આજે ભારત ગૌરવ ડીલક્સ એસી ટુરિસ્ટ ટ્રેન 'ગરવી ગુજરાત યાત્રા ટ્રેન' તેના ચોથા સ્ટોપ પર અમદાવાદ મંડળના કલોલ સ્ટેશન પહોંચી હતી. ટ્રેનને દિલ્હીના સફદરગંજ સ્ટેશનથી રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને અન્ય મહાનુભાવો દ્વારા લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી હતી.
કલોલ સ્ટેશન પર "ગરવી ગુજરાત યાત્રા" ટ્રેનનું આગમન
અમદાવાદના કલોલ સ્ટેશન પર "ગરવી ગુજરાત યાત્રા" ટ્રેનનું આગમન થતાં તમામ મહેમાન તમામ મુસાફરોનું ગુજરાતી સંસ્કૃતિ મુજબ ગરબા અને ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્ટેશન પર તેમના આગમન પર કાર્પેટ બિછાવવામાં આવ્યું હતું અને ગુજરાતનું ગૌરવ "ગરબા નૃત્ય"નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મુસાફરોએ પણ આ પરંપરાગત નૃત્યનો આનંદ માણ્યો હતો. અત્યાર સુધી આ ટ્રેનના મુસાફરોને સ્ટેચ્યુ ઓફ યુનિટી, ચાંપાનેર, સોમનાથ મંદિર, ભાલકા તીર્થ, સોમનાથ બીચ, દ્વારકાધીશ મંદિર, નાગેશ્વર જ્યોતિર્લિંગ અને દ્વારકા લઈ જવામાં આવ્યા છે.
મુસાફરોનું ગુજરાતી સંસ્કૃતિ મુજબ સ્વાગત
અમદાવાદમાં તેમના રોકાણ દરમિયાન તેઓ સાબરમતી આશ્રમ, અડાલજ વાવ, અક્ષરધામ મંદિર અને દાંડી કુટીરની મુલાકાત લેશે. અંતિમ તબક્કામાં તેઓને મોઢેરા સૂર્ય મંદિર અને પાટણની રાણીની વાવ ખાતે પણ લઈ જવામાં આવશે. ત્યારબાદ આ ટ્રેન સિદ્ધપુરથી દિલ્હી માટે રવાના થશે. યાદગાર પ્રવાસ દરમિયાન વડોદરા, વેરાવળ, દ્વારકા અને કલોલ સ્ટેશન પર તમામ મુસાફરોનું ગુજરાતી સંસ્કૃતિ મુજબ ગરબા અને ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
તમામ મુસાફરોને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ
તમામ મુસાફરોએ રેલવે દ્વારા આયોજિત પ્રવાસની પ્રશંસા કરી અને આભાર માન્યો. આ ટૂર પેકેજમાં તમામ મુસાફરોને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ આપવામાં આવી રહી છે. આ ટ્રેનમાં બે રેલ રેસ્ટોરન્ટ, સીસીટીવી, ઈન્ફોર્મેશન સિસ્ટમ અને લાઈબ્રેરી પણ છે. ગુજરાત રાજ્ય તેના સમૃદ્ધ વારસા અને સાંસ્કૃતિક વિવિધતાથી ભરપૂર છે. આ ટ્રેન પ્રવાસી સર્કિટની 17મી ટ્રેન છે અને ભારતીય રેલવે દ્વારા "એક ભારત શ્રેષ્ઠ ભારત" યોજના હેઠળ ચલાવવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.