‘અડાલજનું પતંગિયું’:ગુજરાતની ભાતીગળ ડિઝાઈન સાથે રૂ.15 કરોડના ખર્ચે લીલોતરી પહેરશે

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર-સરખેજ હાઈવે પર અડાલજ ચોકડી પર ક્લોવર લીફના ડેવલપમેન્ટ અને બ્યુટીફિકેશનની કામગીરી ચાલી રહી છે. અંદાજે 15 કરોડના ખર્ચે ચાલી રહેલી કામગીરી એકાદ મહિનામાં પૂરું થશે. પતંગિયા જેવા દેખાતા આ લીફ બ્રિજની નીચેના ચારેય ભાગ પર ગુજરાતની ભાતીગળ ડિઝાઇન સાથે ગાર્ડન તૈયાર કરાઈ રહ્યો છે, જેમાં ટેબેબીયા, રોઝીયા, ગરમાળો, ટબેબીયા અવેલેડી, સ્પેથોડિયા, જેકેરેન્ડા, લેજેસ્ટ્રોમિયા, ચંપો, પેલ્ટોફોરમ, એક્ઝોરા, બોગનવેલ, ચાંદની, નીકોડીયા જેવા છોડ અને વિવિધ પ્રકારનાં પામ ટ્રી ઉછેરવાની કામગીરી ચાલી રહી છે. જોકે ડિઝાઇન બનતાં 7થી 8 મહિનાનો સમય લાગે તેમ છે. સુરક્ષાનાં કારણોસર પુલની નજીક કોઈને જવા નહીં દેવાય એટલે અહીં પિકનિક પ્લેસ નહીં બને. બારેમાસ લીલોતરીવાળા અને બારેમાસ ફૂલ આવતાં હોય તેવા જ છોડનો ઉપયોગ અહીં કરાયો છે.

28 એકરમાં ગાર્ડન

  • 28 એકરમાં ગાર્ડનનો વિકાસ કરાશે.
  • 40 જાતનાં ઝાડ ઉગાડીને વિવિધ આકાર અપાશે.
  • 4 સર્કલ અને 8 ટ્રાય એંગલ જમીનમાં ગાર્ડન વિકસાવાઈ રહ્યો છે.
  • 82000 ચો.મી. વિસ્તારમાં લોન, 38000 ચો.મી. વિસ્તારમાં શ્રબરી પ્લાન્ટેશન.
  • 1 લાખ ફ્લાવરિંગ વૃક્ષ, 1600 પામટ્રી ઉગાડાઈ રહ્યાં છે.
  • 2.50 લાખ લીટરની ક્ષમતા ધરાવતા 4 અન્ડર ગ્રાઉન્ડ સમ્પ વેલ અને 4 બોરની મદદથી પાણી પૂરું પડાશે.

બ્રિજ વચ્ચેની જગ્યા પર વૃક્ષો ઉગાડાશે
​​​​​​​લોઅર લીફ બ્રિજની વચ્ચેની જગ્યા વેરાન હોવાથી ઝાડ ઉગાડાઈ રહ્યાં છે. લીલોતરીને કારણે પર્યાવરણની જાળવણી થશે. અમદાવાદ-ગાંધીનગરના પ્રવેશ માર્ગો ઉપરાંત મહેસાણા જવાનો પણ આ મુખ્ય રસ્તો છે. વાઇબ્રન્ટ સહિત વર્ષ દરમિયાન ચાલતા કાર્યક્રમોમાં દેશ-વિદેશથી આવતા મહેમાનો તથા બંને શહેર વચ્ચે અવરજવર કરતા નાગરિકોને નયનરમ્ય દૃશ્ય જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...