કામ કરતી સરકાર બનશે?:ભૂપેન્દ્ર પટેલની સરકાર કેશુભાઈના માર્ગે, 100 દિવસનો જનકલ્યાણનો પ્લાન તૈયાર કરવા મંત્રીઓ અને અધિકારીઓને સૂચના

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1995માં કેશુભાઈ પટેલની સરકારમાં 100 દિવસનો પ્લાન તૈયાર કરવામાં નરેન્દ્ર મોદી પણ સામેલ હતા
  • વિધાનસભાની ચૂંટણી આવી રહી હોવાથી પટેલ સરકાર શાસનના પ્રથમ 100 દિવસ ફાસ્ટ્રેક મોડ પર આવશે?

ગુજરાતમાં નવી બનેલી ભુપેન્દ્ર પટેલ સરકારનો 100 દિવસનો જન કલ્યાણનો પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેમાં તમામ મંત્રીઓ, વિભાગના અધિકારીઓ ઉપરાંત ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસેથી અભિપ્રાય, સૂચનો સહિતની વિગતો મંગાવવામાં આવી રહી છે. અગાઉ 1995માં પ્રથમ વખત કેશુભાઈ પટેલની સરકાર સમયે શાસનના 100 દિવસનું પ્લાનિંગ કર્યું હતું. એ દરમિયાન સંગઠનમાંથી હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સામેલ હતાં.

સમસ્યાઓના નિકાલ માટે ખાસ વ્યવસ્થા ગોઠવાઈ
ગુજરાતમાં મુખ્યમંત્રી સહિત આખી સરકાર નવી બનાવવામાં આવ્યા બાદ સરકાર ધીમે ધીમે એકશન મોડ પર આવી રહી છે. તે સંજોગોમાં વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રજા લક્ષી યોજનાઓની સાથે દરેક જિલ્લા-તાલુકાની સમસ્યાઓના નિકાલ માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે, તેમાં પણ સરકાર અને સંગઠનના આગેવાનો ભેગા મળીને પ્રજાની વચ્ચે જઈ તેમના પ્રશ્નો સાંભળી ઉકેલવાની કામગીરી શરૂ કરી દીધી છે.

અધિકારીઓ અને મંત્રીઓને પ્લાનની તૈયારી કરવા સૂચના અપાઈ ( ફાઈલ ફોટો)
અધિકારીઓ અને મંત્રીઓને પ્લાનની તૈયારી કરવા સૂચના અપાઈ ( ફાઈલ ફોટો)

વિભાગો દીઠ અભિપ્રાય માગવામાં આવ્યા
ગુજરાતમાં આગામી ડિસેમ્બર 2022માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે જૂની સરકાર સામેનો પ્રજાનો રોષ ઓછો કરવાની સાથે જૂની સરકારના નિર્ણયો, યોજનાઓ આગળ વધારવા કે નહીં તે અંગે પણ નવી પટેલ સરકારમાં ચર્ચાઓ ચાલી રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર અત્યારે 100 દિવસની તૈયારીમાં લાગી ચૂકી છે. શાસનના 100 દિવસમાં શું થઇ શકે છે,કયા બાકી કામ પૂર્ણ કરવાના છે તેવા વિભાગો દીઠ અભિપ્રાય માગવામાં આવ્યા છે.

તમામ મંત્રીઓને ગાંધીનગર નહીં છોડવાનો આદેશ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કેબિનેટ મંત્રીઓને પણ તેમના વિભાગમાં બાકી ફાઇલોની સમીક્ષા ઉપરાંત દિવાળીના સમયમાં લોકો માટે કયા નવા કાર્યો થઇ શકે તેની વિગતો આપવા આદેશ કર્યો છે. એટલું જ નહીં પ્રત્યેક સોમવાર અને મંગળવારે તમામ મંત્રીઓને ગાંધીનગર નહીં છોડવાનો આદેશ પણ કરી જે તે વિભાગોના અધિકારીઓ સાથે બેસીને પ્રજાના પ્રશ્નો હલ કરવા સૂચના આપવામાં આવી છે. આ બન્ને દિવસોએ મુલાકાતીઓને મળવાનો અને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવા કહેવામાં આવ્યું છે. આવો આદેશ કેબિનેટમાં સચિવાલયના ઉચ્ચ અધિકારીઓને પણ આપવામાં આવેલો છે.

કેશુભાઈની સરકારમાં પ્લાન તૈયાર કરતી વખતે સંગઠનમાંથી મોદી પણ સામેલ હતાં ( ફાઈલ ફોટો)
કેશુભાઈની સરકારમાં પ્લાન તૈયાર કરતી વખતે સંગઠનમાંથી મોદી પણ સામેલ હતાં ( ફાઈલ ફોટો)

1995માં મોદીએ કેશુભાઈની સરકાર માટે માર્ગદર્શન આપ્યું હતું
ગુજરાતમાં 1995માં જયારે કેશુભાઇ પટેલની સરકાર આવી હતી. ત્યારે તે સમયે ભાજપ સંગઠનમાં કામ કરી રહેલા નરેન્દ્ર મોદીએ કેશુભાઇની સરકાર માટે 100 દિવસની સિદ્ધિઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેવી જ રીતે ભૂપેન્દ્ર પટેલની સરકારના શાસનમાં 100 દિવસની ઉજવણી પહેલાં કયા કયા લોક ભોગ્ય કામો થઇ શકે છે તેની યાદી આપવા કેબિનેટના સભ્યોને કહેવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...