આવી કમાલ તો ગુજરાતી જ કરી શકે:પેટ્રોલથી ચાલતી બાઇકને સરળતાથી બનાવી શકાશે ઇલેક્ટ્રિક, આ કિટ લગાવવાથી પેટ્રોલ ખર્ચ 90% ઘટશે

અમદાવાદ6 મહિનો પહેલાલેખક: આનંદ મોદી

હાલ પેટ્રોલના ભાવ આસમાને પહોંચ્યા છે અને બીજી તરફ વધુ વાહનોને કારણે ધ્વનિ તથા વાયુ પ્રદૂષણ પણ વધ્યું છે. એને લઈને ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ વધ્યું છે. ત્યારે લોકોની પાસે ઇંધણથી ચાલતું વાહન હોય તો એ પણ હવે ઇલેક્ટ્રિક વાહનની જેમ બેટરીથી ચલાવી શકાશે. અમદાવાદના યુવક વિપુલ પટેલે રેટ્રોફિટ ઇલેક્ટ્રિક કિટ બનાવી છે, જે કોઈપણ ટૂ-વ્હીલરમાં લાગી જશે અને ટૂ-વ્હીલર ઇલેક્ટ્રિક વાહનની જેમ ચાલશે. આ કિટ લગાવવાથી હવે પેટ્રોલનો ખર્ચમાં 90 ટકા સુધીનો ઘટાડો થશે.

વિપુલ પટેલે રેટ્રોફિટ ઇલેક્ટ્રિક કિટ માટે IPR(ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ)માં પેટન્ટ પણ કરાવી દીધી છે. ગુજરાત યુનિવર્સિટીના GUSEC(ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ અને એન્ટ્રપ્રિન્યોરશિપ કાઉન્સિલ)માં આ મોડલને લઈને વિપુલ પટેલે અરજી કરી હતી. 10 દિવસમાં આ મોડલ માટે મંજૂરી મળી ગઈ હતી. સરકાર તરફથી ફંડ પણ પણ મળ્યું હતું. ગુજરાત યુનિવર્સિટીએ મેનેજમેન્ટ, રાઇટ્સ, મેન્યુફેક્ચરિંગ સહિતમાં મદદ કરી હતી. શરૂઆતમાં 4 લાખની ગ્રાન્ટ પણ મળી ગઈ છે અને બીજી ગ્રાન્ટ મંજૂર થઈ ગઈ છે, જે ટૂંક સમયમાં મળી જશે. અત્યારે આ કિટનું ઓનલાઇન પ્રી-બુકિંગ થઈ રહ્યું છે. www.wheelectric.in નામની વેબસાઈટ પર આ કિટ અંગેની તમામ માહિતી અને બુકિંગની વિગતો મૂકવામાં આવી છે. આ વેબસાઈટ પરથી અત્યારે બુક કરાવી શકાશે.