ગુજરાતમાં ફરી મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે 12મી ડિસેમ્બરે શપથ લેશે. ગુજરાતમાં સતત બીજીવાર મુખ્યમંત્રી તરીકે તેઓ શાસન કરશે. ત્યારે આપણે તેમની રાજકીય કારર્કિદી અને જાહેર જીવનની કેટલીક અજાણી વાતો જાણીએ. ભૂપેન્દ્ર પટેલની રાજકીય સફરની શરૂઆત મેમનગર નગરપાલિકાના સભ્ય અને બાદમાં પાલિકાના પ્રમુખ તરીકે થઈ હતી. ત્યારબાદ તેઓ 2010થી 2015 સુધી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની સ્ટે. કમિટીના ચેરમેન રહ્યા હતા. 2015-17 દરમિયાન ઔડાના ચેરમેન રહ્યા. 2017થી તેઓ ઘાટલોડિયા સીટ પરથી ધારાસભ્ય બન્યાં. 13 સપ્ટેમ્બરે પ્રથમવાર રાજ્યના મુખ્યમંત્રી બન્યાં.
ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી સતત બીજીવાર ચૂંટણી જીત્યા
ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી બીજા ધારાસભ્ય મુખ્યમંત્રી સુધી પહોંચ્યા, અગાઉ આનંદીબેન પટેલ 2012માં આ જ વિધાનસભામાંથી ચૂંટાયેલા હતા, 2014માં મુખ્યમંત્રી બન્યા હતા, બેનના અનુગામી તરીકે ભૂપેન્દ્ર પટેલને ઘાટલોડિયાની ટિકિટ બેનની ભલામણથી આપવામાં આવી હતી. ભૂપેન્દ્ર પટેલ પણ બેનની બેઠક પર ધારાસભ્ય પણ બન્યા અને બેનની જેમ મુખ્યમંત્રી પણ બન્યાં. હવે સતત બીજીવાર મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.
'કડવાપોળના લાડકવાયા' તરીકેની દાદાની ઓળખ
ભૂપેન્દ્ર પટેલ ડિપ્લોમા ઈન સિવિલ એન્જિનિયરિંગ કર્યું છે અને કડવા પાટીદાર સમાજના અગ્રણી નેતા છે. તેમના પિતા રજનીભાઈ પટેલ અમદાવાદના દરિયાપુર વિસ્તારની કડવાપોળમાં રહેતા હતા. આ કારણથી જ ભૂપેન્દ્રભાઈને 'કડવાપોળના લાડકવાયા' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના અત્યંત વિશ્વાસુ ગણાય છે અને એટલે જ ઘાટલોડિયા બેઠક આનંદીબેને ખાલી કરી તો તેમણે ભૂપેન્દ્ર પટેલને અહીંથી ટિકિટ અપાવી હતી.
સી.એમ. સાદા પાન ખાવાના શોખીન
ભૂપેન્દ્ર પટેલે મેમનગર નગરપાલિકાના પ્રમુખ બન્યા ત્યારથી તેઓ નવરંગપુરા યુનિવર્સિટી વિસ્તારમાં આવેલા વિકાસ પાન પાર્લર પર પાન ખાવાની શરૂઆત કરી હતી. આજે પણ તેઓ અહીંથી જ સાદા પાન લઈને ખાય છે. વિકાસ પાન પાર્લર ચલાવતાં સંજય પટેલે અગાઉ કહ્યું હતું કે કે, ધારાસભ્ય બન્યા બાદ વ્યસ્ત હોવાથી, તેઓ પ્રત્યક્ષ રીતે આવી નથી શકતા, જેથી પાન પાર્સલ કરીને મોકલે છે. પરંતુ જ્યારે તેઓ નગરપાલિકાના પ્રમુખ હતા અને કોર્પોરેશનમાં મહત્વના હોદ્દા ઉપર હતા. તે દરમિયાન તેઓ અહીં આવતા મિત્રો સાથે આવતા. તેમનો સ્વભાવ એક સામાન્ય માણસની જેમ જ હતો.
મૃદુભાષી અને સૌમ્ય સ્વભાવ એ મુખ્ય ખાસિયત
CM બન્યાં ત્યારે તેમના આધ્યાત્મના કારણે ચર્ચામાં રહ્યા
સીએમ બન્યાં ત્યારબાદ આધ્યાત્મના રંગના કારણે પણ ચર્ચામાં રહ્યા હતા. શાલિન અને મૃદુભાષી એવા ભૂપેન્દ્ર પટેલને ઈશ્વરમાં અપાર શ્રદ્ધા છે તે પણ જોઈ શકાય છે. પ્રથમ વાર સીએમ તરીકે તેમનું નામ જાહેર થયા બાદ રાજભવન ખાતે જઈને સરકાર રચવાનો દાવો કર્યો હતો. ત્યાર બાદ તેઓ સીધા જ અડાલજ ખાતે આવેલા ત્રિમંદિરે જઈને દાદા ભગવાન ફાઉન્ડેશનના અધ્યક્ષના આશીર્વાદ લીધા હતા. 2001થી દાદા ભગવાન સંસ્થા સંકળાયેલા નવા સીએમ તરત જ અધ્યક્ષ સમક્ષ દંડવત પણ થયા હતા. તેમની આવી શ્રદ્ધા અને સંસ્કારના દર્શન કરાવતો વીડિયો પણ જોતજોતામાં વાઈરલ થયો હતો. તો બીજા દિવસે પણ તેમણે સીએમ ઓફિસમાં સ્થાન ગ્રહણ કર્યા પહેલાં સિમંધર સ્વામીની આરસની મૂર્તિ બિરાજમાન કરી હતી.
2004-5માં નગરપાલિકામાં ઇ-ગર્વનન્સમાં શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મેમનગર નગરપાલિકામાં બે વાર પ્રમુખ તરીકે કામગીરી સંભાળી હતી. પહેલીવાર વર્ષ 1997માં અને બીજી વાર વર્ષ 2004માં નગરપાલિકાના પ્રમુખ તરીકે રહ્યા હતા. આ દરમિયાન તેમની સાથે કામ કરનાર, તે સમયે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ચેતન સંઘવીએ જણાવ્યું કે, તેમના માટે ગર્વની લાગણી છે કે ભૂપેન્દ્રભાઈ સી.એમ બન્યાં. તેઓ દરેકને સાથે લઈને ચાલતા હતા, જેના કારણે મેમનગર વિસ્તારમાં વિકાસના કાર્યો કરી શક્યા હતા. વર્ષ 2004માં રાજ્યની નગરપાલિકાઓમાં ઇ-ગવર્નન્સ બાબતે શ્રેષ્ઠ નગરપાલિકાનો એવોર્ડ પણ તેમના કાર્યકાળ દરમિયાન મેળવ્યો હતો. એટલું નહીં, પરંતુ તે દરમિયાન વિરોધ પક્ષના નેતાઓ પણ તેમનું માન રાખતા અને કહ્યું માનતા.
કોઈને નારાજ નથી કર્યા, બધાને સાથે લઈ ચાલતા
વર્ષ 2005 બાદ મેમનગર નગરપાલિકાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. તે અગાઉ તેમની સાથે નગરપાલિકાના કામ કરતા કર્મચારીઓ પૈકી ક્લાર્ક તરીકે કામ કરતા વિજય શાહનું કહેવું હતું કે, તેઓ એક કુશળ વહીવટકર્તા હતા. તેમને કોઈને પણ નિરાશ નથી કર્યા, બધાને માન-સન્માન આપતા. તેમના વિસ્તારના લોકોની સાથે-સાથે નગરપાલિકાના કર્મચારીઓ સાથે પણ પારિવારિક સંબંધો રાખતા હતા. કોર્પોરેશનમાં મહત્વના હોદ્દા પર હતા ત્યારે અને ધારાસભ્ય બન્યા બાદ પણ તેઓ મેમનગર વિસ્તારમાં આવતા ત્યારે બધાને ખબર અંતર પૂછતા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.