વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એવા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં કડક પોલીસ ચેકિંગ અને બંદોબસ્તની પોલ ખોલતી ઘટના સામે આવી છે. પોલીસની ચેકિંગથી આબાદ બચીને સ્ટેડિયમમાં જ સટ્ટો રમતા શખસને ડીસીપી સ્ક્વોડે ઝડપી પાડ્યો છે. અગાઉ ભારત- ઇંગ્લેન્ડ મેચ વચ્ચે ક્રિકેટ મેચ દરમિયાન સ્ટેડિયમમાં મેચ પર સટ્ટો રમતો શખસ મજૂરનો પાસ લઈ ઘૂસી ગયો હતો. ત્યારે ફરી એકવાર IPL મેચ દરમિયાન મોટેરા ખાતે સ્ટેડિયમમાં ક્રિકેટ સટ્ટો રમતાં એક શખસને પોલીસે ઝડપ્યો છે.
પોલીસ ચેકિંગમાંથી બચીને શખસ ઘૂસ્યો
ઝોન 2 ડીસીપી સ્ક્વોડે આરોપીને 108 ફાયરબ્રિગેડના પ્રવેશવાના દરવાજા પાસે બે મોબાઈલ પર સટ્ટો રમતા પકડ્યો હોવાનું જણાવ્યું છે. જ્યારે આરોપીની વિગતે પૂછપરછ કરતા IBમાં ફરજ બજાવતાં PSIની સાથે સ્ટેડિયમમાં પ્રવેશ મેળવ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસની ચેકિંગની સ્પષ્ટ બેદરકારીથી આરોપી સ્ટેડિયમ સુધી પહોચી ગયો હતો.
ઓનલાઈન સટ્ટો રમતો હતો
મોટેરા ખાતે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં IPL મેચ ચાલી રહી છે. મેચને લઈ ચાંદખેડા પોલીસ અને ઝોન 2 ડીસીપી સ્ક્વોડનો પોલીસ બંદોબસ્ત રહેલો છે. પોલીસે સ્ટેડિયમમાં ફાયરબ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સના પ્રવેશવાના દરવાજેથી એક શખસ પાર્થ કંસારા (રહે. રાયકાનગર, જૂનાગઢ)ને બે મોબાઈલ સાથે પકડી લીધો હતો. બંને મોબાઈલ ચેક કરતાં ગોતાના નિતેશ લીંબચીયા અને છોટુ મારવાડી (રહે. રાજસ્થાન)ના કોન્ટેકમાં રહી ફોન પર ઓનલાઇન સટ્ટો રમતો હતો.
આરોપી PSIની ગાડીમાં બેસી સ્ટેડિયમમાં ગયો હતો
આરોપીની પૂછપરછ કરતા તેણે પોતાના સાગરીત નિતેશ લીંબચીયા મારફતે IB PSI કિશન રાઓલનો સંપર્ક કર્યો હતો. 26 એપ્રિલના રોજ PSIની સરકારી ગાડીમાં બેસી સ્ટેડિયમમાં ગયા હતા. જ્યારે 27મી એપ્રિલે પણ ડફનાળાથી ઈન્દિરાબ્રિજ થઈ અને સ્ટેડિયમમાં ગયા હતા. નિતેશે PSI સાથે સ્ટેડિયમમાં પ્રવેશ મેળવ્યો હોય પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
ગાંધીનગર રહેતા પોલીસકર્મીનો બંનેને બચાવવા પ્રયાસ
બીજી તરફ આ કેસમાં PSI અને બુકીને બચાવવા માટે ગાંધીનગરમાં રહેતા અને અમદાવાદમાં નોકરી કરતા એક પોલીસકર્મીએ પ્રયાસ કર્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હવે આગળની તપાસ અન્ય એજન્સી પાસે જાય તો વધુ ખુલાસા થઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.