તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નજર હટી દુર્ઘટના ઘટી:ત્રણ વર્ષમાં અમદાવાદ એરપોર્ટ પર 59 વખત બર્ડ હીટની ઘટના ઘટી, અનેક મુસાફરોના જીવ જોખમમાં મૂકાયા હતા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્લેનનું ટાયર ફાટવું, એન્જીનમાંથી ધુમાડો તેમજ 2 વિમાન સામસામે આવી જવા જેવી ઘટનાઓ પણ ઘટી
  • 2017-18માં ગાયો અને 2019-20માં વાંદરા અમદાવાદ એરપોર્ટના ઓપરેશનલ એરિયા સુધી પહોંચી ગયા હતા

ગઈકાલે અમદાવાદથી બેંગલુરુ જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં ટેકઓફ સમયે એક પક્ષી સાથે ધડાકાભેર અથડાયું હતું. જેના પગલે ફાયર ટીમ, ક્વિક રિસ્પોન્સ ટીમ સહિત અન્ય સુરક્ષા એજન્સીઓ અલર્ટ મોડ પર આવી ગઈ હતી. જોકે અમદાવાદ એરપોર્ટ પર આ પહેલી ઘટના નથી. અહીં આવા અનેક કિસ્સાઓ બનતા રહે છે. છેલ્લા ત્રણ વર્ષની વાત કરીએ તો અહીં કુલ 59 બર્ડહીટની ઘટના ઘટી છે. આ સિવાય અનેક અન્ય દુર્ઘટનાઓના કારણે પણ એરપોર્ટ ચર્ચામાં રહ્યું છે. જેમ કે, ટાયર ફાટવું, એન્જીનમાંથી ધુમાડા નીકળા તેમજ રનવે પર 2 વિમાન સામસામે આવી જવા જેવી ઘટનાને પગલે હજારો પ્રવાસીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. અમદાવાદ ઉપરાંત વડોદરા, રાજકોટ, સુરત, કંડલા એરપોર્ટ પર બર્ડહીટની ઘટનાઓ નોંધાઈ છે.

ચોમાસા દરમિયાન સતત બર્ડ હીટની ઘટનાઓ નોંધાય છે
ચોમાસા દરમિયાન સતત બર્ડ હીટની ઘટનાઓ નોંધાય છે

અમદાવાદમાં ચોમાસામાં વધુ બર્ડ હીટ થાય છે
અમદાવાદ એરપોર્ટ પર ચોમાસા દરમિયાન સતત બર્ડ હીટની ઘટનાઓ નોંધાય છે. બર્ડહીટની ઘટનાઓ ન બને તે માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા સતત પગલા લેવામાં આવે છે તેમ છતાં અમદાવાદ એરપોર્ટ પર બર્ડ હીટની ઘટનાઓમાં વધારો નોંધાયો છે. એરપોર્ટની આજુબાજુના વિસ્તારોમાં નોનવેજની લારીઓ પક્ષીઓની અવરજવર રહેતી હોય છે. એરપોર્ટ પર બર્ડ હીટની ઘટના ન બને તે માટે લગભગ સાડા ત્રણ કિલોમીટર લાંબા રનવેની બંને બાજુએ લીલું ઘાસ કાપવામાં આવ્યું છે. તેની સાથે જ રનવે પર 15 જેટલા કર્મચારીઓ મુકવામાં આવ્યા છે જેઓ ફ્લાઈટના ટેકઓફ અને લેન્ડિંગ પહેલા ફટાકડા ફોડી પક્ષીઓને ભગાડવાની કામગીરી કરે છે. એ જ રીતે એરપોર્ટની આજુબાજુના વિસ્તારમાં આવેલા રહેણાંક વિસ્તારોના લોકો જ્યાં ત્યાં કચરો ન નાખે તે માટે તેમને કચરો એકત્ર કરવા ડબ્બો આપવામાં આવ્યો છે.

ગાયો અને વાંદરા અમદાવાદ એરપોર્ટના ઓપરેશનલ એરિયા સુધી પહોંચી ગયા હતા
ગાયો અને વાંદરા અમદાવાદ એરપોર્ટના ઓપરેશનલ એરિયા સુધી પહોંચી ગયા હતા

રનવે પર નાના-નાના પ્રાણીઓ પણ ઘૂસી આવે છે
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આરટીઆઈના જવાબમાં આપવામાં આવેલી માહિતી મુજબ વર્ષ 2017-18માં ગાયો અને 2019-20માં વાંદરા અમદાવાદ એરપોર્ટના ઓપરેશનલ એરિયા સુધી પહોંચી ગયા હતા. તેની સામે 2018-19માં વડોદરા એરપોર્ટના ઓપરેશનલ એરિયામાં શાહુડી મૃત અવસ્થામાં મળી આવી હતી. જ્યારે 2019-20માં સુરત એરપોર્ટના રનવે પરથી બે શિયાળ મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. અન્ય એરપોર્ટ પરથી પણ નાના પ્રાણીઓ કૂતરા, શિયાળ, સસલું વગેરે પ્રાણીઓ મળી આવ્યા હતા. એજ રીતે ફ્લાઈટ મુવમેન્ટ માટે બર્ડ હીટની ઘટના પણ ભયજનક માનવામાં આવે છે.

ગો એરની ફ્લાઇટના એન્જીનમાંથી ધુમાડા નીકળવાના શરૂ થઈ ગયો હતો
ગો એરની ફ્લાઇટના એન્જીનમાંથી ધુમાડા નીકળવાના શરૂ થઈ ગયો હતો

ત્રણ વર્ષમાં ત્રણ મોટી દુર્ઘટના ટળી
19 ફેબ્રુઆરી 2020:
બર્ડ હીટ અને પ્રાણીઓના એરપોર્ટ પર આવવાની સાથે ફ્લાઈટમાં ટેક ઓફ તેમજ રન-વે સમયે પણ કેટલીક દુર્ઘટના સર્જાય છે. જેમાં વર્ષ 2018, 2019 તેમજ 2020માં ત્રણ મોટી દુર્ઘટના ટળી હતી. આ દુર્ઘટનામાં હજારો લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. 19 ફેબ્રુઆરી 2020ના રોજ અમદાવાદ એરપોર્ટ પર 9.30 કલાકે બેંગલોર જવા માટે ગો એરની ફ્લાઇટે ઉડાન ભરી હતી. ટેક ઓફ થતાની સાથે ગો એરની ફ્લાઇટના એન્જીનમાંથી ધુમાડા નીકળવાના શરૂ એર ટ્રાફિક કંટ્રોલ દ્વારા તાત્કાલિક ફ્લાઇટને લેન્ડ કરવા દીધી હતી. ફ્લાઇટ લેન્ડ થતાની સાથે એરપોર્ટ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં કરી લીધી હતી.

એરપોર્ટ પર એક જ રનવે પર 2 વિમાન સામસામે આવી ગયા હતા
એરપોર્ટ પર એક જ રનવે પર 2 વિમાન સામસામે આવી ગયા હતા

12 જુલાઈ 2019: આ દિવસે અમદાવાદ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના થતા થતા રહી ગઇ હતી. આ દુર્ઘટના જો બની હોય તો 250 જેટલા પ્રવાસીઓનો જીવ જોખમમાં મૂકાયો હતો. પરંતુ સદ્દનસીબે અમદાવાદ એરપોર્ટ પર દુર્ઘટના ટળી ગઇ છે અને 250 જેટલા પ્રવાસીઓનો આબાદ બચાવ થયો છે. આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ એરપોર્ટ પર એક જ રનવે પર 2 વિમાન સામસામે આવી ગયા હતા. વિમાન ઓછોરિટીની ભૂલના કારણે આ ઘટના બની હતી. જ્યાં એક ફ્લાઇટને ટેક ઓફ કરવા લીલીઝંડી મળી હતી, ત્યાં જયપુરની સ્પાઈસ જેટની ફ્લાઈટ પણ તે જ રનવે પર સામે આવી હતી. આ ઘટનામાં એર ટ્રાફિક કન્ટ્રોલના સ્ટાફની સતર્કતાએ મોટી દુર્ઘટના થતી અટકી હતી, અને તમામ પ્રવાસીઓનો જીવ બચ્યો હતો. જો સમયસર પાઈલોટને જાણ ન થઈ હોત તો આજે અમદાવાદ એરપોર્ટ પર મોટી હોનારત સર્જાઇ હોત. સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આ દુર્ઘટના ટળી હતી.

અમદાવાદથી બેંગકોંગ જઈ રહેલી ફ્લાઈટના ટાયરમાં ખામી સર્જાઈ હતી
અમદાવાદથી બેંગકોંગ જઈ રહેલી ફ્લાઈટના ટાયરમાં ખામી સર્જાઈ હતી

02 જૂન 2018: 2 જૂન 2018ના રોજ અમદાવાદ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટનામાં 127 મુસાફરોનો જીવ જોખમમાં મુકાયો હતો. અમદાવાદથી બેંગકોક જઈ રહેલી ફ્લાઈટનું ટાયર ફાટ્યું હતું. અમદાવાદથી બેંગકોંગ જઈ રહેલી SG 85 નંબરની ફ્લાઈટના ટાયરમાં ખામી સર્જાઈ અને ફ્લાઈટને ગ્રાઉન્ડ કરવામાં આવી હતી. ત્યારે અચાનક જ ફ્લાઈટનું ટાયર ફાટ્યું હતું. આ ફ્લાઈટ રન વે પર હોવાને કારણે અન્ય 50 ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ હતી. ત્યારે 127 મુસાફરના જીવ બચાવી લેવામાં આવ્યા હતા અને મુસાફરો માટે બીજી ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...