કેરીના વેપારને ફટકો:ગુજરાતમાં 80થી 100ની વચ્ચે વેચાતી કેસર કેરી તાઉતેના લીધે પ્રતિ કિલો 4 રૂપિયાથી 20 રૂપિયામાં વેચાઈ રહી છે

અમદાવાદ, ઔરંગાબાદ8 મહિનો પહેલાલેખક: મંદાર દવે, મહેશ જોષી
  • કૉપી લિંક
કેરીની ક્વોલિટી બગડતા ભાવ ગગડ્યાં - Divya Bhaskar
કેરીની ક્વોલિટી બગડતા ભાવ ગગડ્યાં
  • તાઉતે વાવાઝોડાએ કેસર-અલ્ફાન્સો કેરીના પાકને નષ્ટ કર્યો, ક્વોલિટી બગડતા ભાવ ગગડ્યાં

ફળોના રાજા અને સૌરાષ્ટ્રની સોડમ ગણાતી કેસર કેરીને આ વર્ષે તાઉતે વાવાઝોડા અને કોરોના નડી ગયો. કોરોના મહામારીના કારણે નિકાસમાં થયેલા ઘટાડાના કારણે પહેલેથી જ નીચા ભાવનો મહારાષ્ટ્ર અને ગુજરાતના કેરી ઉત્પાદકો સામનો કરી રહ્યાં હતા તેની સાથે તાઉતે વાવાઝોડાએ કેર મચાવ્યો છે. વાવાઝોડા દરમિયાન ઝડપી પવન ફૂંંકાતા આંબાના ઝાડ પડી જવા સાથે 75 ટકાથી વધુ કેરી ખરી જવા સાથે નુકસાન થયું છે. તેમજ વાવાઝોડા પછી અચાનક કેરીની આવકમાં વધારો થતા અને ક્વોલિટી નબળી રહેવાના કારણે કેસર કેરીના ભાવ તાલાલા માર્કેટ યાર્ડમમાં ઘટીને પ્રતિ કિલો રૂ.4-20માં વેચાઇ હતી. જ્યારે મહારાષ્ટ્રની અલ્ફાંસોની કિંમત પ્રતિ પેટી રૂ.2200થી ઘટી રૂ.1000 રહી ગઇ હતી.

આ વર્ષે માત્ર 150 ટનની જ નિકાસ થઈ શકશે
દેશમાંથી સૌથી વધુ નિકાસ થતી કેરીમાં સૌ પ્રથમ કેસર અને ત્યારબાદ અલ્ફાંસો બીજા સ્થાન પર આવે છે. કેરી ઉત્પાદકોના મતે માર્ચમાં કોરોનાની બીજી લહેર શરૂ થવા સાથે આંશિક લોકડાઉનના કારણે વેપારમાં 40-50 ટકાનું નુકસાન રહ્યું હતું. આ ઉપરાંત નિકાસમાં એરકાર્ગોની સુવિધા ન મળવાના કારણે નિકાસને મોટા પાયે અસર થઇ છે. આ ઉપરાંત કાર્ગોના ભાડા ઉંચા હોવાથી નિકાસ કરવાનું પણ પરવડે તેમ નથી તેવું કચ્છના આશાપુરા ફાર્મ એન્ડ નર્સરીના માલિક અને ખેડૂત બટુકભાઈએ જણાવ્યું હતું. ગતવર્ષે ગુજરાતમાંથી 350-400 ટન કેસર કેરીની નિકાસ થઇ હતી જે આ વર્ષે સરેરાશ 50 ટકા ઘટી 150 ટનની નિકાસ થશે તેવો અંદાજ છે. ગુજરાતમાં કેરીનું ઉત્પાદન સરેરાશ 10-12 લાખ ટન આસપાસ રહે છે. જેમાંથી 25-30 ટકા નિકાસ થાય છે પરંતુ આ વર્ષે નિકાસ માત્ર 10-15 ટકા જ રહી જશે.

મહારાષ્ટ્રમાં 750 કરોડનું નુકસાન
આ રીતે, દેશના હાફુસ હબ ગણાતા મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારમાં સરેરાશ 750 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. કેરીનો સરેરાશ કુલ 45 ટકા પાક બહાર આવી ચૂક્યો હતો. વાવાઝોડાના કારણે સરેરાશ 40 ટકા કેરી જમીન પર ખરી ગઇ હતી. હવે 15 ટકા જ પાક બચ્યો છે. અત્યાર સુધીમાં 2200-2400 રૂપિયામાં વેચાતી 5 ડઝન કેરીની પેટીની કિંમત અત્યારે એક હજાર રૂપિયા પર પહોંચી ગઇ છે.

તાલાલા યાર્ડમાં કેરીની આવક 42% ઘટશે
તાલાલા યાર્ડમાં ગતવર્ષે કેરીના કુલ 6.88 લાખ બોક્સ (પ્રતિ બોક્સ 10 કિલો)ની આવક થઇ હતી. જે આ વર્ષે 42 ટકા ઘટીને 4 લાખ બોક્સની અંદર રહી જવાનો અંદાજ છે. કેસર કેરીની કિંમત ઘટી પ્રતિ બોક્સ રૂ.20-200 સુધી નીચે પહોંચી હતી જ્યારે બેસ્ટ ક્વોલિટીમાં કેસરની કિંમત 200-700 બોલાઇ રહી છે. - હરસુખ પટેલ, સેક્રેટરી, તાલાલા યાર્ડ

તાઉતેથી પાકને નુકસાન સાથે કિંમત ઘટી
ગતવર્ષે આવેલ નિસર્ગ વાવાઝોડાના કારણે આ વર્ષે સિઝન દોઢ મહિનો લેટ થઇ હતી. મેના પહેલા સપ્તાહ સુધી માત્ર 45% માલ બજારમાં આવ્યો હતો. 15 મેથી 10 જૂન સુધીમાં 55% હાફુસ બજારમાં આવવાની આશા હતી પરંતુ વાવાઝોડાના કારણે સારી કિંમત મળવાની આશા ઓછી છે. - શિવરાજ ધોરપડે, જિલ્લા કૃષિ અધિકારી, સિંધુદુર્ગ

મીઠી કેરી ઉત્પાદકો માટે કડવી બની
તાલાલા, ગીર-સોમનાથ, કોડીનાર વિસ્તારમાં મોટા પાયે કેસર કેરીનું ઉત્પાદન થાય છે. દાયકા પહેલાં વીઘાદીઠ 2 લાખ વળતર મળતુ હતુ જે આજે 60-65% સુધી ઘટ્યું છે. વાવાઝોડાના કારણે ચાલુ વર્ષે 3.5-4 મેટ્રિક ટન પ્રતિ હેક્ટર ઉત્પાદન થવાની સંભાવના છે.