ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગુરુવારથી શરૂ થઈ રહેલી બોર્ડર-ગાવસ્કર સિરીઝની અંતિમ ટેસ્ટના પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થોની એલ્બેનીઝ હાજર રહેશે. પ્રથમ દિવસ માટેની 80 હજાર ટિકિટ ભાજપે 1.97 કરોડમાં ખરીદી હોવાનું સૂત્રોનું કહેવું છે. 20 ટકા ટિકિટો અન્ય પ્રેક્ષકોને વેચવામાં આવશે. મેચના પ્રથમ દિવસે સ્ટેડિયમ સંપૂર્ણ ભરાયેલું રહેશે.
BRTS અને મેટ્રોની ફ્રિકવન્સી બમણી કરવામાં આવશે
ભારતમાં ટેસ્ટ મેચના ટ્રેન્ડને જોતા મોટાભાગના લોકો પ્રથમ 3 દિવસની જ ટિકિટમાં રસ દાખવી રહ્યા છે. મેચ અગાઉ જ બંને દેશના વડાપ્રધાનના પોસ્ટર્સ સ્ટેડિયમ અને આસપાસના વિસ્તારમાં ઠેર-ઠેર લગાવવામાં આવ્યા છે. મેચના દિવસો દરમિયાન લોકોને સ્ટેડિયમ આવવા અને જવાના સમયે મુશ્કેલી ના નડે તે માટે BRTS અને મેટ્રોની ફ્રિકવન્સી બમણી કરવામાં આવશે.
પ્રેક્ષકો સવારે 5થી એન્ટ્રી લઈ શકશે
મેચ સવારે 9.30 વાગ્યે શરૂ થશે. પરંતુ પ્રેક્ષકોને સવારે 5 વાગ્યાથી જ એન્ટ્રી આપવાનું શરૂ કરી દેવાશે. સેકટર - 1 ના અધિક પોલીસ કમિશનર નિરજ બડગુજરે જણાવ્યું કે, પ્રેક્ષકો મોબાઈલ ફોન અને પર્સ સિવાય બીજી કોઈ વસ્તુ સ્ટેડિયમની અંદર લઈ જઈ શકશે નહીં.
જનપથ ટીથી સ્ટેડિયમ રોડ બંધ
મેચના દિવસોમાં જનપથ ટી થી મોટેરા સ્ટેડિયમના મુખ્ય ગેટ થઇ કૃપા રેસિડેન્સી ટી થઇ મોટેરા ટી સુધીનો રસ્તો વાહનચાલકો માટે સંપૂર્ણ બંધ રહેશે. વાહનચાલકો વૈકલ્પિક રૂટ તરીકે તપોવન સર્કલથી વિસત ટી થી ઓએનજીસી ચાર રસ્તાથી જનપથ ટી થઇ પાવર હાઉસ થઇ પ્રબોધરાવળ સર્કલ સુધી અવર-જવર કરી શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.