તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

RTOમાં ક્લાર્કનું કૌભાંડ:સુભાષબ્રિજ RTOમાં લોકડાઉન પહેલા અને બાદમાં હેડ ક્લાર્કે અધિકારીની મંજૂરી વગર 1352 વાહનોની બારોબાર ફાઈલો પાસ કરી

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નોન ટ્રાન્સપોર્ટ શાખામાં હેડ કલાર્કે વાહનોના કાગળો ચકાસી સહી કરી RTO અધિકારી પાસે મંજૂરી માટે કાગળો મોકલવાના હોય છે
  • અધિકારીઓની મંજૂરી વગર જાતે જ ફાઈલો પાસ કરી 262 વાહનોના કાગળોમાં ઓનલાઈન એપ્રૂવલ આપી
  • હેડ ક્લાર્કે વાહન માલિકો પાસેથી પૂરેપૂરી ફી અને ટેક્સ વસુલ્યો નહી અને રાજ્ય સરકારને રૂ.83630નું નુકસાન કર્યું

શહેરના સુભાષબ્રિજ ખાતે આવેલી RTO કચેરીમાં લોકડાઉન પહેલા અને પછી નોન ટ્રાન્સપોર્ટ શાખાનો હેડ ક્લાર્ક અશોક ચાવડાએ એજન્ટ સાથે મળી RTO કે ARTO અધિકારીની મંજૂરી વગર વાહનોની બારોબાર ફાઈલો મંજૂર કરી કૌભાંડ આચરતો હોવાનો ઘટસ્ફોટ RTO અધિકારી વિનીતા યાદવે કર્યો છે. આ મામલે ક્લાર્ક ચાવડાએ 1352 વાહનોના કાગળોમાં અધિકારીઓની મંજૂરી વગર જાતે જ ફાઈલો પાસ કરી જેમાં 262 વાહનોના કાગળોમાં ઓનલાઈન એપ્રૂવલ આપી ફાઈલનો બારોબાર નિકાલ કર્યો હતો. આ મામલે રાણીપ પોલીસ સ્ટેશનમાં અધિકારી વિનીતા યાદવે હેડ ક્લાર્ક અશોક ચાવડા અને એજન્ટ નરેન્દ્ર ગોસ્વામી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

વિનીતા યાદવ નોન ટ્રાન્સપોર્ટ શાખાનું સુપરવિઝન કરે છે
સુભાષબ્રિજ RTOમાં નોન ટ્રાન્સપોર્ટ શાખામાં મહિલા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી તરીકે વિનીતા હેમરાજ યાદવ ફરજ બજાવે છે. નોન ટ્રાન્સપોર્ટ શાખાનું સુપરવિઝન વિનીતા યાદવ કરે છે. નોન ટ્રાન્સપોર્ટ શાખામાં લોન કેન્સલ, લોનમાં વધારો, વાહન ટ્રાન્સફર, સરનામું બદલવાનું, વાહન ફેરબદલ અને વાહનનો ટેક્સ વસુલવાની કામગીરી થાય છે.

RTO અધિકારીએ વાહનોના કાગળો કસ્ટડીમાં લેતા કૌભાંડ સામે આવ્યું
નોન ટ્રાન્સપોર્ટ શાખામાં હેડ કલાર્ક તરીકે અશોક ચાવડા અને અન્ય 5 કર્મચારી ફરજ બજાવે છે. હેડ ક્લાર્કએ વાહનોના કાગળો ચકાસી પોતાની સહી કરી વિનીતા યાદવ પાસે મંજૂરી માટે કાગળો મોકલવાના હોય છે. અરજદારો તરફથી બે માસ અગાઉ વિનીતા યાદવને રજૂઆત મળી કે નોન ટ્રાન્સપોર્ટ શાખામાં કાગળો જમા કરાવવા છતાં પણ ગુમ થઈ જાય છે. જેથી યાદવે વાહનોના કાગળો પોતાની કસ્ટડીમાં લઈ તપાસ કરતા મોટું કૌભાંડ બહાર આવ્યું હતું.

ચાવડાએ 1352 વાહનોની જાતે બારોબાર ફાઈલો પાસ કરી
હેડ ક્લાર્ક અશોક ચાવડાએ 1352 જેટલા વાહનોના કાગળોમાં વિનીતા યાદવ કે RTOની મંજૂરી વગર બારોબાર ફાઈલો પાસ કરી વાહન તબદિલી, લોન રદ્દ કરવી જેવી કામગીરી કરી હતી. અશોક ચાવડા દ્વારા નરેન્દ્ર ગોસ્વામી સહિતના મળતિયા એજન્ટો સાથે મળી 1352 વાહનોમાં એપ્રૂવલ આપવામાં આવ્યું હતું. જેમાં 262 વાહનોમાં ઓનલાઇન એપ્રૂવલ અને બે વાહનમાં અશોક ચાવડાએ પોતાની સહી કરી મંજૂરી આપી છે.

રાણીપ પોલીસ સ્ટેશનમાં ક્લાર્ક અને એજન્ટ સામે ફરિયાદ
અશોક ચાવડા અને તેના મળતિયા એજન્ટોએ આર્થિક લાભ લેવા ગુનાહિત કાવતરૂ રચી 264 વાહનોના એપ્રુવલ આપી વાહન માલિકો પાસેથી પૂરેપૂરી ફી અને ટેક્સ વસુલ્યો ન હતો. આ રીતે રાજ્ય સરકારને રૂ.83630નું નુકસાન કર્યું હતું. રાણીપ પોલીસે આરોપી હેડ કલાર્ક અશોક.જી.ચાવડા અને એજન્ટ નરેન્દ્ર ગોસ્વામી વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...