સૌરભ પટેલ હતા, જેમણે રૂ. 123 કરોડના મૂલ્યની મિલકતો ઘોષિત કરી હતી. ચોથા ક્રમે ભાજપના વઢવાણના ઉમેદવાર ધનજી પટેલ (મેક્સન) હતા, જેમણે રૂ. 113 કરોડની તથા ચાણસ્માના કોંગ્રેસના રઘુ દેસાઈ રૂ. 108 કરોડની મિલકત જાહેર કરીને પાંચમા સૌથી ધનિક ઉમેદવાર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.