DB સુપર એક્સક્લૂઝિવ:ભાજપમાં 'જૂના'ને દૂર કરી 'નવા' ને સત્તા સોંપવા પાછળનું ગણિત 'એક નહીં, અનેક મોદી' તૈયાર થાય અને સત્તાની ટોચ સુધી પહોંચી જાય...

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: ટીકેન્દ્ર રાવલ
  • સંગઠનમાંથી રાતોરાત સત્તા પર બેસી CMથી PM સુધી પહોંચેલા નરેન્દ્ર મોદીની સફળતા હવે ભાજપ માટે એક સ્ટ્રેટેજી બની ગઈ
  • ભાજપ એક કેડરબેઝ પક્ષ હોવાથી વર્ષોથી સત્તા પર બેઠેલાને નહીં હટાવાય તો નવી કેડર તૈયાર કેવી રીતે થશે, એનો ઉકેલ લાવ્યા નવાને સત્તામાં ભાગીદારી..
  • CM એટલે ચીફ મિનિસ્ટર નહીં, કોમન મેન હોવાનો મોદીનો મંત્ર ભાજપ મુખ્યમંત્રીઓ માટે સત્તાની એક લકીર

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. 70 વર્ષ પૂર્ણ કરી 71 વર્ષમાં પ્રવેશ કરી રહેલા પીએમ મોદીએ છેલ્લા કેટલાક સમયથી અલગ અને ચોંકાવનારી રાજનીતિ રમી રહ્યા છે. ગુજરાત સહિતનાં પાંચ રાજ્યોમાં મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળમાં ધરમૂળમાંથી ફેરફાર કરવાની નરેન્દ્ર મોદીની સ્ટ્રેટેજી પાછળ એક એવું ગણિત ચાલી રહ્યું છે કે નરેન્દ્ર મોદી પણ સંગઠનમાંથી સીધા જ સત્તા પર આવ્યા હતા અને સફળ થયા છે તો આખા દેશમાં ભવિષ્યમાં ભાજપ માટે અનેક નરેન્દ્ર મોદી તૈયાર થઈ શકે છે. તો વડાપ્રધાનના બર્થ ડે પર આવો, જાણીએ નરેન્દ્ર મોદીના ભવિષ્યના પ્લાન વિશે.

પીએમ મોદીને અનુભવ વગર મળી હતી સત્તા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષો સુધી ભાજપ સંગઠનમાં હતા, તેમને સત્તાનો ક્યારેય અનુભવ ન હતો. તેમ છતાં 2001માં રાતોરાત હાઇકમાન્ડના આદેશ અનુસાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો, નરેન્દ્ર મોદીને એ સમયે સરકાર, વહીવટ, પ્રજાનાં કામો, સરકારી નિર્ણયો, યોજનાઓ અંગેના કોઈ અનુભવ ન હતા, પરંતુ સત્તાને સાચવવાની સાથે પ્રજાલક્ષી નિર્ણયો, પ્રજાનો પ્રેમ મેળવવામાં સફળ થયા હતા. એટલું જ નહીં, જંગી બહુમતી સાથે દેશના વડાપ્રધાન સુધી પહોંચ્યા હતા, ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકેની શાસનની કુનેહ નરેન્દ્ર મોદીને દેશના વડાપ્રધાનના કાર્યકાળમાં પણ સફળતા મળી રહી છે.

એક સમયે એક કરતાં વધુ નરેન્દ્ર મોદી તૈયાર થઈ ગયા હશે. (નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર).
એક સમયે એક કરતાં વધુ નરેન્દ્ર મોદી તૈયાર થઈ ગયા હશે. (નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર).

યુવાનોને સત્તા આપી રાજ્યનો વિકાસ વધારી શકાય
નરેન્દ્ર મોદીએ પોતાના અનુભવ, શાસન ચલાવવાની પદ્ધતિને ધ્યાનમાં રાખીને ભાજપશાસિત રાજ્યો કે જ્યાં મુખ્યમંત્રી સહિત નિષ્ફળ રહેલા મંત્રીઓને ફેરફારો કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં જૂના જોગીઓ, વારંવાર મંત્રીઓ કે મુખ્યમંત્રી બનેલા હોય કે વર્ષોથી સત્તા પર હોય તેવા મંત્રીઓ અને મુખ્યમંત્રીઓને બદલી તેમના સ્થાને યુવાનો, નવા ચહેરાઓને સત્તામાં સ્થાન આપવામાં આવી રહ્યું છે, એટલે કે નરેન્દ્ર મોદીનું એવું રાજકીય ગણિત હોવું જોઈએ કે સત્તા પર બેઠેલા કેટલાક લોકો વર્ષો સુધી એકધાર્યા ચાલ્યા કરશે તો બીજી કેડરને તક મળવી મુશ્કેલ બની જાય છે. પરિણામે, ધીરે ધીરે નવી કેડર ભાજપની સમર્થક તો બની જશે, પણ પક્ષના નેતા કે ફુલ ટાઈમ વર્કર બનતા વિચાર કરશે. એટલું જ નહીં, બદલાતા જતા વિશ્વની સાથે તાલમેલ કરી શકે તેવા યુવાનોને સત્તામાં ભાગીદાર બનાવવામાં આવે તો જે-તે રાજ્યનો વિકાસ પણ એટલો ઝડપી થઈ શકે છે.

નરેન્દ્ર મોદી ક્યારેય નિવૃત્ત થશે નહીં (ફાઇલ તસવીર).
નરેન્દ્ર મોદી ક્યારેય નિવૃત્ત થશે નહીં (ફાઇલ તસવીર).

મોદી ક્યારે નહીં થાય રિટાયર્ડ!
આ ઉપરાંત નરેન્દ્ર મોદીનું ભવિષ્યના ભાજપની એવી પણ વ્યૂહરચના હોઈ શકે કે ભાજપ એક કેડરબેઝ પાર્ટી છે, તેમાં નવા નવા લોકો જોડાઈ રહ્યા છે. એ સંજોગોમાં સરકારમાં પણ ફેરફાર કરી નવાને સત્તાનો સ્વાદ ચાખવા દેવો જરૂરી છે, ભાજપ આ સ્ટ્રેટેજી મુજબ જ આગળ વધતો જશે તો એક સમયે નરેન્દ્ર મોદી કે અમિત શાહ સહિતના દિગ્ગજ નેતાઓ નિવૃત્ત થયા બાદ પણ એક કરતાં વધુ નરેન્દ્ર મોદી તૈયાર થઈ ગયા હશે અને ભાજપની સત્તા લાંબો સમય સુધી ટકી શકશે. આમ લાંબા સમય પછી ભારત એટલે ભાજપ અને ભાજપ એટલે ભારત બની શકે છે.