પાંચમા પૂછાયા પટેલ:ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના પાંચમાં પાટીદાર સીએમ, નારાજ પાટીદારોને મનાવવા મોદી-શાહનો ખેલ

અમદાવાદએક મહિનો પહેલા
  • ગુજરાતમાં 5 વર્ષ બાદ ફરી પાટીદાર પાવર જોવા મળશે

ગુજરાતના રાજકારણનો પાટીદાર સમાજ પાવરફુલ જ રહ્યો છે, રાજ્યના કુલ મતદારોના 15 ટકા, એટલે કે વિધાનસભાની 71 બેઠક પર પ્રભુત્વ ધરાવતા પાટીદારો છેલ્લાં કેટલાંક વર્ષોથી ભાજપથી રિસાયેલા હતો. તેમને મનાવવા માટે ભાજપે બે પાટીદાર કેન્દ્રીય મંત્રીને પ્રવાસ માટે ઉતાર્યા હતા. ત્યારે નારાજ પાટીદારોને મનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી-અમિત શાહે પાટીદાર કાર્ડ ખેલીને ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલને નિમણૂંક કર્યા છે. એટલે કે ગુજરાતમાં 5 વર્ષ બાદ ફરી પાટીદાર પાવર જોવા મળશે.

ગુજરાતમાં એકપણ પાટીદાર CM 5 વર્ષનું શાસન પૂરું કરી ના શક્યા
ગુજરાતમાં પાટીદાર મતદારોના દબદબા વચ્ચે 4 મુખ્યમંત્રી બન્યા, જેમાં ચીમનભાઈ પટેલ અને કેશુભાઈ પટેલ તો બેવાર મુખ્યમંત્રી બન્યા છતાં પણ પાંચ વર્ષ સત્તા પર ના ટકી શક્યા. ઈતિહાસ જોઈએ તો બાબુભાઈ પટેલથી કેશુભાઈ પટેલ સહિત કોઈ પાટીદાર મુખ્યમંત્રી ગમે તે કારણોસર મુદત પૂરી ન કરી શક્યા. બાબુભાઈને કટોકટી નડી, ચીમનભાઈને પહેલી વખત નવનિર્માણ આંદોલન નડ્યું, બીજી વખત મુખ્યમંત્રીકાળ દરમિયાન જ તેમનું અવસાન થયું હતું, તો કેશુભાઈ પટેલને એક વખત ભાજપના બળવાખોરોએ ઊથલાવ્યા, તો બીજી વખત દિલ્હીમાં બેઠેલા હાઇકમાડે રાજીનામું માગી લઈ તેમને સત્તા પરથી દૂર કર્યા. આનંદીબેન પટેલે ઉંમરનું બહાનું આપ્યું હતું, પરંતુ તેમને પાટીદાર અનામત આંદોલન અને સ્થાનિક ચૂંટણીનાં પરિણામો જ નડી ગયાં હતાં.

ગુજરાતના પોલિટિક્સમાં પાટીદાર પાવર....કેમ ચૂંટણી સમયે નેતાઓને પાટીદારો યાદ આવે છે? અહીં જાણો પટેલોનું વર્ચસ્વ
​​​​​​​
​​​​​​​આનંદીબેન પટેલને સીએમપદ છોડવું પડ્યું હતું

ગુજરાતમાંથી નરેન્દ્ર મોદીની વિદાય બાદ પાટીદારોનું જોર વધ્યું હતું, 2015માં ગુજરાતનાં પહેલાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હોવા છતાં પણ પાટીદાર અનામત આંદોલન શરૂ થયું હતું, જેને કારણે તેમણે રાજીનામું આપ્યું હતું. એટલું જ નહીં, પાટીદારો ભાજપથી નારાજ થવા લાગ્યા હતા. આને કારણે 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને માત્ર 99 બેઠક મળી હતી અને કોંગ્રેસને લગભગ 83 બેઠક મળી હતી. એ વખતે પણ ભાજપનો વોટ શેર 1 ટકા અને કોંગ્રેસનો વોટ શેર 2 ટકા વધ્યો હતો. 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની 115 બેઠક હતી, જે 2017માં ઘટીને 99 થઈ હતી. જ્યારે 2017માં કોંગ્રેસે 16 સીટ વધારે મેળવી હતી, પણ એ વખતે પાટીદાર અનામત આંદોલનનો લાભ કોંગ્રેસને મળ્યો હતો

આવો, જાણીએ પાટીદાર પાવર વિશે...
રાજ્યમાં કડવા અને લેઉવા પાટીદારની 15 ટકા વસતિને કારણે ચૂંટણીમાં સીધી અસર કરી જાય છે. એ જોતાં વિધાનસભાની 2012 અને 2017ની ચૂંટણીનાં પરિણામો જોઈએ તો 2012માં ગુજરાતમાં કુલ 182 ધારાસભ્યમાંથી 50 ધારાસભ્ય પાટીદાર હતા, જેમાંથી 36 ધારાસભ્ય ભાજપમાંથી ચૂંટાયા હતા. 2016માં પાટીદાર આંદોલન બાદ સમીકરણ બદલાયાં અને કોંગ્રેસની પાટીદાર બેઠકમાં વધારો થયો હતો. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના 28 અને કોંગ્રેસના 20 પાટીદાર ધારાસભ્ય જીત્યા હતા, એટલે કે 2017માં ભાજપના 8 પાટીદાર ધારાસભ્યનો ઘટાડો થયો હતો.

50 બેઠક પર તો પાટીદાર પાવર જ ચાલશે
ગુજરાતમાં પાટીદારોના સૌથી વધુ મતદારો ધરાવતી 50 બેઠક છે, જેમાં ઊંઝા, વીસનગર, બહુચરાજી, ગાંધીનગર ઉત્તર, મહેસાણા, વિજાપુર, હિંમતનગર, માણસા, ઘાટલોડિયા, વેજલપુર, ઠક્કરબાપાનગર, નારણપુરા, નિકોલ, નરોડા, મણિનગર, સાબરમતી, ધ્રાંગધ્રા, મોરબી, ટંકારા, દસક્રોઈ, વિરમગામ, રાજકોટ ઇસ્ટ, રાજકોટ સાઉથ, જસદણ, ગોંડલ, જામજોધપુર, માણાવદર, જૂનાગઢ, વિસાવદર, કેશોદ, ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, જેતપુર, ધોરાજી, જામનગર ગ્રામ્ય, સયાજીગંજ, બોટાદ, કામરેજ, સુરત ઉત્તર, વરાછા, કરંજ, મજુરા, કતારગામ, લુણાવાડા, નડિયાદ, ડભોઇ, કરજણ છે.

આ 21 બેઠક પર પણ પાટીદારોનું પ્રભુત્વ
આ સાથે અકોટા, વાઘોડિયા, રાવપુરા, માંજલપુર, તળાજા, રાપર, જામનગર સાઉથ, ભાવનગર ગ્રામ્ય, બોરસદ, આંકલાવ, માતર, મહુધા, કપડવંજ, પાદરા, નાંદોદ, જંબુસર, ભરૂચ, નવસારી, શહેરા, કલોલ, બાપુનગરની બેઠકો પર પણ પાટીદારોનું પ્રભુત્વ વધારે જોવા મળે છે. ગુજરાતમાં હાલ ભાજપના 44 ધારાસભ્ય, 6 સાંસદ ઉપરાંત ત્રણ સાંસદ હાલ રાજ્યસભામાં પાટીદાર છે.

પાટીદાર પ્રભુત્વ ધરાવતા વિસ્તારમાં AAPએ મળવી 27 બેઠક
ગુજરાતમાં સ્વરાજ સંસ્થાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સારોએવો દેખાવ કર્યો હતો. ખાસ કરીને સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં પાટીદાર વસતિનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારમાં 27 બેઠક મેળવી હતી. જોકે 2016ની પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે જે 26 બેઠક જીતી હતી એ 'આપ'ના ફાળે ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...