ભારે નારાજગી:અમદાવાદમાં ઢોર પકડવાની કામગીરીથી ભાજપના સત્તાધીશો CNCD વિભાગના વડાથી નારાજ, રોડ પરથી ઢોર દૂર કરવા સુચના

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • ભાજપના સત્તાધીશો અને ઢોર પકડવાની કામગીરી કરતા વિભાગ તેમજ પોલીસ અધિકારીઓ વચ્ચે આજે બેઠક યોજાઇ
  • ત્રણ મહિના પહેલા 100 જેટલા ઢોર પકડતી આજ ટીમો હવે માત્ર 40 ઢોર પકડતાં અધિકારીઓ પાસે જવાબ માંગવામાં આવ્યો

અમદાવાદ શહેરમાં રસ્તે રખડતા ઢોરની અનેક ફરિયાદો અવારનવાર સામે આવે છે. રખડતા ઢોરને લઈ અકસ્માત અને લોકોને હેરાનગતિના અનેક કિસ્સા બને છે. આજે મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના શાસકો અને હેલ્થ એન્ડ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટી હેઠળ આવતા ઢોર પકડતી પાર્ટી ( CNCD ) વિભાગના અધિકારીઓ અને કોર્પોરેશનના પોલીસ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઇ હતી. ભાજપના શાસકોએ CNCD વિભાગના વડા નરેશ રાજપૂતને ઢોર પકડવાની નબળી કામગીરીને લઇને નારાજગી વ્યક્ત કરી હતી. શહેરમાં ત્રણ મહિના પહેલા 100થી વધુ ઢોર CNCD વિભાગ પકડતું હતું પરંતુ હવે માત્ર 40થી 45 ઢોર પકડાતા ભાજપના સત્તાધીશો નારાજ થયા હતા. નરેશ રાજપૂત પાસે CNCD વિભાગ ઉપરાંત પૂર્વ ઝોનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરનો હવાલો છે જેથી બેમાંથી એક જ ચાર્જ તેમની પાસે રાખી અને કામગીરી કરવા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરાશે.

CNCD વિભાગની અલગથી જ બેઠક
આજે હેલ્થ એન્ડ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના અધિકારીઓ અને ભાજપના સત્તાધીશો વચ્ચે મેરાથોન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. હેલ્થ એન્ડ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ માં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ અને આરોગ્ય તેમજ CNCD વિભાગ આવે છે. ભાજપના સત્તાધીશોએ CNCD વિભાગની અલગથી જ બેઠક બોલાવી હતી તેમાં વિભાગના વડા નરેશ રાજપૂત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને ડીવાયએસપી રોહિત ડોડીયા સહિતના અધિકારીઓને હાજર રાખવામાં આવ્યા હતા. શહેરમાં રખડતા ઢોરની અનેક ફરિયાદો ઉઠવા પામી હતી. તાજેતરમાં જ એક યુવતી ને ગાય અડફેટે લેતા શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી અને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. ઢોર પકડવા ની કામગીરી અંગે નો રીવ્યુ લેવામાં આવ્યો હતો જેમાં રોજની હવે 45 જેટલી ગાયો પકડવા માં આવતી હોવાને લઇને ભાજપના સત્તાધીશોએ નારાજગી વ્યક્ત કરી હતી.

ઢોર પકડવા 13 ટીમો બે શિફ્ટમાં કામ કરે છે
મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ નરેશ રાજપૂત ની ટીમ દ્વારા નબળી કામગીરી કરવામાં આવે છે જેના પગલે વધુ સારી કામગીરી કરવા અને તેમની પાસે બે ચાર્જ માંથી એકનો ચાર્જ સંભાળી કામગીરી કરવા જણાવ્યું હતું. શહેરમાં ઢોર પકડવા માટે 13 જેટલી ટીમો બે શિફ્ટમાં કામ કરે છે. હવેથી રોજના 100 જેટલા ઢોર પકડવા માટે CNCD વિભાગને સૂચના આપી છે. ઢોર પકડવાની કામગીરી દરમિયાન જે પણ બાઈક પર દ્વારા હાથમાં લાકડી લઇ અને સાથે આગળ ઢોર ભગાડવામાં આવે છે તેમાં જો એક નું એક બાઈક બીજી કે ત્રીજી વખત દેખાય તો તેનો ફોટો પાડી અને પોલીસ ફરિયાદ નોંધાવવા માટે સુચના આપવામાં આવી છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને સાથે રાખી અને સરકારી કામગીરીમાં અડચણ નો ગુનો આવા બાઈકર્સ સામે નોંધાવવા અધિકારીઓને સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...