CM સાદા પાનના શોખીન:ભૂપેન્દ્ર પટેલ મેમનગરના પાલિકા પ્રમુખ હતા ત્યારથી ‘વિકાસ’ના પાન ખાય છે, ઘાટલોડિયાના MLA બન્યાં ત્યારથી પાર્સલ મંગાવે છે

અમદાવાદએક મહિનો પહેલા
 • પ્રમુખ તરીકે મેમનગરમાં શ્રેષ્ઠ પાલિકાનો એવોર્ડ પણ લાવ્યા હતા
 • મેમનગર નગરપાલિકાના પ્રમુખ ત્યારથી વિકાસ પાન પાર્લરના પાન ખાવાનું શરૂ કર્યું
 • ધારાસભ્ય બન્યા તે પહેલા મિત્રો સાથે પોતે પાન ખાવા પાન પાર્લર પહોંચતા

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચાર્જ સંભાળી લીધો છે. ત્યારે તેમની રાજકીય સફરની શરૂઆત મેમનગર નગરપાલિકાના સભ્ય અને બાદમાં પાલિકાના પ્રમુખ તરીકે થઈ હતી. ત્યારબાદ તેઓ 2010થી 2015 સુધી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની સ્ટે. કમિટીના ચેરમેન રહ્યા હતા. 2015-17 દરમિયાન ઔડાના ચેરમેન રહ્યા હતા. 2017થી તેઓ ઘાટલોડિયા સીટ પરથી ધારાસભ્ય છે. 13 સપ્ટેમ્બરથી રાજ્યના મુખ્યમંત્રી છે. ત્યારે તેમની સાથે કામ કરી સાથીદારો અને કર્મચારીઓ પણ ખુશીની લાગણી અનુભવી રહ્યા છે. માત્ર એટલું જ નહીં પરંતુ નવા સી.એમ સાદું પાન ખાવાના પણ શોખીન તેવું તેઓ કહે છે. વાંચો નવા મુખ્યમંત્રીની કેટલીક રોચક વાતો આ ખાસ અહેવાલમાં.

સાદા પાનના શોખીન છે નવા સી.એમ
ભૂપેન્દ્ર પટેલ મેમનગર નગરપાલિકાના પ્રમુખ બન્યા ત્યારથી તેઓ નવરંગપુરા યુનિવર્સિટી વિસ્તારમાં આવેલા વિકાસ પાન પાર્લર પર પાન ખાવાની શરૂઆત કરી હતી. આજે પણ તેઓ અહીંથી જ સાદા પાન લઈને ખાય છે. વિકાસ પાન પાર્લરના સંજય પટેલનું કહેવું છે કે, હવે ધારાસભ્ય બન્યા બાદ વ્યસ્ત હોવાથી, તેઓ પ્રત્યક્ષ રીતે આવી નથી શકતા, જેથી પાન પાર્સલ કરીને મોકલે છે. પરંતુ જ્યારે તેઓ નગરપાલિકાના પ્રમુખ હતા અને કોર્પોરેશનમાં મહત્વના હોદ્દા ઉપર હતા. તે દરમિયાન તેઓ અહીં આવતા મિત્રો સાથે આવતા. તેમનો સ્વભાવ એક સામાન્ય માણસની જેમ જ હતો.

વિકાસ પાન પાર્લરના બનતાં પાન વર્ષોથી ભૂપેન્દ્ર પટેલ ખાય છે
વિકાસ પાન પાર્લરના બનતાં પાન વર્ષોથી ભૂપેન્દ્ર પટેલ ખાય છે

2004-5માં નગરપાલિકામાં ઇ-ગર્વનન્સમાં શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ આવ્યા હતા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મેમનગર નગરપાલિકામાં બે વાર પ્રમુખ તરીકે કામગીરી સંભાળી હતી. પહેલીવાર વર્ષ 1997માં અને બીજી વાર વર્ષ 2004માં નગરપાલિકાના પ્રમુખ તરીકે રહ્યા હતા. આ દરમિયાન તેમની સાથે કામ કરનાર, તે સમયે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ચેતન સંઘવીએ DivyaBhaskar સાથે વાત કરતાં જણાવ્યું કે, આજે તેમના માટે ગર્વની લાગણી છે કે ભૂપેન્દ્રભાઈ સી.એમ બન્યા છે. તેઓ દરેકને સાથે લઈને ચાલતા હતા, જેના કારણે મેમનગર વિસ્તારમાં વિકાસના કાર્યો કરી શક્યા હતા. વર્ષ 2004માં રાજ્યની નગરપાલિકાઓમાં ઇ-ગવર્નન્સ બાબતે શ્રેષ્ઠ નગરપાલિકાનો એવોર્ડ પણ તેમના કાર્યકાળ દરમિયાન મેળવ્યો હતો. એટલું નહીં પરંતુ તે દરમિયાન વિરોધ પક્ષના નેતાઓ પણ તેમનું માન રાખતા અને કહ્યું માનતા.

ભૂપેન્દ્ર પટેલ મેમનગર નગરપાલિકાના પ્રમુખ હતા તે સમયના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ચેતન સંઘવી
ભૂપેન્દ્ર પટેલ મેમનગર નગરપાલિકાના પ્રમુખ હતા તે સમયના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ચેતન સંઘવી

કોઈને નારાજ નથી કર્યા, બધાને સાથે લઈ ચાલતા
વર્ષ 2005 બાદ મેમનગર નગરપાલિકાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. તે અગાઉ તેમની સાથે નગરપાલિકાના કામ કરતા કર્મચારીઓ પૈકી ક્લાર્ક તરીકે કામ કરતા વિજય શાહનું કહેવું છે કે, તેઓ એક કુશળ વહીવટકર્તા હતા. તેમને કોઈને પણ નિરાશ નથી કર્યા, બધાને માન-સન્માન આપતા. તેમના વિસ્તારના લોકોની સાથે-સાથે નગરપાલિકાના કર્મચારીઓ સાથે પણ પારિવારિક સંબંધો રાખતા હતા. કોર્પોરેશનમાં મહત્વના હોદ્દા પર હતા ત્યારે અને ધારાસભ્ય બન્યા બાદ પણ તેઓ મેમનગર વિસ્તારમાં આવતા ત્યારે બધાને ખબર અંતર પૂછતા હતા.

ભૂપેન્દ્ર પટેલ મેમનગર પાલિકાના પ્રમુખ હતા ત્યારે અમિત શાહ સાથે
ભૂપેન્દ્ર પટેલ મેમનગર પાલિકાના પ્રમુખ હતા ત્યારે અમિત શાહ સાથે

'કડવાપોળના લાડકવાયા' તરીકે પણ દાદા ઓળખાય છે
ભૂપેન્દ્ર પટેલ ડિપ્લોમા ઈન સિવિલ એન્જિનિયરિંગ કર્યું છે અને કડવા પાટીદાર સમાજના અગ્રણી નેતા છે. તેમના પિતા રજનીભાઈ પટેલ અમદાવાદના દરિયાપુર વિસ્તારની કડવાપોળમાં રહેતા હતા. આ કારણથી જ ભૂપેન્દ્રભાઈને 'કડવાપોળના લાડકવાયા' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના અત્યંત વિશ્વાસુ ગણાય છે અને એટલે જ ઘાટલોડિયા બેઠક આનંદીબેને ખાલી કરી તો તેમણે ભૂપેન્દ્ર પટેલને અહીંથી ટિકિટ અપાવી હતી.

અગાઉની મેમનગર નગરપાલિકાના ક્લાર્ક વિજય શાહ
અગાઉની મેમનગર નગરપાલિકાના ક્લાર્ક વિજય શાહ

મૃદુભાષી અને સૌમ્ય સ્વભાવ એ મુખ્ય ખાસિયત

 • મૂળ અમદાવાદના દરિયાપુર વિસ્તારની કડવાપોળમાં નાનપણમાં રહેતા હતા ભૂપેન્દ્ર પટેલ.
 • આજે પણ દરિયાપુર વિસ્તારમાં તો ભૂપેન્દ્રભાઈને લોકો 'કડવાપોળના લાડકવાયા' જ કહે છે.
 • 2017માં ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી પહેલીવાર ચૂંટણી લડ્યા
 • પહેલી જ વિધાનસભા ચૂંટણીમાં 1,17,750 મતની જંગી સરસાઈથી જીત્યા, જે ગુજરાતમાં સૌથી મોટી લીડ
 • ભૂપેન્દ્રભાઈ 1999-2000, 2004-05 સુધી મેમનગર નગરપાલિકાના ચેરમેન રહ્યા હતા.
 • તે પછી તેઓ 2010થી 2015 સુધી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની સ્ટે. કમિટીના ચેરમેન રહ્યા હતા. આનંદીબેન પટેલના ખાસ છે ભૂપેન્દ્ર પટેલ
 • પોતાના મત વિસ્તારમાં અને પાર્ટીના કાર્યકરોમાં 'દાદા'ના હુલામણા નામથી ઓળખાય છે ભૂપેન્દ્ર પટેલ.
 • જ્યારે ભૂપેન્દ્ર પટેલે 2015-17 દરમિયાન ઔડાના ચેરમેનનો અતિ મહત્ત્વપૂર્ણ હોદ્દો પણ સંભાળ્યો છે.
 • 15 જુલાઈ 1962ના રોજ જન્મેલા ભૂપેન્દ્ર પટેલનો અભ્યાસ ધો. 12 પાસ સુધીનો જ છે
 • વ્યવસાયે બિલ્ડર ભૂપેન્દ્ર પટેલ શીલજ વિસ્તારમાં કલ્હાર રોડ પરની આર્યમાન રેસિ.માં રહે છે
 • ઔડાના ચેરમેન તરીકે એસ.પી. રિંગ રોડને અડીને આવેલા વિસ્તારોમાં સૌથી મહત્ત્વની ભૂમિકા
 • 2017 પહેલાં આનંદીબેન ઘાટલોડિયાના ધારાસભ્ય હતા, જેમણે જતા-જતા તેમના વિશ્વાસુ ભૂપેન્દ્ર પટેલને ટિકિટ અપાવી હતી પોતાના મતવિસ્તારમાં મજબૂત લોકસંપર્ક ધરાવે છે ભૂપેન્દ્ર પટેલ
 • ભૂપેન્દ્ર પટેલ 2017માં વિધાનસભા ચૂંટણી લડ્યા તે સમયે ફાઈલ કરેલા એફિડેવિટ મુજબ રૂ. 5.20 કરોડની અસ્ક્યામતો ધરાવે છે.
 • ઔડાના ચેરમેન રહી ચૂકેલા ભૂપેન્દ્ર પટેલ વાહનોમાં આઈ-20 કાર અને એક્ટિવા ટુ-વ્હીલરની માલિકી ધરાવે છે.
2004માં ભૂપેન્દ્ર પટેલ પ્રમુખ હતા ત્યારે તત્કાલિન મુખ્યમંત્રીએ ઈ-ગર્વન્સનો એવોર્ડ આપ્યો હતો
2004માં ભૂપેન્દ્ર પટેલ પ્રમુખ હતા ત્યારે તત્કાલિન મુખ્યમંત્રીએ ઈ-ગર્વન્સનો એવોર્ડ આપ્યો હતો
2004માં નરેન્દ્ર મોદીએ નાગરિક સુવિધા કેન્દ્રનું ઉદઘાટન કર્યું હતું
2004માં નરેન્દ્ર મોદીએ નાગરિક સુવિધા કેન્દ્રનું ઉદઘાટન કર્યું હતું
અન્ય સમાચારો પણ છે...