ભાજપે વધુ છ ઉમેદવારનાં નામ જાહેર કર્યાં:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ મહેન્દ્ર પાડલિયાને ધોરાજીથી ટિકિટ મળી, ખંભાળિયાથી મુળુ બેરા ચૂંટણી લડશે

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022ને માત્ર થોડાક દિવસો બાકી છે, તો ગુજરાતની પ્રજા, ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ ભાજપ તરફથી કયા ઉમેદવારો ઊભા રહેશે એ જાણવા ઉત્સુક બન્યા હતા. ત્યારે ભાજપે પણ પોતાના 160 ઉમેદવારનાં નામની જાહેરાત કરી દીધી હતી. આજે વધુ 6 ઉમેદવારનાં નામની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ખંભાળિયાથી મુળુ બેરા, કુતિયાણાથી ઢેલીબેન ઓડેદરા, ધોરાજીથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ મહેન્દ્ર પાડલિયા, ભાવનગર પૂર્વથી સેજલ પંડ્યા, દેડિયાપાડાથી હિતેશ વસાવા, ચોર્યાસીથી સંદીપ દેસાઈને ટિકિટ આપવામાં આવી છે.

વિભાવરી બહેન દવેની ટિકિટ કપાઈ ​​​​​​
ભાજપે ગુરુગોવિંદ યુનિવર્સિટી ગોધરા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ તથા રાજકોટ જિલ્લા ભાજપમાં પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા ડો. મહેન્દ્ર પાડલીયાને ધોરાજી બેઠક પર ટીકિટ આપી છે. જ્યારે ભાવનગર પૂર્વ પરથી વિભાવરી બહેન દવેની ટીકિટ કપાઈ છે.

ધોરાજી બેઠક પર હવે બે પાટીદારો વચ્ચે જંગ જામશે
ધોરાજી બેઠક પર કોંગ્રેસમાંથી લલિત વસોયાને રીપિટ કરવામાં આવ્યાં છે. ભાજપે કડવા પટેલની આ જૂની સીટ કબજે કરવા શિક્ષિત ઉમેદવાર તરીકે મહેન્દ્ર પાડલીયાને ઉમેદવાર જાહેર કર્યા છે. ધોરાજી-ઉપલેટા બેઠક ઉપર કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાને હરાવી શકે તેવા ઉમેદવાર માટે ગતમોડી રાત સુધી દિલ્હીમાં મનોમંથન ચાલ્યુ હતુ.અગાઉ કડવા પટેલ પાસે રહેલી બેઠક 2017માં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો.

ભાજપે કુલ 16 મહિલાઓને ટીકિટ આપી
ભાજપે પહેલી યાદીમાં 14 મહિલાઓને ટીકિટ આપી છે. જ્યારે બીજી યાદીના 6 ઉમેદવારોમાં બે મહિલાને ટીકિટ મળી છે. જેમાં ભાવનગર પૂર્વ સીટ પર વિભાવરીબેન દવેની જગ્યાએ હવે સેજલબેન પંડ્યાને ટીકિટ મળી છે. તે ઉપરાંત કુતિયાણા બેઠક પર ઢેલિબેન ઓડેદરાને ટીકિટ આપવામાં આવી છે.

આ વખતે પાંચ અનાવિલ ચૂંટણી મેદાનમાં
ગુજરાતની ચૂંટણીમાં આ વખતે પાંચ અનાવિલ બ્રાહ્મણોને ટીકિટ આપવામાં આવી છે. જેમાં ભાજપમાંથી ચાર અને કોંગ્રેસમાંથી એકને ટીકિટ મળી છે. ભાજપે ચોર્યાસી બેઠક પર ઝંખના પટેલની ટીકિટ કાપીને સંદિપ દેસાઈને ટીકિટ આપી છે.

ભાજપની પહેલી યાદીમાં જાહેર થયેલા ઉમેદવારો