ભૂમિ પૂજન:​​​​​​​અમદાવાદમાં 20 નવેમ્બરે ઉમિયાધામના ભૂમિ પૂજનમાં CM અને કેન્દ્રીય મંત્રી રૂપાલા હાજર રહેશે, શિલાન્યાસમાં મોદી, શાહ અને આનંદીબેનને ખાસ આમંત્રણ

અમદાવાદ21 દિવસ પહેલા
ઉમિયાધામમાં તૈયાર થનારા મંદિરની તસવીર
  • ઉમિયાધામ કેમ્પસમાં હોસ્ટેલ, બેન્કવેટ હોલ, પાર્ટી પ્લોટનું નિર્માણ કરાશે

અમદાવાદમાં ઉમિયાધામનું 20 નવેમ્બરે ભૂમિ પૂજન થશે. રૂપિયા 55 કરોડના ખર્ચે બનવા જઈ રહેલું આ ઉમિયાધામ 74,000 ચોરસ વારમાં તૈયાર થશે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં યોજાનારા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા પણ હાજર રહેશે.

50 રૂમનો ગેસ્ટ હાઉસ બનાવવામાં આવશે
અમદાવાદ શહેરમાં તૈયાર થનારા આ ઉમિયાધામમાં ધર્મસંકુલ, શિક્ષણસંકુલ, આરોગ્ય સંકુલ, પાર્ટી પ્લોટ, બેન્કવેટ હોલ, ભોજનાલય, વિશ્રાંતિગૃહ જેવા જુદા જુદા વિભાગોનું નિર્માણ થઈ રહ્યું છે. જેમાં 1200 લોકો રહી શકે તેવી અત્યાધુનિક હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવશે. અમદાવાદ બહારથી આવતા યુવક-યુવતીઓ અહીંયા ભણતા હોય તે હોસ્ટેલમાં રહી શકશે. આ ઉપરાંત ભોજનશાળામાં રૂ.50માં ભોજન આપવામાં આવશે. 50 રૂમનું ગેસ્ટ હાઉસ બનાવવામાં આવશે. 2 બેન્કવેટ હોલ બનાવવામાં આવશે. ઉપરાંત તેમાં પાર્ટી પ્લોટ પણ બનાવવામાં આવશે જે ખૂબ જ નજીવા દરે સમાજના લોકોને આપવામાં આવશે. ઉમિયા કેરિયર અભિયાનમાં રૂ.1ના ટોકનથી દીકરીઓને ભણાવવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટ રૂ.1500 કરોડનો છે.

ઊંઝા ઉમિયા સંસ્થાન સોલાના મંત્રી દિલીપન પટેલે પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી
ઊંઝા ઉમિયા સંસ્થાન સોલાના મંત્રી દિલીપન પટેલે પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી

કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા હશે મુખ્ય મહેમાન
રૂપિયા 1500 કરોડના ઉમિયાધામ માટે લોકો મોટી સંખ્યામાં આગળ આવીને દાન કરી રહ્યા છે. આ માટે 21 લાખ, 51 લાખ અને કરોડ રૂપિયાના દાન આવી રહ્યા છે. પ્રોજેક્ટમાં 1000 ગાડીનું પાર્કિંગ પણ બનાવવામાં આવશે, જ્યારે 1 મેડિકલ સેન્ટર ઉભું કરવા અંગે પણ વિચારણા ચાલી રહી છે. જેમ ભંડોળ આવશે તેમ પ્રોજેકટમાં એક બાદ એક કામ કરવામાં આવશે. 20મી નવેમ્બરે યોજાનારા ભૂમિ પૂજન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા હાજર રહેશે. કડવા અને લેઉવા પટેલની 43 સંસ્થાના આગેવાનો પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

પાટીદારો પરના કેસો પાછા ખેંચવા સરકારને રજૂઆત
ઊંઝા ઉમિયા સંસ્થાન સોલાના મંત્રી દિલીપ પટેલે જણાવ્યું હતું કે, પાટીદારો પર આંદોલન સમયે જે કેસ થયા છે, તે પરત ખેંચવા અમારી સંસ્થા તરફથી સરકારને અગાઉ રજૂઆત કરવામાં આવી હતી અને નવા મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવી છે. સમાજના યુવાઓ સાથે અમારી લાગણી છે સરકાર આ મામલે વિચારણા કરીને નિર્ણય કરે તેવી અમને આશા છે.

11થી 13 ડિસેમ્બર શિલાન્યાસ કાર્યક્રમ યોજાશે
નોંધનીય છે કે, આગામી 11 થી 13 ડિસેમ્બર 2021 દરમિયાન ભવ્યાતિભવ્ય શિલાન્યાસ કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવશે. આ કાર્યક્રમમાં આનંદીબેન પટેલ, આચાર્ય દેવવ્રત હાજર રહેશે. જ્યારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. 13 ડિસેમ્બરના શિલાન્યાસ કાર્યક્રમ માટે PM નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે તેઓ આવે તેવી પણ શકયતા છે.