ગુજરાતીઓ ઉત્તરાયણ માટે અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાં વતન પરત ફરે છે. મોટી સંખ્યામાં આવતા ગુજરાતીઓના કારણે મુંબઈથી અમદાવાદ તરફથી આવતી લગભગ તમામ ટ્રેનોમાં હાલ વેઈટિંગ ચાલી રહ્યું છે. જેમાં સૌથી વધુ વેઈટિંગ ગુજરાત મેલમાં છે. સ્લીપરમાં વેઈટિંગ 200ને પાર, થર્ડ એસીમાં 100ને પાર, સેકન્ડ એસીમાં 60થી વધુ તેમજ ફર્સ્ટ એસીમાં પણ 9થી વધુ વેઈટિંગ છે. પ્રીમિયમ ટ્રેન વંદે ભારતમાં પણ ચેરકારમાં 220થી વધુ તેમજ એક્ઝિક્યુટિવ ચેરકારમાં 54થી વધુ વેઈટિંગ છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મુંબઈ વચ્ચે દરરોજ 35 જેટલી ટ્રેનો દોડે છે.
ઉત્તરાયણ તહેવાર દરમિયાન ટ્રેનોમાં લાંબુ વેઈટિંગ જોતા પેસેન્જરોની સુવિધા માટે રેલવે દ્વારા મુંબઈ અને અમદાવાદ વચ્ચે વિશેષ ભાડા સાથે સ્પેશિયલ સુપરફાસ્ટ ટ્રેનની એક ટ્રીપ દોડાવવાની જાહેરાત કરી છે. આ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન શનિવાર, 14 જાન્યુઆરીએ બાંદ્રા ટર્મિનસથી સવારે 5.30 કલાકે ઉપડશે. અમદાવાદથી આ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન 15 જાન્યુઆરીએ સવારે 6 કલાકે ઉપડશે. સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર તેમજ જનરલ કોચ ધરાવતી આ ટ્રેન વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશન પર ઊભી રહેશે. 13 જાન્યુઆરીથી બુકિંગ શરૂ થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.