યંગ સરકાર:ભૂપેન્દ્ર પટેલને ભલે 'દાદા' કહેતા હોય, પણ તેમનું મંત્રીમંડળ છે રૂપાણી કરતાં 6 વર્ષ યુવાન, સરેરાશ વય 53.48 વર્ષ

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિજય રૂપાણી કેબિનેટની સરેરાશ વય 59.43 વર્ષની હતી, પટેલ સરકારમાં સૌથી યુવા મંત્રી હર્ષ સંઘવી 36 વર્ષના
  • પટેલ સરકારમાં 70 વર્ષના કનુ દેસાઈ સૌથી વયસ્ક મંત્રી, યુવા સરકાર દોડી-દોડીને કામ કરશે એવી સહુને આશા

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કેબિનેટનું આખરે હેમખેમ ગઠન થઈ ચૂક્યું છે. આ સરકારની ઘણી વિશેષતાઓમાંની સૌથી મોટી વાત છે તેની સરેરાશ વય. અગાઉની વિજય રૂપાણી સરકારની સરેરાશ વય 59.43 વર્ષની હતી, જ્યારે આ સરકારની સરેરાશ વય 53.48 વર્ષ છે. આ રીતે જોઈએ તો રૂપાણી સરકાર કરતા પટેલ સરકાર 6 વર્ષ યુવાન છે. આ સ્થિતિમાં વર્તમાન સરકાર પાસે વધુ અસરકારક કામગીરીની પ્રજાને અપેક્ષા થાય તે સ્વાભાવિક છે.

સરકારની જેમ રૂપાણી કરતાં ભૂપેન્દ્રભાઈ પણ 6 વર્ષ નાના
એવું નથી કે માત્ર વિજય રૂપાણી સરકારની તુલનામાં જ ભૂપેન્દ્ર પટેલ સરકાર 6 વર્ષ યુવાન છે. યોગાનુયોગે વિજય રૂપાણી કરતા વર્તમાન CM ભૂપેન્દ્ર પટેલ પોતે પણ 6 વર્ષ નાના છે. હાલ વિજયભાઈની ઉંમર 65 વર્ષ છે જ્યારે ભૂપેન્દ્ર પટેલની ઉંમર 59 વર્ષ છે. આમ માત્ર સરકાર જ નહીં પરંતુ હાલના મુખ્યમંત્રી પોતે પણ અગાઉના મુખ્યમંત્રી કરતા 5 વર્ષ યુવાન છે.

પટેલ સરકારમાં કનુ દેસાઈ (70) સૌથી વયસ્ક, હર્ષ સંઘવી (36) યંગેસ્ટ
હાલની ભૂપેન્દ્ર પટેલ સરકારમાં નવા નાણાં તેમજ ઊર્જા મંત્રી બનેલા કનુ દેસાઈની ઉંમર 70 વર્ષની છે. તેઓ વર્તમાન સરકારમાં સૌથી વધુ વયસ્ક મંત્રી છે. ત્યારબાદ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનો ક્રમ આવે છે જેમની ઉંમર 67 વર્ષ છે. જ્યારે સૌથી નાની ઉંમરના મંત્રીની વાત કરીએ તો ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉંમર 36 વર્ષની છે. તેમના પછી આદિજાતિ વિકાસ મંત્રી નિમિષાબેન સુથારનો ક્રમ આવે છે જેમની ઉંમર 38 વર્ષની છે.

રૂપાણી સરકારમાં યોગેશ પટેલ 73 વર્ષની વયના સૌથી વયસ્ક મંત્રી હતા
વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલ કે જેઓ અગાઉની રૂપાણી સરકારમાં નર્મદા અને શહેરી આવાસ રાજ્યમંત્રી તરીકેનો હોદ્દો સંભાળતા હતા તેઓ સૌથી વયસ્ક મંત્રી હતા. યોગેશ પટેલની ઉંમર 73 વર્ષની હતી. જ્યારે જયેશ રાદડિયા 39 વર્ષની વયે રૂપાણી સરકારમાં સૌથી નાની વયના મંત્રી બન્યા હતા. જ્યારે તેમના પછી સૌથી યુવા મંત્રી ઈશ્વર પરમાર અને ગણપત વસાવા હતા જે બંનેની ઉંમર 50 વર્ષની હતી.