કોરોનાનો કહેર:અમદાવાદની 1200 બેડની સિવિલ હોસ્પિટલમાં હાલ કોરોનાના 136 દર્દીઓ માંથી 24ની સ્થિતિ ગંભીર, દર્દીઓ વધતાં તાત્કાલિક સ્ટાફ વધારાયો

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
1200 બેડની કોવિડ હોસ્પિટલ ( ફાઈલ ફોટો) - Divya Bhaskar
1200 બેડની કોવિડ હોસ્પિટલ ( ફાઈલ ફોટો)
  • કોરોનાના કેસ વધવાથી સ્થિતિ વધુ ગંભીર થઈ ફેબ્રુઆરી મહિના પછી સૌથી વધુ દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં
  • દરેક સ્થિતિમાં અમારા ડોકટર, સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક હાજર : સિવિલ સુપ્રિટેન્ડેન્ટ જે.પી.મોદી

રાજ્યમાં એક સમયે કોરોનાના કેસ આંગળીના વેઢે ગણી શકાય તેવા હતા પણ હવે કોરોના ફરી બેકાબુ થઈ રહ્યો છે. હાલ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 136 કોરોનાના દર્દીઓ દાખલ છે તેમાંથી 24 દર્દીઓ ક્રિટિકલ છે. ફરી સિવિલ હોસ્પિટલમાં સૌથી વધુ દર્દીઓ આવી રહ્યા છે. જે માટે 500 બેડ રિઝર્વ રાખવામાં આવ્યા છે. તેની સાથે હવે રાઉન્ડ ધ ક્લોક ડોકટર અને સ્ટાફ હાજર રાખવામાં આવી રહ્યા છે.હાલ સીવીલ હોસ્પિટલમાં દર્દીઓ જે પ્રમાણે વધી રહ્યા છે તે ગત માર્ચ મહિનાના ગ્રાફની જેમ વધી રહ્યા હોવાનું સિવિલના નિષ્ણાંત ડોકટર પણ માની રહ્યા છે.

કોરોના વધતાં સરકાર પણ એલર્ટ થઈ
માર્ચ 2020 બાદ રાજ્યમાં કોરોનાના જે પ્રમાણે કેસ વધ્યા હતાં તેનાથી હાહાકાર મચી ગયો હતો. ત્યાર બાદ કોરોના વધ ઘટ થતો રહ્યો પણ જ્યારે પણ લોકો મોટી સંખ્યામાં ભેગા થયા ત્યારે કોરોના ગ્રાફ સડસડાટ ઉપર વધવા લાગ્યો હતો. હવે માર્ચ 2021મા પણ આજ સ્થિતિ સર્જાઈ છે. જે માટે હવે એલર્ટ રહેવા માટે પણ સરકાર દ્વારા આકરા પગલાં ભરવામાં આવી રહ્યા છે.

કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થયો ( ફાઈલ ફોટો)
કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થયો ( ફાઈલ ફોટો)

1200 બેડની હોસ્પિટલમાં 500 બેડ રિઝર્વ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી ગણ્યા ગાંઠ્યા કેસ આવતા હતા પરંતુ હવે ચોંકાવનારી રીતે આ ગ્રાફ વધી રહ્યો છે. જેના લીધે હવે સિવિલ હોસ્પિટલ કઈ રીતે એલર્ટ છે તે જાણવાનો દિવ્યભાસ્કર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં હાલ કોરોના માટે 1200 બેડની હોસ્પિટલમાં 500 બેડ રિઝર્વ રાખવામાં આવ્યા છે. જેમાં પણ હાલ 136 કોરોનાં દર્દીઓ દાખલ છે.જેમને સારવાર આપવામાં આવી રહી છે.રોજ દર્દીઓની આખ્યા વધી રહી છે.જેમાં 24 દર્દી ગંભીર હાલતમાં છે.

સિવિલનો સ્ટાફ દરેક સ્થિતિ સામે લડવા તૈયાર
આ અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ જે પી મોદીએ જણાવ્યું હતું કે, અમે હાલ દરેક સ્થિતિ સામે લડવા તૈયાર છીએ. જેમાં પણ ખાસ કરીને હાલ પણ પહેલાની જેમ જ સારવાર આપવામાં આવી રહી છે.જેના માટે અમારો સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહ્યો છે.

સિવિલ હોસ્પિટલનો સ્ટાફ પણ વધારી દેવામાં આવ્યો
સિવિલ હોસ્પિટલનો સ્ટાફ પણ વધારી દેવામાં આવ્યો

ગુજરાતમાં રોકેટ ગતિએ કેસ વધી રહ્યાં છે
ગુજરાતમાં છેલ્લા અઠવાડિયાથી કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનો આંક 1000ની નજીક પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં 954 કેસ નોંધાયા છે અને બે વ્યક્તિઓના મોત થયા છે. જેમાં હાલની વાત કરીએ સૌથી વધારે કેસ સુરત અને ત્યારબાદ અમદાવાદમાં કેસો વધી રહ્યા છે. જેમાં સુરતમાં કુલ 292 પોઝિટિવ કેસ, વડોદરામાં 107 અને રાજકોટમાં 80 કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેના પગલે હવે તંત્ર એક્શનમાં આવ્યું છે. તેમજ ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂની મુદત વધારી દેવામાં આવી છે.