ભાસ્કર ઇનડેપ્થભાઈ..ભાઈ.. મતદારોએ તો ભારે કરી:25 વર્ષમાં મતદાન ઘટ્યું ત્યારે ભાજપની સીટો ઘટી છે, આ વખતે વડોદરામાં 14% ને અમદાવાદમાં 13%નું ગાબડું

અમદાવાદ2 મહિનો પહેલા

વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ અને મતદારોમાં આ વખતે દેખીતી નિરસતા જોવા મળી. ગત ચૂંટણીની સરખામણીમાં આ વખતે 10% મતદાન ઓછું થયું છે. ગત 1 ડિસેમ્બરે પહેલા તબક્કામાં 19 જિલ્લામાં મતદાનના નબળા આંકડા જોવા મળ્યા હતા અને 62.89% એટલે કે 63% જેટલું મતદાન થયું હતું. જ્યારે કે આજે બીજા તબક્કામાં 14 જિલ્લામાં મતદાન થયું હતું અને કહેવાની જરુર નથી કે સવારથી જ આંકડા નબળા હતા. બીજા તબક્કામાં હવે 59% જ મતદાન થવાને લીધે આ વખતની ચૂંટણીમાં 59% મતદાન થયું છે. આ આંક ગત 2017ની ચૂંટણીમાં થયેલા 69% મતદાન કરતા તો ઘણો નીચો જ કહેવાય. હવે આ વખતે 10% ઓછું મતદાન પરિવર્તન લાવે છે કે પુનરાવર્તન એ તો 8મીએ જ ખબર પડશે. પરંતુ છેલ્લી પાંચ ચૂંટણીના આંકડા દર્શાવે છે કે જ્યારે પણ મતદાનમાં ગાબડું પડ્યું છે, નુકસાન ભાજપને થયું છે અને ફાયદો કોંગ્રેસને!

બીજો તબક્કો
માઈનસમાં ગયેલું મતદાન કોને માઈનસ કરશે?

ઉત્તર અને મધ્ય-પૂર્વ ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો પર આજે બીજા તબક્કાનું મતદાન થયું. કહેવાની જરૂર નથી કે આજનું મતદાન સવારથી જ સાવ નિરસ અને બોરિંગ રહ્યું હતું. મતદારો ક્યાંય જોવા જ મળ્યા નહોતા. કદાચ આ કારણથી જ આજે જે 14 જિલ્લામાં મતદાન થયું તેમાંથી 11 જિલ્લા એવા છે કે જેમાં ગત 2017ની ચૂંટણીની તુલનામાં 10%થી ઓછું મતદાન થયું છે. આ માઈનસમાં રહેલો આંકડો મતદારોની નારાજગી દર્શાવે છે કે નિરસતા એ તો 8મીએ જ ખબર પડશે. પરંતુ એક વાત નિશ્ચિત છે કે, આટઆટલો પ્રચાર અને અપીલ કરવા છતાં મતદારો મતદાન મથકોથી અળગા જ રહ્યા હતા. મતદાનમાં 10%નું ગાબડું એન્ટિ ઈન્કમ્બન્સી તરફ ઈશારો કરે છે તેવું પણ નકારવાને કોઈ કારણ નથી.

મતદાનમાં સૌથી ઓછું 7% ગાબડું છોટા ઉદેપુરમાં
બીજા તબક્કામાં કેટલી હદે કંગાળ મતદાન નોંધાયું હતું તેનો પૂરાવો એ પરથી મળે છે કે, બધા 14 જિલ્લામાં મતદાન 2017 કરતા ઓછું હતું. તેમાં પણ સૌથી ઓછું ગાબડું છોટા ઉદેપુર જિલ્લામાં પડ્યું છે જ્યાં મતદાન માત્ર 7% ઘટ્યું હતું. જ્યારે બાકીના તમામ 13 જિલ્લા એવા છે જ્યાં 7% કરતા વધુ ઘટાડો જોવા મળ્યો છે. આ બાબત દર્શાવે છે કે ઉત્તર અને મધ્ય ગુજરાતના મતદારો તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મતદારો કરતા પણ વધુ નિરસ હતા. કારણ કે પહેલા તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ તથા દક્ષિણ ગુજરાતમાં ગત ચૂંટણીની તુલનામાં 5.44%નો જ ઘટાડો જોવા મળ્યો હતો.

અમદાવાદ-વડોદરાની 31 સીટ પર બધાના શ્વાસ અદ્ધર
ગુજરાત વિધાનસભામાં અમદાવાદ જિલ્લાની 21 અને વડોદરા જિલ્લાની 10 સીટ છે. આમ 182માંથી 31 બેઠકોનો મોટો હિસ્સો આ બે જિલ્લા જ ધરાવે છે. પરંતુ આ વખતની ચૂંટણીમાં આ વડોદરા અને અમદાવાદ જિલ્લામાં મતદાનમાં અનુક્રમે 14% અને 13%નો ઘટાડો જોવા મળ્યો છે. આટલું મોટું ગાબડું આ બંને જિલ્લાની સીટની સંખ્યાને જોતા બહુ મોટું કહેવાય. આ સ્થિતિમાં મતદારો કોને તારે છે અને કોને ડુબાડે છે તેની ખબર તો 8મીએ જ પડશે. પરંતુ મધ્ય ગુજરાત આખાના સમીકરણો બદલાઈ જાય તો નવાઈ નહીં.

પ્રથમવાર મતદાન કરનાર યુવતી.
પ્રથમવાર મતદાન કરનાર યુવતી.

ઉત્તરમાં મોદીની 8-શાહની 9 જાહેરસભાઓ છતાં 10% ગાબડું
ઉત્તર ગુજરાતનો એકેય જિલ્લો એવો નથી કે જ્યાં આ વખતે મતદાનમાં 10%નો ઘટાડો થયો ન હોય. ઉલ્લેખનીય છે કે, ખુદ વડાપ્રધાન મોદીએ બીજા તબક્કાની ચૂંટણી માટેના પ્રચારમાં આ વખતે ઉત્તર ગુજરાતમાં 8 જાહેરસભાઓ કરી હતી. જ્યારે ગૃહમંત્રી અમિત શાહે 9 જાહેરસભાઓ ગજવી હતી. તેમણે મતદારોને ખોબલેને ખોબલે ભાજપને મત આપવા અપીલ કરી હતી. આમ છતાં ઉત્તર ગુજરાતના બધા જિલ્લાઓમાં મતદાનમાં 10%થી વધુનો જ ઘટાડો જોવા મળ્યો હતો. આમાં પાટણમાં 12.77% અને મહેસાણામાં 11.54% મતદાન ઘટ્યું તે આંકડો ઘણું બધું કહી જાય છે.

પહેલો તબક્કો
મતદાનમાં 5.44% જેટલું ગાબડું પડતાં નિરસતા દેખાઈ

ગત 1 ડિસેમ્બરે રાજ્યના 19 જિલ્લાની 89 બેઠક માટે પહેલા તબક્કાનું 62.89% મતદાન થયું હતું. જ્યારે ગત 2017માં આ 19 જિલ્લામાં 68.33% મતદાન થયું હતું. પહેલા તબક્કામાં જ ઓછા મતદાનથી ઉમેદવારો પણ ભારે મૂંઝવણમાં મૂકાયા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં 58% મતદાન થયું છે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં 66% જેટલું મતદાન નોંધાયું છે. આમ સૌરાષ્ટ્રમાં દક્ષિણ ગુજરાત કરતા 8% જેટલું ઓછુ મતદાન થયું છે. પહેલા તબક્કાના મતદાનની પેટર્ન તરફ નજર કરીએ તો એકમાત્ર દેવભૂમિ દ્વારકાને બાદ કરતા બાકીના તમામ 18 જિલ્લામાં 2017ની તુલનામાં ઓછું મતદાન થયું હતું.

આજે સવારે મતદારો મતદાન કરવા ઊમટ્યા હતા.
આજે સવારે મતદારો મતદાન કરવા ઊમટ્યા હતા.

આદિવાસી બેઠકો પર મતદાનમાં 6%થી વધુ ઘટાડો
પહેલા તબક્કામાં કુલ 19માંથી જે 18 જિલ્લામાં ઓછું મતદાન થયું હતું તેમાં આદિવાસી પટ્ટામાં સૌથી વધુ ઉદાસીનતા જોવા મળી હતી. મતદાન હતું તે 19માંથી છ જિલ્લા તો એવા હતા કે જ્યાં મતદાનમાં 5%થી વધુ ગાબડું પડ્યું હતું. પરંપરાગત રીતે આદિવાસી જિલ્લાઓમાં ઊંચુ મતદાન થતું હોય છે. આ વખતે પણ બાકીના જિલ્લાઓની સરખામણીમાં નર્મદા, ભરૂચ અને ડાંગમાં મતદાન બીજા જિલ્લાઓ કરતા ઊંચુ જ હતું. પરંતુ 2017ની તુલનામાં આ વખતે આ વિસ્તારોમાં પણ મતદાનમાં ખાસ્સું ગાબડું પડ્યું હતું. આદિવાસી વોટ છેલ્લી બે-ત્રણ ચૂંટણીથી સત્તાધારી પાર્ટીને મળે છે પરંતુ આ વખતે અહીં મતદાન નીચું થતા અહીં પણ એન્ટિ-ઈન્કમ્બન્સી ફેક્ટર ગણતરીમાં આવી શકે છે.

મોદી-શાહે સભાઓ ગજવી પણ મતદારો ન ખેંચાયા
સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પહેલા તબક્કાનું મતદાન હતું ત્યાં નરેન્દ્ર મોદીએ 12 સભા અને અમિત શાહે 7 સભા સંબોધી હતી. કેજરીવાલે પણ 4 રોડ શો કર્યા હતા અને ત્રણ સભા સંબોધી હતી. જ્યારે કોંગ્રેસના રાહુલ ગાંધીએ માત્ર બે સભા સંબોધી હતી. જ્યાં જ્યાં રાષ્ટ્રીય દિગ્ગજોની સભા થઈ ત્યાં મતદારોનો મૂડ એવો જોવા મળ્યો કે.... રાજકીય પક્ષોને સભા, રોડ શો, સંમેલનો જે કરવું હોય તે કરે, પણ અમે તો અમારે જે કરવું હોય તે જ કરીશું. મોદીએ ધોરાજી, અમરેલી, રાજકોટ, ભાવનગર, નવસારી, બોટાદ, સુરત સહિતના સ્થળોએ એક ડઝન સભા કરી તે સીટ પર સરેરાશ 60% મતદાન થયું. જ્યારે અમિત શાહે જ્યાં સભા કરી તે જસદણ, અમરેલી, મહુવા સહિતના સ્થળોએ તો 45%-60% માંડ મતદાન થયું.

પાટીદાર પ્રભાવિત બેઠકો પર મતદાન સાવ ઠંડુ
સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લાની 54 બેઠકો છે, જેમાંથી મોરબી-અમરેલીના આખા જિલ્લા ઉપરાંત રાજકોટ, જામનગર, જૂનાગઢની ઘણી બેઠકો પાટીદાર મતદારોનું પ્રભુત્વ ધરાવે છે. 2017માં મોરબીમાં સરેરાશ 73.66% અને અમરેલીમાં 61.84% મતદાન થયું હતું. આ વખતે મોરબીમાં 69.77 મતદાન થયું જે 3.89% ઓછું છે જ્યારે અમરેલીમાં 57.59% મતદાન નોંધાયું હતું. અમરેલીમાં ગયા વખતે પાટીદાર આંદોલનની અસર હતી. આ વખતે એ ફેક્ટર નથી પરંતુ આમ આદમી પાર્ટીને (AAP) લીધે પાટીદાર મતદારોનો રૂખ કઈ બાજુ રહ્યો તે કળી શકાય એવું નથી.

અન્ય સમાચારો પણ છે...