વિજય રૂપાણીએ શનિવારે અચાનક મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપ્યું તે ગુજરાતના રાજકારણીઓ જ નહીં પરંતુ પ્રજા માટે પણ સરપ્રાઈઝિંગ રહ્યું છે. જે રીતે સવારે સરદારધામના કાર્યક્રમમાં રૂપાણી સ્ટેજ પર હતા અને સંબોધન કરીને ડાયરેક્ટ રાજભવન પહોંચ્યા અને રાજીનામાંની જાહેરાત કરી તેનાથી બધા ચોંકી ગયા હતા. અલબત્ત, સરપ્રાઈઝ આપવું અને છેક સુધી રહસ્ય જાળવી રાખવું એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની USP એટલે કે યુનિક સેલિંગ પોઈન્ટ છે. 2016ની જેમજ આ વખતે પણ મોદીએ સરપ્રાઇઝ આપ્યું છે. અનેક નામોની ચર્ચા જોરશોરથી ચાલી રહી હતી ત્યારે મુખ્યમંત્રીની રેસમાં જ નહોતા એવા ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
અટલજીએ 2001માં મોદીને સરપ્રાઈઝ આપી હતી
આમ જોઈએ તો સરપ્રાઈઝ આપવાની આ ટ્રીક નરેન્દ્ર મોદી ભાજપના ભીષ્મ પિતામહ અટલ બિહારી વાજપેયી પાસેથી શીખ્યા હતા. મોદીએ ખુદ એક સમયે જણાવ્યું હતું કે, 2001માં તેઓ દિલ્હીમાં એક પત્રકારની અંતિમવિધિમાં ગયા હતા ત્યારે PMOમાંથી તેમને ફોન આવ્યો હતો. સામેથી અધિકારીએ કહ્યું હતું કે, અટલજી તમને મળવા માગે છે તો તમે તુરંત આવો. મોદી સ્મશાનેથી સીધા PMO ગયા ત્યારે અટલજીએ તેમને કહ્યું હતું કે, "નરેન્દ્રભાઈ... આપ કો ગુજરાત જાના હૈ ઔર વહાં સંભાલના હૈ.."
શાહના નામની ચર્ચા વચ્ચે આનંદીબેનને CM બનાવ્યા
નરેન્દ્ર મોદી 2014માં લોકસભા ચૂંટણી જીત્યા અને ગુજરાતના CMમાંથી દિલ્હીમાં PM ગયા ત્યારે ગુજરાતમાં તેમના અનુગામી કોણ બનશે તે મુદ્દો ચર્ચાની ચરમસીમાએ હતો. બધાને તે વખતે લાગતું હતું કે, મોદીના અત્યંત વિશ્વાસુ અમિત શાહને જ CM બનાવવામાં આવશે. પરંતુ તે વખતે મોદીએ ફરી સરપ્રાઈઝ આપતા આનંદીબેન પટેલને CM બનાવ્યા હતા. એવું પણ મનાતું હતું કે, પોતાને ગુજરાતની ગાદી ન મળતા અમિત શાહ નારાજ થયા હતા પણ એ અટકળોનેય મોદીએ ખોટી પાડી હતી.
અમિત શાહને 2019માં કેન્દ્રિય ગૃહમંત્રી બનાવી ફરી ચોંકાવ્યા
ભાજપ 2019ની લોકસભા ચૂંટણીમાં એકલા હાથે 300થી વધુ બેઠકો જીતીને કેન્દ્રમાં ફરી સત્તા પર આવ્યો હતો. આ ચૂંટણીમાં અમિત શાહની ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની વ્યૂહરચનાની ખૂબ પ્રશંસા થઈ હતી. જે રીતે કપરા સ્થાનો પર અમિત શાહે સ્ટ્રેટેજી ઘડીને ભાજપનો ભગવો લહેરાવ્યો તે કાબિલેદાદ હતો. કદાચ આ બાબતની જ નોંધ લઈને મોદીએ 2019ની સરકારની રચનામાં અમિત શાહને નંબર-ટુનું સ્થાન આપતાં કેન્દ્રીય ગૃહમંત્રી બનાવ્યા હતા, જેનાથી ફરી રાજકીય વિવેચકોમાં આશ્ચર્ય ફેલાયું હતું.
રૂપાણીનું બેનના અનુગામી તરીકેનું સિલેક્શન પણ સરપ્રાઈઝિંગ
પાટીદાર અનામત આંદોલનના કારણે તત્કાલીન CM આનંદીબેન પટેલ સામે ખૂબ નારાજગી ફેલાઈ હતી. પાટીદાર સમુદાય પણ ભાજપ સરકાર સામે ભારોભાર ક્રોધિત હતો. આવામાં આનંદીબેનનું રાજીનામું લેવાયું તો તેમના અનુગામી પણ પાટીદાર જ હશે તેવું બધાને લાગતું હતું. પરંતુ વિજય રૂપાણી જેવા જૈન સમુદાયના નેતા કે જેમની માસ્ટરી સંગઠનમાં જ હતી તેમને વહીવટની લગામ સોંપીને મોદીએ ફરી સરપ્રાઈઝ આપી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.