એક્સક્લુઝિવ વાતચીત:ઇન્ટરનેશનલ લૉ કમિશનના સભ્ય બિમલ પટેલે કહ્યું, ડ્રગ્સ મામલે કાયદા તો છે પરંતુ અમલીકરણ મોટો પડકાર

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આંતરરાષ્ટ્રીય સ્તરે ચૂંટણી જીત્યા બાદ પ્રથમવાર બિમલ પટેલે દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરી

ઇન્ટરનેશનલ લૉ કમિશનમાં પહેલીવાર ગુજરાતની રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીના કુલપતિ બિમલ પટેલ સૌથી વધારે મતથી એશિયા પેસિફિક વિસ્તારના દેશમાંથી ચૂંટાઈ આવ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચૂંટણી જીત્યા બાદ પ્રથમવાર તેમણે દિવ્ય ભાસ્કર સાથે વાત કરી હતી. જ્યાં તેમને ન માત્ર આવનારા પાંચ વર્ષમાં પોતાના ટાર્ગેટ પરંતુ ભારત અને ગુજરાત માટે ડ્રગ્સની હેરફેર કે જે સૌથી ગંભીર અને ચિંતાનો વિષય છે,તે બાબતે પણ મહત્વપૂર્ણ વાત કહી.

બિમલ પટેલે કહ્યું, ડ્રગ્સની હેરાફેરીને રોકવા માટેના કાયદા આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે પણ છે. પરંતુ આ કાયદાઓનું પાલન એ સૌથી મોટો પડકાર છે. કાયદાઓનો કડક રીતે અમલ થાય તે માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતે જ્યાંથી નશીલા પદાર્થોની હેરફેર થાય છે, તેમની આંતરરાષ્ટ્રીય સહકારનું સ્ટ્રક્ચર બનાવી વાતચીત કરવી જોઈએ, જેથી તેનો સામનો કરી શકાશે. આ પ્રકારની સમસ્યા અગાઉ યુરોપ અને અમેરિકા કરી ચૂક્યું છે અને હાલ પણ કરી રહ્યું છે, જેમાંથી આપણે શીખી શકીએ છીએ. સાથે સાથે દરિયાઈ માર્ગોમાં ચાંચિયાઓની ગતિવિધિઓનો મુદ્દો પણ ઇન્ટરનેશનલ લૉ કમિશન સામે છે, જેના પર અભ્યાસ થવો જરૂરી છે. જેથી UN અને સંયુક્ત સુરક્ષા પરિષદ કાર્યવાહી કરી શકે.

'દરેક દેશ પાસે ડ્રગ્સ અને નશીલા પદાર્થની હેરફેર સામે કાયદા છે'
તેમણે કહ્યું, ડ્રગ્સ અને નશીલા પદાર્થની હેરફેર સામે દરેક દેશ પાસે તેના કાયદા છે, પરંતુ કોઈ દેશ તેનો અમલ જાણી જોઈને ન કરતું હોય તો, તે દેશ સામેનો રિપોર્ટ સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિમાં કરી શકાય. જો કોઈ દેશ સાથ સહકાર ન આપે અને પોતાના જ કાયદા-કાનૂનનું પાલન ન કરે તો વિશ્વ માટે શાંતિ અને સલામતી પર જોખમ રહેલું છે.

'5 દિવસમાં 65 દેશના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી'
બિમલ પટેલે વધુમાં ઉમેર્યું કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. આ બાબતે વિશ્વના ઘણા બધા દેશો ભારતની સાથે છે, મને વ્યક્તિગત રીતે ખાતરી છે કે ભારતને કાયમી સભ્યપદ મળશે જ. જ્યારે નેશનલ લૉ કમિશનની ચૂંટણી માટે અન્ય દેશો સાથે કેમ્પિંગ કર્યું, તે સમયે જાણ્યું કે અન્ય દેશોની ઈચ્છા પણ છે કે ભારતને કાયમી સુરક્ષા પદ મળે. કારણ કે ભારતમાં ભારતનું મજબૂત નેતૃત્વ છે, જેની અસર ઇન્ટરનેશનલ લૉ કમિશનની ચૂંટણીના કેમ્પેઈન દરમિયાન જોવા મળી હતી. કેમ્પેઈન દરમિયાન કુલ 109 દેશ સાથે પ્રત્યક્ષ કે ઓનલાઈન સંપર્ક કર્યો, ઉપરાંત માત્ર પાંચ દિવસમાં 65 દેશના પ્રતિનિધિઓ સાથે મુલાકાત પણ કરી હતી.

'આંતરરાષ્ટ્રીય સ્તરે યોગ્ય કાયદાની જરૂર છે'
બિમલ પટેલ તેમના કાર્યકાળ દરમિયાન મુખ્ય ત્રણ વાત પર ભાર મૂકવાનો પ્રયાસ કરશે. જેમાં વિશ્વભરમાં સી લેવલ રાઈઝ, એટલે કે દરિયાઇ જળ સપાટીનું સ્તર ઊંચું આવી રહ્યું છે. જેના કારણે વિશ્વના કેટલાક એવા વિસ્તારો છે કે જે નષ્ટ થઈ શકે છે. વિશ્વના અલગ અલગ દેશમાં દરિયાઈ જળ સપાટી ઉંચી આવવાના કારણે મેરીટાઇમ બોર્ડર પણ બદલાઈ જશે, તેને કેવી રીતે સેટલ કરવું. ઉપરાંત જળ સપાટી વધવાના કારણે લાખો લોકો બેઘર થશે. આ ખૂબ મોટી ચિંતાનો વિષય છે. જેથી આ બાબતે આંતરરાષ્ટ્રીય સ્તરે યોગ્ય કાયદાની જરૂર છે. આ સિવાય સૌથી મોટી વાત એ છે કે યુનાઇટેડ નેશન અને તેની વિવિધ કમિટીઓ વચ્ચે સંકલનનો અભાવ જોવા મળે છે, જેથી વિવિધ દેશના કાયદાના જાણકારો સાથે મળી આ સમિતિઓ જોડે સંકલન સાધવાનો પ્રયાસ કરશે.

'હાલમાં કોરોના મહામારી ખુબ મોટી અને ગંભીર સમસ્યા છે'
કોરોનાની મહામારી અંગે વાત કરતા બિમલ પટેલે કહ્યું, વર્તમાન સમયમાં કોરોના મહામારી એ પણ ખૂબ મોટી અને ગંભીર સમસ્યા છે. જ્યારે કોઈ મોટી સમસ્યા આવતી હોય છે ત્યારે ઇન્ટરનેશનલ લૉ કમિશનર તેના સભ્યોની સાથે મળીને તેનો અભ્યાસ કરતું હોય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા, યુનાઇટેડ નેશન કે સંયુક્ત સુરક્ષા મહાસભાને આ બાબતો અંગે સલાહ માર્ગદર્શન આપી શકે છે. મહામારી સમયમાં દરેક દેશે પોતાની રીતે વિપરીત પરિસ્થિતિનો સામનો કર્યો છે. જો એક દેશ બીજા દેશ સાથે મહામારી સામે કેવી રીતે લડત આપી તે અંગે માહિતગાર થાય, તો તેનો અભ્યાસ કર્યા બાદ સંયુક્ત રાષ્ટ્રને આંતરરાષ્ટ્રીય સ્તરે એક કાયદો બની શકે છે.

અન્ય સમાચારો પણ છે...