લાસ્ટ મોમેન્ટ રિવિઝન:PSI અને LRDની શારીરિક કસોટી પહેલાં માર્ક્સનું આ ગણિત ગોખી લેજો, દરેક સેકન્ડનું ખાસ મેનેજમેન્ટ રાખશો તો પૂરા માર્ક્સ મળશે

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શારીરિક કસોટીમાં PSI ઉમેદવારે 50 અને LRD ઉમેદવારને 25માંથી માર્ક્સ અપાશે
  • પુરુષ ઉમેદવારોએ પૂરા માર્ક્સ માટે 20 મિનિટમાં 5 કિમીની દોડ પૂરી કરવી પડશે
  • મહિલા ઉમેદવારોએ 7 મિનિટ કે એનાથી ઓછો સમય 1600 મીટરની દોડ પૂરી કરવી પડશે

પોલીસની ભરતીમાં આવતીકાલે 3 ડિસેમ્બરથી શારીરિક કસોટી શરૂ થઈ રહી છે, જે 29 જાન્યુઆરી સુધી ચાલશે. આ કસોટીમાં નિયત સમયમાં દોડ પૂરી કરનાર પાસ તો ગણાશે, પરંતુ 20 મિનિટથી ઓછા સમયમાં દોડ પૂરી કરનારને PSI ઉમેદવારને 50 અને LRD ઉમેદવારને 25 માર્ક્સ મળશે. ફિઝિકલ ટેસ્ટના માર્ક્સને મેરિટમાં ગણવામાં આવશે. દોડમાં જેટલા વધુ ગુણ હશે એટલો મેરિટમાં નંબર આગળ આવી શકે છે. એમાં પુરુષ ઉમેદવારોએ 5 કિલોમીટર (5000 મીટર)ની દોડ વધુમાં વધુ 25 મિનિટમાં, જ્યારે મહિલા ઉમેદવારોએ 1600 મીટર દોડ 9 મિનિટ અને 30 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે. એક્સ-સર્વિસમેને 2400 મીટરની દોડ 12 મિનિટ અને 30 સેકન્ડમાં પૂરી કરવાની રહેશે.

દોડ સરખી, પણ PSI અને LRD બંનેમાં અલગ માર્ક્સ
PSIની શારિરીક કસોટીમાં 5 કિલોમીટરની દોડના 50માંથી માર્ક્સ જ્યારે LRDની કસોટીમાં આટલી જ દોડના 25માંથી માર્ક્સ અપાશે. 9.46 લાખથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભરીને અરજી કન્ફર્મ કરાવી છે. ત્યારે દિવ્યભાસ્કર તમને જણાવી રહ્યું છે કે શારીરિક કસોટીમાં કેટલા સમયમાં કેટલું દોડશો તો તમને કેટલા માર્ક્સ મળશે. તમારી દોડ પૂરી કરવાના સમય મુજબ અલગ અલગ માર્ક્સ મળશે, જે મેરિટ સમયે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. પુરુષ અને મહિલા ઉમેદવારોને વધુમાં વધુ 25, જ્યારે ઓછામાં ઓછા 10 માર્ક્સ આ દોડની કસોટીમાં મળવાના છે.

દોડના માર્ક્સની મેરિટમાં ગણતરી થશે
પુરુષ ઉમેદવારોએ પૂરા માર્ક્સ લેવા માટે 20 મિનિટ કે એનાથી ઓછા સમયમાં દોડ પૂરી કરવાની રહેશે. વધુમાં 24થી 25 મિનિટની વચ્ચે જો LRD ઉમેદવારોની દોડ પૂરી થશે તો માત્ર 10 જ માર્ક્સ મળશે. જ્યારે મહિલા ઉમેદવારોએ પૂરા 25 માર્ક્સ લેવા માટે 7 મિનિટ કે એનાથી ઓછા સમયમાં દોડ પૂરી કરવાની રહેશે. 9થી 9.30 મિનિટ વચ્ચે દોડ પૂરી કરનારને માત્ર 10 માર્ક્સ મળશે. એક્સ-સર્વિસમેને પૂરા 25 માર્ક્સ લેવા માટે 9.30 મિનિટ કે એનાથી ઓછા સમયમાં દોડ પૂરી કરવાની રહેશે. 12 અને 12.30 મિનિટ વચ્ચે દોડ પૂરી કરનારને માત્ર 10 માર્ક્સ મળશે. જેથી ઉમેદવારો જેટલા ઓછા સમયમાં દોડ પૂરી કરશે એટલા વધુ માર્ક્સ મળશે અને મેરિટમાં તેને ફાયદો થઈ શકે છે.

PSIની શારીરિક કસોટીમાં 50 માર્ક્સમાંથી માર્ક્સ મળશે
આવી જ રીતે PSI ઉમેદવારો 20 મિનિટથી ઓછામાં 5 કિલોમીટર દોડે તો 50 માર્ક્સ, 20થી 20.30 મિનિટ વચ્ચે દોડ પૂરી કરે તો 48 માર્ક્સ, 20.30 મિનિટથી 21 મિનિટ વચ્ચે દોડ પૂરી કરે તો 45 માર્ક્સ મળશે. જો કોઈ ઉમેદવાર 24.30 મિનિટથી 25 મિનિટ વચ્ચે દોડ પૂરી કરે તો 20 માર્ક્સ જ મળશે. આમ તેને 30 માર્ક્સનું નુકસાન થઈ શકે. આવી સ્થિતિમાં ઉમેદવારોએ દોડમાં ઝડપ રાખવી જરૂરી બને છે.

LRDમાં 10 હજારથી વધુ જગ્યા પર ભરતી
ગુજરાત પોલીસ વિભાગમાં લોકરક્ષક કેડરની હથિયારી અને બિનહથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને SRPF કોન્સ્ટેબલની 10,459 જગ્યા સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન અરજીઓ મગાવાઈ હતી, જેમાં 9.46 લાખ અરજી કન્ફર્મ થઈ હતી. આમાં 6.92 લાખ પુરુષ અને 2.54 લાખ મહિલાની અરજીઓ કન્ફર્મ થઈ છે. લોકરક્ષક દળમાં બિનહથિયારધારી કોન્સ્ટેબલની 5,212, હથિયારધારી કોન્સ્ટેબલની 797 અને એસઆરપી કોન્સ્ટેબલની 4,450 જગ્યા માટે ભરતી થશે.

PSIમાં કેટલી જગ્યા માટે ભરતી
PSIમાં 1382 પદ માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની 202 જગ્યા છે. બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (મહિલા) માટે 98 જગ્યા છે. હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (પુરુષ)ની 72 જગ્યા, ઇન્ટેલિજન્સ ઓફિસર (પુરુષ) 18, ઇન્ટેલિજન્સ ઓફિસર (મહિલા) 9, બિનહથિયારી મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (પુરુષ) 659, બિનહથિયારી મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (મહિલા) 324 જગ્યા છે. આ પ્રકારે કુલ 1382 જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે. આ માટે અંદાજે 4 લાખથી પણ વધારે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.