નવી સરકારની તૈયારીઓ:ભૂપેન્દ્ર પટેલે કેબિનેટ સાથે રાજ્યપાલને ઔપચારિક રાજીનામું આપ્યું, આવતીકાલે કમલમમાં ધારાસભ્ય દળની બેઠક

2 મહિનો પહેલા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજભવન પહોંચ્યા. અહીં મુખ્યમંત્રીએ તેમના કેબિનેટ મંત્રીઓ સાથે રાજ્યપાલને રાજીનામું આપ્યું હતું. આવતીકાલે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ધારાસભ્ય દળની બેઠક મળશે. ત્યાર બાદ ધારાસભ્યદળના નેતાની પસંદગી કરાશે.

આવતીકાલે શનિવારે ધારાસભ્ય દળની બેઠક મળશે, જેમાં ધારાસભ્ય દળ નેતાની પસંદગી કરાશે. મુખ્યમંત્રીની શપથવિધિ માટે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે રાજ્યપાલ પાસે બપોરે 2 વાગ્યે મળવાનો સમય માગ્યો છે. આ પહેલાં કમલમ ખાતે ધારાસભ્ય દળની બેઠકમાં નેતા તરીકે ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરાશે. હવે નવી સરકારની રચનાની કવાયતની તૈયારીઓ ચાલી રહી છે. 12મી ડિસેમ્બરે ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ શપથ લેશે. નવી સરકારની શપથવિધિ માટે રાજ્યપાલ પાસે સમય માગવામાં આવ્યો છે.

પાટીલે ગાંધીનગરમાં 12મીએ શપથવિધિની જાહેરાત કરી
ગઈકાલે જીતની ઉજવણી બાદ સીઆર પાટીલે 12મી ડિસેમ્બરે ગાંધીનગરમાં હેલિપેડ ગ્રાઉન્ડમાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ શપથ લેશે તેવી કમલમથી જાહેરાત કરી હતી. જેમાં ભાજપ શાસિત તમામ રાજ્યના મુખ્યમંત્રીને આ શપથવિધિમાં બોલવામાં આવશે. એટલું જ નહીં, જે સ્ટાર પ્રચારકો ગુજરાતમાં ભાજપની સરકાર માટે મહેનત કરી હતી, તે તમામ સ્ટાર પ્રચારક પણ હાજર રહેશે તેવી ભાજપ સૂત્રો પાસેથી મળી રહી છે. વિધાનસભા ચૂંટણીમાં ગુજરાત ભાજપની સૌથી મોટી જીત ઉજવણી માટે તૈયારી કરી દેવામાં આવી છે. એક સમયે તો વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શપથવિધિ થશે તેવી અફવા પણ ઊડી હતી.

ભૂપેન્દ્ર પટેલની સરકારના 20 મંત્રીમાંથી 19 મંત્રી જીત્યા
ગુજરાત વિધાનસભા ચૂંટણીના ચોંકાવનારાં પરિણામો આવ્યાં છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના 20 મંત્રીમાંથી 19 મંત્રી જીતી ગયા છે. મોટા ભાગનું મંત્રીમંડળ જીતી ગયું હોય એવું કદાચ પહેલીવાર બન્યું હશે. જિતુ વાઘાણી, જિતુભાઈ ચૌધરી અને દેવાભાઈ માલમ શરૂઆતના તબક્કામાં પાછળ ચાલી રહ્યા હતા, પણ મતગણતરી આગળ વધતી ગઈ એમ એમ તમામ મંત્રીઓ જીત તરફ આગળ વધતા ગયા. જ્યારે વીસનગર બેઠક પર ઋષિકેશ પટેલ પહેલેથી પાછળ ચાલી રહ્યા હતા.

27 વર્ષથી ગુજરાતમાં ભાજપની અડીખમ સત્તા
દેશભરમાં હિન્દુત્વની પ્રયોગશાળા અને ભાજપના એક મોડલ સ્ટેટ તરીકે ગુજરાતની ગણના થઈ રહી છે. 14 માર્ચ 1995ના રોજ ગુજરાતમાં પહેલીવાર કેસરિયો લહેરાયો હતો અને ભાજપે સત્તા સંભાળી હતી. 6 ડિસેમ્બર 1992ના રોજ બાબરી ધ્વંસ બાદ ગુજરાતમાં હિન્દુત્વનું વાવાઝોડું ફરી વળ્યું અને 1995માં 121 બેઠકની જંગી બહુમતી સાથે ભાજપે સત્તા હાંસલ કરી. ત્યાર બાદ 2002માં ગોધરાકાંડ થયો અને ભાજપે 127 સીટ સાથે ઐતિહાસિક જીત મેળવી, પરંતુ હવે વિકાસ+હિન્દુત્વના કમાલના કોમ્બિનેશન સાથે કમળ ખીલ્યું છે. આ ભાજપનુું ચૂંટણીસૂત્ર ‘આ ગુજરાત મેં બનાવ્યું છે’ની જેમ ગુજરાતીઓએ મતનો નાયગ્રા ધોધ વહાવી કહ્યું કે ‘આ કમલ મેં ખીલવ્યું’ છે. ભાજપે ગુજરાતના 60 વર્ષના ઇતિહાસના તમામ રેકોર્ડબ્રેક કરી 156 સીટ જીતી જ નહીં, પણ કેસરિયો મહાસાગર ઘૂઘવી દીધો હતો. આમ આદમી પાર્ટીને 5 સીટ તેમજ અન્યને ફાળે 4 સીટ(3 અપક્ષ અને 1 સમાજવાદી પાર્ટી) આવી હતી. ભાજપને 52.5 ટકા, કોંગ્રેસ 27.3 ટકા અને આમ આદમી પાર્ટીનો 12.9 ટકા વોટશેર રહ્યો હતો.

અચાનક બની હતી ભૂપેન્દ્ર પટેલની સરકાર
ઓગસ્ટ-2021માં ગુજરાતમાં વિજય રૂપાણીના રાજીનામા બાદ ભારતીય જનતા પાર્ટીમાં જોરદાર હલચલ જોવા મળી હતી. રાજ્યમાં નવા મુખ્યમંત્રીને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ હતી. કમલમમાં બેઠકોનો દૌર ચાલી રહ્યો હતો અને કયું નામ સામે આવે છે તેની રાહ જોવામાં આવી રહી હતી ત્યારે કેન્દ્રથી બે નેતા નરેન્દ્ર સિંહ તોમર અને તરુણ ચુગ નિરીક્ષક તરીકે ગુજરાતમાં આવ્યા હતા.
કમલમમાં તમામ ધારાસભ્યોને બોલાવી લેવામાં આવ્યા. વિજય રૂપાણી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ ઉપસ્થિત હતા અને નવા મુખ્યમંત્રી તરીકે કોણ આવશે એના પર સૌની મીટ મંડાયેલી હતી. કમલમમાં જે ઓડિટોરિયમમાં મીટિંગ હતી ત્યાં છેક પાછળ ભૂપેન્દ્ર પટેલ બેઠા હતા. તેમને સહેજ પણ ખ્યાલ નહોતો કે મુખ્યમંત્રી તરીકે તેમના નામની ઘોષણા કરવામાં આવશે. સવારે તેઓ બોપલમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં ગયા હતા અને સાંજે મુખ્યમંત્રી બની ગયા. પછી તો વિજય રૂપાણીના તમામ મંત્રીઓને ઘરે બેસાડી દેવામાં આવ્યા અને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં નવા ધારાસભ્યોને સ્થાન મળ્યું.

આ મંત્રીઓ વિવાદમાં રહ્યા
ભૂપેન્દ્ર પટેલ સરકારમાં જે-જે મંત્રીઓ આવ્યા તેમણે વાયદા કર્યા, પૂરા ન થયા. કોઈ મંત્રીએ અચાનક ક્યાંક તપાસ કરી તો કોઈએ આકરા નિર્ણયો લીધા અને પક્ષને જવાબ આપવો અઘરો પડે તેવા નિવેદનો પણ આપ્યા. આ બધા વચ્ચે મંત્રીઓ રાજેન્દ્ર ત્રિવેદી અને પૂર્ણેશ મોદી પાસેથી ખાતાં લઈ લેવામાં આવ્યાં. આ રીતે પટેલની સરકારના મંત્રીઓ વિવાદમાં પણ રહ્યા.

આ વખતે પાંચ મંત્રીની ટિકિટ કપાઈ
ભૂપેન્દ્ર પટેલ સહિત સરકારમાં 25 મંત્રી હતા અને તેમાંથી પાંચ મંત્રીની ટિકિટ કાપી નાખવામાં આવી, જેમાં રાજેન્દ્ર ત્રિવેદી, અરવિંદ રૈયાણી, પ્રદીપ પરમાર, બ્રિજેશ મેરજા અને સુરતની મહુવા સીટના ધારાસભ્ય અને મંત્રી રાઘવ મકવાણાની ટિકિટ કાપી નાખવામાં આવી. 2022માં 20 મંત્રીને ફરીવાર ટિકિટ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...