યુટ્યૂબર વીડિયો લાઈક કરીને પૈસા કમાવવાની જાહેરાતમાં ફસાયેલી બોપલની મહિલાએ 18.29 લાખ ગુમાવ્યા. મહિલાનો વિશ્વાસ કેળવવા ગઠિયાએ શરૂઆતમાં મહિલાના ખાતામાં રૂ.1700 જમા કરાવ્યા હતા. ત્યારબાદ પેનલ્ટીના નામે 12થી વધુ ટ્રાન્ઝેક્શન કરીને ઓનલાઈન પૈસા પડાવી લીધા હતા. આ અંગે મહિલાએ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
બોપલમાં રહેતી સીમરન ગઢવીએ યુટ્યુબ પર વીડિયો લાઈક કરીને પૈસા કમાવાની જાહેરાત જોઈ હતી. તેના પર ક્લિક કરતાની સાથે મહિલાના ફોનમાં એક એપ્લિકેશન આવી હતી. તે એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું મહિલાને જણાવવામાં આવ્યું હતું. ત્યારબાદ એપ્લિકેશન ડાઉનલોડ કરાવનારે સીમરનને ટેલિગ્રામ ગ્રૂપમાં એડ કરી હતી. ત્યારબાદ તેની પાસે આધારકાર્ડ, પાન કાર્ડ અને બેન્કની માહિતી મંગાવી લીધી હતી.
ગ્રૂપમાં એડ થયા બાદ મહિલાએ વીડિયો લાઈક અને શેર કરવાનું શરૂ કરતાં સામેથી મહિલાના ખાતામાં રૂ.1700 જમા થયા હતા. જેથી વધુ પૈસા કમાવવાની લાલચમાં મહિલાએ બીજા વીડિયો લાઈક અને શેર કર્યા હતા. જેથી મહિલા આગળના ટાસ્ક માટે ક્વોલિફાઈ થઈ ગઈ હોવાનું કહી રજિસ્ટ્રેશન ફી તેમજ ટેક્સ પેટે પૈસા જમા કરાવવાનું કહ્યું હતું. જેથી મહિલાએ ટુકડે ટુકડી રૂપિયા 18.29 લાખ ઓનલાઈન જમા કરાવી દીધા હતા. તેમ છતાં પૈસા પાછા નહીં આવતા આખરે મહિલાએ ફરિયાદ નોંધાવી હતી.
ટાસ્ક પેટે ટુકડે ટુકડે 1700 જમા કરાવ્યા
ગઠિયાએ શરૂઆતમાં યુવતીને માત્ર 1700 તેના ખાતામાં જમા કરાવ્યા હતા. જેમાં સૌથી પહેલાં ટાસ્ક પેટે રૂ.100 ત્યારબાદ 300, એ પછી 500 જમા કરાવ્યા હતા. ફક્ત વીડિયો લાઈક અને શેર કરીને પૈસા મળી રહ્યા હોવાથી યુવતીને વધુ પૈસા કમાવાની લાલચ જાગી હતી. જેથી ગઠિયાઓએ જે પ્રમાણે ટાસ્ક પૂરા કરવાનું કહ્યું એ રીતે યુવતીએ તમામ ટાસ્ક પૂરા કર્યા હતા. જો કે, એક વખત પૈસા આપી દીધા બાદ યુવતીને શંકા ગઈ હતી પરંતુ પૈસા લેવામાં જ રૂ.18 લાખ ગુમાવી દીધા હતા.
કુરિયર છોડાવવાના બહાને 1 લાખ પડાવ્યા
શેલામાં રહેતા નિરાલબહેન ભટ્ટ ઈવેન્ટ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. તેમના પર ફોન આવ્યો હતો જેમાં સામેવાળાએ તેમને કહ્યું હતું કે, તમે જે કુરિયરમાં મગાવ્યું છે તે હોલ્ટ પર રાખવામાં આવ્યું છે. કુરિયર મેળવવા માટે તમારે ઓનલાઈન પ્રોસેસ કરવી પડશે. જેના માટે હું તમને વોટ્સએપ પર એક લિન્ક મોકલું છું તેમ કહી સામેવાળાએ લિન્ક મોકલતાં નિરાલીબહેને તે લિન્ક ઓપન કરતાની સાથે તેમના ખાતામાંથી રૂ.99,999 ઉપડી ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.