સોમવારે ગુજરાતના 18મા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા હતા. ત્યાર બાદ કેબિનેટની બેઠક મળી હતી, જેમાં મંત્રીઓને તેમનાં ખાતાંની ફાળવણી કરાઈ હતી. ત્યારે આજે મંગળવારે 13 ડિસેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા હતા. તેમણે મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. આ ઉપરાંત તેમના મંત્રીમંડળમાં સામેલ અન્ય મંત્રીઓ પણ પોતાનો ચાર્જ લઈ લેશે. આ પહેલાં કુબેર ડિંડોરે ચાર્જ લીધો હતો. G-20 સમિટ હોવાને કારણે વાઈબ્રન્ટ સમિટ યોજાશે નહીં. કોરોનાની ભીતિને કારણે વર્ષ 2022ના જાન્યુઆરી માસમાં પણ વાઈબ્રન્ટ સમિટ રદ્દ થઈ હતી.
જાન્યુઆરી-2022માં કોરોનાને કારણે સમિટ થઈ હતી રદ
2003માં શરૂ થયેલી ‘વાઈબ્રન્ટ ગુજરાત’ સમિટ દર બે વર્ષે યોજાતો ઉદ્યોગ મેળાવડો છે. અત્યાર સુધીમાં નવ વખત ‘વાઈબ્રન્ટ ગુજરાત’ બિઝનેસ સમિટ યોજાઈ ચૂકી છે. જ્યારે જાન્યુઆરી 2022માં 10મી સમિટ યોજાવાની હતી, જેના માટે મેગા સેલિબ્રેશનનો પ્લાન હતો. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં દેશવિદેશના મહાનુભાવોને આમંત્રિત કરવાની યોજના હતી, પરંતુ ગુજરાતમાં કોરોનાની વણસેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સમિટનું આયોજન નહીં કરવાનો નિર્ણય કર્યો હતો.
સાંજે તમામ વિભાગોના ACS સાથે CMની સમીક્ષા બેઠક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીનો કાર્યભાર સંભાળ્યાના પ્રથમ દિવસે આજે સાંજે 6 વાગ્યે રાજ્ય સરકારના તમામ વિભાગોના અધિક મુખ્ય સચિવો સાથે વન-ટુ-વન સમીક્ષા બેઠક યોજશે. જેમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર અને મુખ્યમંત્રી કાર્યાલયના વરિષ્ઠ સચિવો આ સમીક્ષા બેઠકમાં જોડાશે.
CM પટેલે રાજ્યનું જનસેવા દાયિત્વ સંભાળ્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા ચૂંટણીઓમાં પ્રચંડ જનસમર્થન મેળવીને સતત બીજીવાર મુખ્યમંત્રીપદનો કાર્યભાર મંગળવારે 13મી ડિસેમ્બરે સવારે શુભ મુહૂર્તમાં વિધિવત્ સંભાળ્યો છે. પટેલે સીમંધર સ્વામીની મૂર્તિ તથા પૂજ્ય દાદા ભગવાનનાં શ્રીચરણોમાં ભાવપુષ્પ અર્પણ કરીને રાજ્યનું જનસેવા દાયિત્વ આજથી સંભાળી લીધું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે રાજ્ય મંત્રીમંડળના નવનિયુક્ત મંત્રીઓ પણ પૂજન-અર્ચનમાં સહભાગી થયા હતા.
‘સૌના ભૂપેન્દ્રભાઇ’ મંત્રીઓના કાર્યાલયે સામાન્ય વ્યક્તિની માફક મળ્યા મુખ્યમંત્રી પોતાના આગવા સરળ-સહજ સ્વભાવથી ‘સૌના ભૂપેન્દ્રભાઇ’ બની રહ્યા છે. તેમણે પોતાની આ સાહજિકતાનો એક વિશિષ્ટ પરિચય બીજીવાર મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યાના પ્રથમ દિવસે મંગળવારે સૌને કરાવ્યો હતો. CM તેમના મંત્રીમંડળના સહયોગી નવનિયુકત મંત્રીઓના સ્વર્ણિમ સંકુલ-1 અને સંકુલ-2માં આવેલાં કાર્યાલયોમાં સામે ચાલીને અચાનક જઇ પહોંચ્યા હતા અને મંત્રીઓને પદભાર સંભાળવા અવસરે પ્રત્યક્ષ શુભકામનાઓ આપી હતી. એટલું જ નહીં, મંત્રીઓને શુભેચ્છા પાઠવવા આવેલા શુભેચ્છકો-સામાન્ય નાગરિકો સાથે પણ મંત્રીઓના કાર્યાલયની પરસાળમાં જ ઊભા રહીને મુખ્યમંત્રી સામાન્ય વ્યક્તિની જેમ સૌને મળ્યા હતા. મુખ્યમંત્રીની આવી સાહજિકતાથી મંત્રીશ્રીઓ અને શુભેચ્છકો-નાગરિકોએ આનંદસહ આશ્ચર્યની અનુભૂતિ કરી હતી.
મંત્રીઓને મુખ્યમંત્રીએ શુભેચ્છા પાઠવી
મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સમગ્ર મંત્રીમંડળે બહુજન હિતાય-બહુજન સુખાયની ખેવના તેમજ ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા ધ્યેયમંત્ર સાથે આજે મંગળવાર તા. 13મી ડિસેમ્બરથી જ પોતાના પદભાર સંભાળ્યો છે. મુખ્યમંત્રીએ નવનિયુક્ત સૌ મંત્રીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને રાજ્યના ઉત્તરોત્તર અવિરત વિકાસમાં તેમનું યોગદાન મળતું રહે એવી મંગળ કામનાઓ વ્યક્ત કરી હતી.
6 રાજ્યકક્ષાના મંત્રીઓની નિમણૂક
મિનિમમ ગવર્નમેન્ટ-મેક્સિમમ ગવર્નન્સ પાછળ વિભાવના એવી છે કે મંત્રીમંડળમાં ઓછી સંખ્યાના મંત્રીઓ હોય, તેથી તેમની પાછળ પગાર-ભથ્થાં સહિતના ખર્ચા ઓછાં થાય, પરંતુ મહત્તમ સરકારી કામ થવું જોઇએ. સૌથી મહત્તમ સંખ્યામાં ધારાસભ્ય ચૂંટાયા હોવા છતાં 156 પૈકી ભૂપેન્દ્ર પટેલે માત્ર સોળ એવા સાથીઓને પસંદ કર્યાં છે, જેમની સાથે મળીને તેઓ આગળના સમયમાં મહત્તમ કામ કરવા પ્રયત્ન કરશે.
કેશુભાઈ વખતે સુવિધા ન હતી આજે ખૂબ છે
આજે કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાએ કાર્યભાર સંભાળ્યો હતો. ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે કેશુભાઈ પટેલ સરકાર સમયે યોગ્ય સુવિધા નહોતી. રસ્તાની સ્થિતિ સારી નહોતી, વન - પર્યાવરણ પણ યોગ્ય સ્થિતિમાં નહોતા પરંતુ આજે ખૂબ સુવિધા છે.
2012માં 6 કેબિનેટ અને 10 રાજ્યકક્ષાના મંત્રી
મોદી 2001માં સૌથી પહેલીવાર મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમની કેબિનેટમાં માત્ર સાત મંત્રી હતા, એ પછી 2002ની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં 9 કેબિનેટ અને સાત રાજ્યકક્ષાના મંત્રી સહિત 16 સભ્યો, 2007માં 9 કેબિનેટ અને 9 રાજ્યકક્ષાના મંત્રીઓ સાથે 18 સભ્યો, જ્યારે 2012માં 6 કેબિનેટ અને 10 રાજ્યકક્ષાના મંત્રીઓ સાથે 16 સભ્ય હતા.
શપથવિધિ બાદ નવી સરકારની પહેલી કેબિનેટ બેઠક મળી
શપથવિધિ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્રિમંદિર દર્શન કરવા પહોંચ્યા હતા. આજે સાંજે ગુજરાતમાં ભાજપની નવી સરકાર રચાયા બાદ ગાંધીનગરમાં નવી સરકારની પહેલી કેબિનેટ બેઠક મળી હતી, જેમાં નવા મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી છે. ત્યારે આ કેબિનેટ બેઠક માટે ઋષિકેશ પટેલને આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ, ભીખુસિંહ પરમારને અન્ન અને નાગરિક પુરવઠો તેમજ રાઘવજી પટેલને કૃષિ, મત્સ્ય ઉદ્યોગ અને ગ્રામ્ય વિકાસ સહિતનાં ખાતાં ફાળવવામાં આવ્યાં છે. ત્યારે કનુભાઈ દેસાઈ અને ઋષિકેશ પટેલને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે.
કેબિનેટ કક્ષામાં કનુભાઈ દેસાઈ, બલવંતસિંહ રાજપૂત, રાઘવજી પટેલ, ઋષિકેશ પટેલ અને ત્યાર બાદ કુંવરજી બાવળિયા, મૂળુભાઈ બેરા, કુબેર ડિંડોર અને ભાનુબેન બાબરિયાએ શપથ લીધા હતા. ત્યાર બાદ રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલામાં હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્મા (પંચાલ)એ શપથ લીધા હતા. રાજ્યકક્ષાના મંત્રીઓમાં પુરુષોત્તમ સોલંકી, બચુભાઈ ખાબડ, મુકેશ પટેલે, પ્રફુલ પાનસેરિયા, ભીખુસિંહ પરમાર અને કુંવરજી હળપતિએ શપથ લીધા હતા.
કાલે ચેમ્બરોની ફાળવણી કરાઈ, આજે મંત્રીઓ ચાર્જ સંભાળશે
શપથવિધિ બાદ સાંજના સમયે કેબિનેટની પ્રથમ બેઠકમાં ખાતાની ફાળવણી થઇ હતી. નવનિયુક્ત મંત્રીઓને શપથવિધિ બાદ મોડી રાત્રે ચેમ્બરોની ફાળવણી થઈ હતી, જેથી આજે તેઓ ઓફિસમાં જઈને ચાર્જ સંભાળશે. મંત્રીઓ પોતાના વિસ્તારના કાર્યકરો અને નેતાઓ સાથે રહ્યા હતા. ભૂપેન્દ્ર પટેલ પણ કેબિનેટમાંથી જ સીધા બંગલે જવા રવાના થયા હતા. તેઓ પણ મંગળવારે જ વિધિવત્ કામગીરી શરૂ કરી છે.
નવનિયુક્ત મંત્રીઓ બંગલા પણ જોઈ આવ્યા
નવનિયુક્ત મંત્રીઓએ હવે કયો બંગલો લેવો એની પસંદગી પણ શરૂ કરી દીધી છે. શપથવિધિ બાદ કેબિનેટ શરૂ થાય એ પહેલાં કેટલાક મંત્રીઓ મંત્રી નિવાસ સંકુલમાં જઇને બંગલા પણ જોઈ આવ્યા હતા. ચૂંટણી હારી ગયેલા તેમજ ટિકિટ નથી મળી તેવા મંત્રીઓએ બંગલા ખાલી કરી દીધા હોવાથી આ બંગલાઓ ઝડપથી મળી શકે તેમ છે, જેથી તે નવા મંત્રીઓના પ્રાયોરિટી લિસ્ટમાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.